________________
ફા.વ.૧૦ની રાત ઉનાના એ ઉપાશ્રયમાં જગદ્ગુરુની મૂર્તિના સાન્નિધ્યમાં, તેમના પાવન ઉપનિષમાં વીતાવી... ફા.વ.૧૧ની રાત શાહબાગમાં.
સાંજે ચારેક વાગ્યે ઉનાથી નીકળી શાહબાગમાં આવ્યા. એક કલાક ચરણપાદુકાની સમક્ષ બેસવાનું થયું. ભક્તોએ જગદ્ગુરુશ્રીના જીવન - કવનને આવરી લેતી પૂજા ભણાવી.
હું ચારસો વરસ પહેલાંના વાતાવરણમાં ડૂળ્યો હતો. મારા મનને, અસ્તિત્વને તે સમયગાળામાં મૂકીને તે સમયના સ્પન્દનો માણવામાં મશગૂલ હતો.
પ્રતિક્રમણ પછી થોડીવાર સૂતો. મધરાતે જાગીને જગદ્ગુરુશ્રીનાં આન્દોલનોને પકડવાનો પ્રયત્ન કર્યો. એવો આભાસ થયો કે પહેલાંના સદ્ગુરુઓ ઉપવનમાં રહેતા તેમ આ મોટા સદ્ગુરુએ પણ પોતાની સાધનાને ઊંડાણનો આયામ આપવા માટે જાણે કે આ મનોહર ઉપવનમાં રહેવાનું સ્વીકાર્યું હોય.
બહુ મઝાની વાત એ બની કે ક્યાંક નદીકિનારે સમાધિસ્થળે નાની દેરી બંધાણી હોત કે ચરણપાદુકા તેમાં પધરાવાયેલ હોત તો આજુબાજુનું વાતાવરણ આ આન્દોલનોને એટલા વિસ્તરવા ન દેત. અહીં તો ચોપાસ મોટો બગીચો, ને વચ્ચે સમાધિસ્થળ. ચરણપાદુકામાં સંગૃહિત થયેલ આન્દોલનો ચોપાસ પ્રસર્યા જ કરે.
આવાં પવિત્ર આન્દોલનોથી સભર ભૂમિ પર એક રાત્રી ગાળવા મળી આ અનુભવ સ્મૃતિની મંજૂષામાં કાયમ માટે સંઘરાયેલ રહેશે.
જગદ્ગુરુની આ ચરણપાદુકાની પ્રતિષ્ઠા તેમના પટ્ટધર વિજયસેનસૂરિ મહારાજના વરદ હસ્તે થઈ હશે. અને એટલે ગુરુની શક્તિ અને શિષ્યની ભક્તિનું આ મઝાનું સંગમતીર્થ બન્યું શાહબાગ. પ્રગટ્યો પૂરન રાગ
૧૩૯