________________
સહસાવનમાં સ્થિરતા માટે પૂજ્યપાદ તપસ્વિસમ્રાટ હિમાંશુસૂરિ દાદાના સમાધિમન્દિરની બાજુની રૂમ મળેલી. ત્યાંનું પરિદૃશ્ય જોઈ હું ખુશ થઈ ગયો. રૂમમાં બેઠા બેઠા દાદાની ચરણપાદુકાનાં દર્શન થયા કરે.
અને બહાર, સમાધિમન્દિરવાળા છોબંધ ચોકમાં બેસું ત્યારે ચારે બાજુનાં આમ્રવૃક્ષોની હરિતિમા દેખાયા કરે. મોરના ટહુકા કર્ણપ્રિય લાગે. અને બચ્ચાંને છાતીએ વળગાડી કૂદતી વાંદરીઓને જોઈને માતૃત્વની ગરિમા દેખાય.
સહસાવનમાં, ગિરનાર તીર્થ પર અને તળેટીએ ગિરનાર તીર્થના મહિમાની વાતો સાંભળી અજોડ શાસનસમર્પિત પંન્યાસપ્રવર શ્રી ચન્દ્રશેખરવિજય મ. સા.ના શિષ્ય પૂજ્ય તપસ્વિરત્ન ધર્મરક્ષિતવિજય મહારાજ તથા ભીષ્મ તપસ્વી મુનિશ્રી હેમવલ્લભવિજયજીના મુખેથી.
બન્ને મુનિવરો ગિરનાર તીર્થની અને પ્રભુની અજોડ ભક્તિ કરી રહ્યા છે. એમની એ ભક્તિ જોઈ હૃદયે પ્રસન્નતા અનુભવી.
પ્રભુના આ દિવ્ય સાન્નિધ્યમાં સંતોનો સંગ પણ અદ્ભુત રહ્યો. આ. શ્રી મુનિચન્દ્રસૂરિજી, વિદ્વધર્મ ધુરધરવિજય મહારાજ, આ. શ્રી રાજપુણ્યસૂરિજી, આ. શ્રી રાજચન્દ્રસૂરિજી, પં. શ્રી પ્રશાન્તવલ્લભવિજયજી, મુનિ શ્રી અરિજિતશેખરવિજયજી આદિના સંગે પ્રભુભક્તિમાં ખૂબ આનન્દ આવ્યો.
ભીંજાવાનું ચાલુ રહ્યું. “તુજ કરુણાધારમાં, હું નિત્ય ભીંજાતો રહું...” એ ભીંજામણ કેવી હતી ?
પ્રશમ ગાઈ રહ્યો હતો : પ્રીતડી તારી ને મારી, કેટલી ઉમદા હશે; એક ઘડી તુજને ભૂલું ના, કેવું ઋણબંધન હશે..
૧૩૬
પ્રગટ્યો પૂરન રાગ