________________
૮૩૨
કે મોક્ષની ભ્રાંતિ જ નથી, તો ક્યાં રહી સાધના અને કોણ બને સાધક?
ક્યાં મોક્ષની ઇચ્છા? અને બને કોણ મુક્ત? માટે જ અત્રે સ્પષ્ટ કર્યું છે કે પારમાર્થિક સત્યમાં નિમગ્ન થયેલાં જ્ઞાનીની અભેદબુદ્ધિમાં નથી નિરોધ કે ઉત્પત્તિ, નથી કોઈ બદ્ધ કે નથી કોઈ સાધક, છતાં જ્યાં સુધી પારમાર્થિક સત્યનું અભેદજ્ઞાન થતું નથી અને સૂક્ષ્મ બુદ્ધિએ આત્મસાક્ષાત્કાર થતો નથી, ત્યાં સુધી બંધનનો ભાવ છે અને તેવા બદ્ધને જ સાધનચતુષ્ટયની પ્રાપ્તિ અર્થે સાધક ગણી સાધનાનો ઉપદેશ વ્યાવહારિક સત્યના દષ્ટિકોણથી અપાય છે.
આમ, અજ્ઞાનકાળે જ વ્યવહાર છે, વ્યાવહારિક સત્ય છે અને તેવા દષ્ટિકોણથી જ કોઈ બદ્ધ કે સાધક છે, કોઈ મુમુક્ષુ કે મુક્ત છે. પરંતુ અજ્ઞાનનો જ્ઞાનકાળે બાધ થતાં, વ્યવહારનું કારણ અવિદ્યા કે અજ્ઞાન જ રહેતું નથી, ત્યાં કોણ બદ્ધ કે સાધક? કેવી મોક્ષની ઇચ્છા અને કેવો મુક્તિનો વૈભવ? છતાં તે બધું માત્ર એક કાળે અર્થાત અજ્ઞાનકાળે અસ્તિત્વમાં હોય છે અને જ્ઞાનકાળે તેમાંનું કંઈ જ રહેતું નથી. તેનો જ્ઞાનકાળે અભાવ સર્જાય છે. તેથી જે કંઈ વ્યવહાર છે, વ્યવહારગણ્ય છે તે સર્વ કાંઈ અભાવયુક્ત હોઈ અસત્ય છે, મિથ્યા છે, અનિત્ય છે તથા સ્વપ્નવત કાલ્પનિક છે. માટે વ્યવહાર માત્રની પારમાર્થિક સત્યતા સંભવી શકે નહીં.
વ્યવહારમાં જે કંઈ જણાય છે તેની સત્તા પ્રતિભાસિક છે. જેમ સ્વપ્નના પદાર્થો અને સ્વપ્નસૃષ્ટિ માત્ર સ્વપ્નકાળે જ સાચા જેવી અનુભવાય છે અને જાગૃતિમાં આવતાં જ જે કંઈ સત્ય અનુભવાયું હતું તે અસત્ય, અનિત્ય અને મિથ્યા ઠરે છે. સ્વપ્નના અનુભવો અને સ્વપ્નની સૃષ્ટિમાં જે કંઈ જોયું, સાંભળ્યું કે અનુભવ્યું તે સર્વ કાંઈનો અભાવ થતો હોવાથી અગર બાધ થતો હોવાથી મિથ્યા છે તે પ્રમાણે જાગ્રત અવસ્થામાં જે કંઈ ભેદમય કે દૈતરૂપી વ્યવહાર થાય છે અને તેવો વ્યવહાર અજ્ઞાનકાળે સાચાં જેવો લાગતો હોવા છતાં જ્ઞાનકાળે તે સર્વ વ્યવહારનો અભાવ અને બાધ થતો હોવાથી જાગ્રતનો વ્યવહાર પણ અનિત્ય, અસત, મિથ્યા અને