________________
૭૧૩
વચ્ચે રોકવું શક્ય હોતું નથી. લક્ષ્ય તરફ બાણ છોડતા પૂર્વે લક્ષ્ય જો વાઘ જેવું વિકરાળ પ્રાણી હોય કે સંહાર કરવા ધસી આવતો શત્રુ હોય, તેવું વિચારી બાણ છોડવામાં આવે, પરંતુ છૂટી ગયા બાદ બીજી જ ક્ષણે સમજાય કે વાઘ નથી પણ મારું બાણ પળવારમાં જેને વીંધી નાંખશે તે તો ગાય અગર શત્રુના બદલે બ્રાહ્મણ છે, તો હવે બાણને વચ્ચે અટકાવવાનો કે પાછું વાળવાનો કોઈ ઇલાજ ધનુર્ધારી પાસે હોતો નથી. બાણ તો પોતાના લક્ષ્યને વીંધવા માટે નિરંતર પ્રગતિમાં પ્રવાસ કર્યા જ કરે છે. તેવી જ રીતે સંચિત કર્મરૂપી ભાથામાંથી છટીને પ્રારબ્ધરૂપી બાણ એક વાર પોતાના લક્ષ્ય તરફ અતિ વેગથી પ્રવાસ કરવા નીકળી પડે ત્યારે ગર્ભની પણછમાંથી બળ પ્રાપ્ત કરીને, શરીરની અવનવી ઉપાધિ કે યોની દ્વારા, કર્મના ફળને નિશાન બનાવવા તે આગળ વધે જ જાય છે અને જ્યાં સુધી પ્રારબ્ધકર્મના બધા જ લક્ષ્યરૂપી ફળ વીંધાઈ ન જાય ત્યાં સુધી શરીરરૂપી બાણ ધરાશયી થઈ શાંત થતું નથી. તાત્પર્યમાં પ્રારબ્ધ કર્મરૂપી બાણ શરીરની ઉપાધિ સાથે વેગવંતુ થઈને એકવાર નીકળી પડે છે ત્યારબાદ તેને કોઈ પણ અટકાવી શકતું નથી. જ્ઞાની પણ જ્ઞાન દ્વારા સંચિતકર્મને “બ્રહ્મ છું' તેવા જ્ઞાન દ્વારા જેના નામે સંચિત કર્મ છે તેવા જીવાત્માનો આત્યંતિક બાધ કરી, જીવાત્માનો નાશ કરી, જીવના નાશમાં સંચિત કર્મનો નાશ કરી શકે તેમ છે અને “હું કર્મથી અસંગ, અકર્તા છું' તેવા જ્ઞાનાગ્નિમાં આગામી કર્મને પણ ભસ્મીભૂત કરી શકે તેમ છે. પરંતુ પ્રારબ્ધ કર્મનો તો તે ત્યાગ કરી શકે જ નહીં. કારણ કે પ્રારબ્ધરૂપી બાણ તો જ્ઞાનીને આત્મસાક્ષાત્કાર થયો તે પૂર્વે જ છૂટી ચુકેલું છે. માટે જ પ્રારબ્ધનું ફળ તો જ્ઞાનીએ પણ ભોગવવું જ પડશે. પછી ભલે જ્ઞાન દ્વારા તે સમજે કે ફળ તો શરીર ભોગવે છે, હું તો તેનો સાક્ષી છું પરંતુ જ્ઞાની જે શરીર લઈને આવ્યો છે, તે શરીરને તો પ્રારબ્ધના ફળ નિશ્ચિતરૂપે ભોગવવા પડે છે અને જ્યારે તે સર્વ પ્રારબ્ધ કર્મો ભોગવાઈ જાય છે ત્યારે જ પ્રારબ્ધ કર્મરૂપી બાણનું લક્ષ્ય વીંધાઈ ગયું છે, તેવું સમજાતા પ્રારબ્ધ કર્મ શાંત થઈ જાય છે.
તાત્પર્યમાં, પ્રારબ્ધ કર્મરૂપી બાણ તેના કર્મફળરૂપી લક્ષ્યને વીંધ્યા વિના કદાપિ શાંત થઈ શકે નહીં.