________________
૬૮૪
ન
ભૂતકાળનું અનુસ્મરણ ન કરવું, ભવિષ્યનો વિચાર ન કરવો તથા વર્તમાનની પ્રાપ્તિ પ્રત્યે ઉદાસીનતા દાખવવી, એ જીવન્મુક્તનું લક્ષણ છે. ભૂતકાળના મધુર સ્વપ્નોનું સ્મરણ કરી વર્તમાનની પ્રતિકૂળતાને ભૂલવાનો પ્રયત્ન કરવો, એ મનુષ્ય માત્રની સ્વાભાવિક પ્રવૃત્તિ છે અને તે જ પ્રમાણે જીવનના શેષ સમયમાં મનુષ્ય, ભવિષ્યના વિચારો કે ચિંતામાં ડૂબેલો જોવા મળે છે. આમ, મનુષ્ય જન્મનો મોટા ભાગનો સમય ભૂતના સ્મરણમાં કે ભાવિની ચિંતામાં ચાલ્યો જાય છે. જયારે થોડો સમય, જે વર્તમાનની વાસ્તવિકતાઓ સમજવા ઉપલબ્ધ રહે છે તેમાં પ્રારબ્ધગત જે કંઈ પ્રાપ્ત થાય છે તે તરફ પ્રતિક્રિયા કરવામાં, તેના રોદણાં રોવામાં અને તેની અભિવ્યક્તિમાં મનુષ્ય વેડફી નાંખે છે. આમ, ન તો સામાન્ય મનુષ્ય ભૂતકાળનો સદુપયોગ કરી શકે છે, ન તો મોક્ષાર્થે ભાવિની યોજના ઘડવામાં વર્તમાન વિતાવી શકે છે અગર ન તો ઈશ્વ૨દત્ત વર્તમાનને સુખચેનથી ભોગવી પણ શકે છે. જયા૨ે જીવન્મુક્તને નથી ભૂતકાળનું અનુસ્મરણ કે નથી ભવિષ્યની ચિંતા. તે તો શરીર પ્રારબ્ધને સોંપી, શરીરના ભાવિનો વિચાર ભૂલી ચૂક્યો છે અને શરીરના વીતેલા કાળની તો જીવન્મુક્તને ૫૨વા જ નથી. કારણ કે પોતે તો કાળથી મુક્ત છે અને દેહ જ કાળના બંધનમાં છે, તો કયા હેતુથી જીવન્મુક્ત ભૂત કે ભાવિનો પાલવ પકડે કે છેડો ફાડે. તે જ ન્યાયે શરીરને તેના કર્મ પ્રમાણે પ્રારબ્ધગત જે કંઈ પ્રાપ્તિ કે અપ્રાપ્તિ વર્તમાનમાં થાય છે, તે તરફ જીવન્મુક્તને ઉદાસીન કે ઉપેક્ષાવૃત્તિ હોય છે. આમ, જીવન્મુક્ત પોતાને કાળનો પણ કાળ, કાળની પેલે પાર તથા કાળનો પણ કોળિયો કરનાર જાણી ભૂત, ભાવિ અને વર્તમાનની સારી-નરસી, સંજોગશૃંખલાથી મુક્ત થાય છે અને પોતાના અકાળ સ્વરૂપમાં એકાગ્ર થઈ અલૌકિક મસ્તીમાં ઉદાસીનવૃત્તિથી વિહાર કર્યા કરે છે.
(છંદ-અનુષ્ટુપ) गुणदोषविशिष्टेऽस्मिन् स्वभावेन विलक्षणे । सर्वत्र समदर्शित्वं जीवन्मुक्तस्य लक्षणम् ॥४३४ ॥