________________
૪૦૪
‘સર્વ ભૂતો મારામાં રહેલા છે. હું તેઓમાં રહેલો નથી'' ‘ભૂતો મારામાં રહેલા નથી. આવું મારું (વિરૂદ્ધધર્મી) ઐશ્વર્ય જાણ.'' ભગવાનના ગીતાગત ઉપરોક્ત કથનનું તાત્પર્ય અને તત્ત્વાર્થ તો એવો છે કે ‘મત્સ્યાનિ સર્વ ભૂતાનિ’ અર્થાત્ ‘હું જગતનો આધાર અને અધિષ્ઠાન પરમાત્મા છું અને સર્વ ભૂતો મારામાં રહેલા છે તેનો અર્થ કંઈ જડ ભૂતોનો ચેતન આત્મા સાથે સંગ છે તેવું નહીં, પરંતુ પિંડ અને બ્રહ્માંડના સર્વ ભૂતો મુજમાં કલ્પિત કે આરોપિત છે. અજ્ઞાનકાળે જ તે સૌ મુજમાં જણાય છે, બાકી હું તો વિશ્વનું અસંગ અધિષ્ઠાન છું. તેથી મને ભૂતોનો સ્પર્શ પણ નથી. આમ, સર્વ પ્રાણીઓ કે ભૂતો મારામાં વાસ્તવિક રીતે નથી પરંતુ કલ્પિત અવશ્ય છે. માટે જ સમજવાનું કે ‘હું તેઓમાં નથી.’ કારણ કે જડ ભૂતો અને ચેતન આત્માનો સંગ હોઈ શકે નહીં. તેવી સ્પષ્ટતા કરી ભગવાને પુનઃ કહ્યું કે ન વ મત્સ્યાનિ ભૂતાનિ’ અર્થાત્ ભૂતો મારામાં નથી. તેથી સ્પષ્ટ થાય છે કે પ્રાણીઓ કે ભૂતો પરમાત્મામાં વાસ્તવિકરૂપે નથી. પરંતુ જેમ અધિષ્ઠાન દોરીમાં સર્પનો આરોપ છે, તેમ અધિષ્ઠાન આત્મા ઉપર ભૂતો આરોપરૂપે રહેલા છે અને અજ્ઞાનકાળે જ સત્ય જણાય છે. જ્ઞાનકાળે તો પરમાત્મામાં પ્રાણીઓ કે ભૂતોનો દ્વૈતભાવ રહેતો નથી. કા૨ણ કે આત્મજ્ઞાનમાં તો નામ અને આકારવાળા ભૂતોરૂપી દ્વૈતપ્રપંચનો બાધ થઈ જાય છે. માટે જ ભગવાને વિરોધાભાસ દ્વારા સત્ય વચન ઉચ્ચારી જણાવ્યું છે કે નામ અને આકારવાળા ભૂતોવાળું જગત પરબ્રહ્મમાં સત્યરૂપે રહેલું નથી. આમ, જગત સત્ય નથી તેવું ભગવાન કૃષ્ણના ગીતાગત વચનથી સાબિત થાય છે. છતાં પણ જો કોઈ જગતને સત્ય માને તો ભગવાન કૃષ્ણની ગીતાવાણી દોષિત અને અસત્ય સાબિત થાય. માટે જગતની સત્યતા સ્વીકારી શકાય નહીં.
(છંદ-અનુષ્ટુપ)
यदि सत्यं भवेद्विश्वं सुषुप्तावुपलभ्यताम् । यन्नोपलभ्यते किञ्चिद् अतो ऽसत्स्वप्नवन्मृषा ॥२३६॥