________________
કીર્તિધર મુનિ - સુકોશલ મુનિ
શ્રીરામના પૂર્વજોના ઇતિહાસમાં એક કથા આવે છે - અયોધ્યાના રાજા કીર્તિધર અને એમના પુત્ર સુકોશલની. રાજા કીર્તિધરની રાણી હતી સહદેવી. રાજા કીર્તિધર વૈરાગી બને છે. બાલપુત્ર સુકોશલનો રાજ્યાભિષેક કરીને તે વિજયસેન મુનિની પાસે દીક્ષા લે છે. તે તીવ્ર તપશ્ચર્યા કરવા લાગ્યા. અનેક ઉપસર્ગ-પરીષહો સહન કરવા લાગ્યા સમતાભાવથી, ગુરુઆજ્ઞા પામીને એ એકલા વિહાર કરવા લાગ્યા.
એક વાર કીર્તિધર મુનિવરે એક માસના ઉપવાસ કર્યા. પારણાના દિવસે તે અયોધ્યામાં ગયા. અયોધ્યાના રાજમાર્ગ પરથી પસાર થતા મુનિરાજને સહદેવીએ જોઈ લીધા. તેણીએ વિચાર કર્યો - ‘હું પતિરહિત તો થઈ જ ગઈ છું. હવે પિતા મુનિને જોઈને સુકોશલ પણ દીક્ષા લઈ લેશે, તો હું પુત્રરહિત થઈ જઈશ. રાજ્ય અનાથ થઈ જશે.
આ મુનિરાજ છે, મારા પતિ છે, વ્રતધારી છે, નિરપરાધી છે, છતાં રાજ્યની કુશળતા ટકાવી રાખવા એમને નગરની બહાર કાઢી મૂકવા જોઈએ' અને નોકરો દ્વારા કાઢી પણ મુકાવ્યા. પરંતુ ધાવમાતા દ્વારા પુત્ર સુકોશલને ખબર પડી ગઈ.
એ નગરની બહાર પહોંચી ગયો. પિતા મુનિને તેણે હર્ષથી વંદન કર્યાં. વિરક્ત બનીને તેણે પણ દીક્ષા લઈ લીધી. પુત્રવિયોગી રાણી સહદેવી અત્યંત ખિન્ન અને સંતપ્ત થઈ ગઈ. પતિ અને પુત્ર પ્રત્યે તે ખૂબ જ રોષાયમાન થઈ અને મરીને તે એક પર્વતીય ગુફામાં વાઘણ બની.
કીર્તિધર મુનિ અને સુકોશલ મુનિ શાન્ત હતા, દાન્ત હતા, નિઃસ્પૃહી હતા અને સ્વાધ્યાય-ધ્યાનમાં રત હતા. તેઓ ચાતુર્માસ કરવા માટે એક પર્વતીય ગુફામાં ગયા. ચાર માસના ઉપવાસ અને કાયોત્સર્ગમાં લીન ! ચાર માસ પૂરા થઈ ગયા. બંને મુનિઓ માસખમણનાં પારણાં કરવા ગુફામાંથી બહાર આવ્યા અને પહાડ ઊતરવા લાગ્યા. ત્યાં પેલી વાઘણ - સહદેવીએ બંનેને જોયા. તત્કાલ દોડીને તે સામે આવી. બંને મુનિઓ ત્યાં જ કાયોત્સર્ગ ધ્યાનમાં ઊભા રહી ગયા. સમાધિમૃત્યુ માટે તત્પર થઈ ગયા. એ વાઘણ સીધી જ સુકોમલ મુનિ ઉપર વીજળી વેગે તૂટી પડી, મુનિને પૃથ્વી ઉપર પાડી નાખ્યા. તેમનાં શરીરને તીક્ષ્ણ નખોથી ચીરી નાખ્યું અને શરીરનું માંસ ખાવા લાગી, રક્ત પીવા લાગી.
મુનિવરે ચિંતન કર્યું : “આ વાઘણે કર્મક્ષય કરવામાં મને સહાય કરી છે. મારી ઉપર ઉપકાર કર્યો છે.” મુનિરાજે ધર્મધ્યાનમાંથી શુક્લધ્યાનમાં પ્રવેશ કર્યો અને કેવળજ્ઞાન પામી તે જ ક્ષણે મોક્ષમાં ચાલ્યા ગયા.
પ્રમોદ ભાવના
૧૫૭