________________
50.
શ્રી પ્રભાવકચરિત્ર
ત્યાંના સંઘનું કાર્ય અહીંથી જ કરી આપીશું” એમ કહીને તેમણે મન્નાધિરાજ ગર્ભિત ‘શાન્તિસ્તવ', નામક સ્તોત્ર બનાવી વીરચન્દ્રને આપીને કહ્યું “આના પાઠથી અશિવ શાન્ત થશે’ વીરચન્દ્ર તે સ્તોત્ર લઈ તક્ષશિલા ગયો અને ઉક્ત હકીકત કહીને શાન્તિસ્તવનો પાઠ શરૂ કરાવતાં કેટલાક દિવસે રોગ શાંત થયો. એ પછી તક્ષશિલા નિવાસીઓ ત્યાંથી ધીરે ધીરે બીજા સ્થાનોમાં ચાલ્યા ગયા અને ત્રણ વર્ષે તુરૂષ્કોએ તે મહાનગરીનો નાશ કર્યો. આ સંબંધમાં વૃદ્ધ પુરુષો કહે છે કે તે સમયની પિત્તલ અને પાષાણની જિનમૂર્તિઓ હજી પણ ભગ્નતક્ષશિલામાં વિદ્યમાન છે. યોગ્ય શિષ્યને પાટે સ્થાપીને માનદેવસૂરિ અનશન કરી દેવગતિ પામ્યા.
માનદેવસૂરિના સંબંધમાં બે વાતો ખાસ વિચારણીય છે, તેમાં એક તો એમનો અસ્તિત્વ સમય અને બીજો તક્ષશિલાનો ભંગ. પટ્ટાવલિઓમાં માનદેવ નામના બે આચાર્યોનું વર્ણન છે તેમાં પ્રથમ માનદેવને ૨૦માં પટ્ટધર તરીકે લખ્યા છે અને બીજા માનદેવને પ્રસિદ્ધ આચાર્ય હરિભદ્રના મિત્ર અને ૨૮ મા પટ્ટધર માન્યા છે. કોઈ કોઈ પટ્ટાવલીકારે વૃદ્ધદેવસૂરિને આચાર્યપદ આપનાર સર્વદેવસૂરિને ૧૮મા પટ્ટધર લખ્યા છે. તેમના મતે બંને માનદેવ અનુક્રમે ૨૧ મા અને ૨૯ મા પટ્ટધર હતા. આ બે માનદેવોમાં આપણા પ્રસ્તુત આચાર્ય ૨૦ મા પટ્ટધર પ્રથમ માનદેવસૂરિ છે. પટ્ટાવલિઓમાં આમનો સમય વીરનિર્વાણનો આઠમો સૈકો હોવાનું જણાવેલ છે. અંચલગચ્છની બૃહત્પટ્ટાવલીમાં આ માનદેવસૂરિને ૨૧મા પટ્ટધર આચાર્ય લખ્યા છે અને વીરનિર્વાણથી ૭૩૧ (વિ. સં. ૨૬૧) વર્ષો વીત્યા પછી ગિરનાર ઉપર સ્વર્ગવાસી થયાનું જણાવ્યું છે.
આ ઉપરથી સ્પષ્ટ જણાય છે કે આ માનદેવસૂરિ વિક્રમની ત્રીજી શતાબ્દીના આચાર્ય છે; છતાં આશ્ચર્ય એ છે કે આ માનદેવસૂરિ એમના પટ્ટગુરૂઓ અને એમના પટ્ટશિષ્યો વિગેરેનો ભાષ્યો અને ચૂર્ણિઓ વિગેરેમાં કંઈપણ ઉલ્લેખ થયો જોવાતો નથી.
હવે આપણે તક્ષશિલાના ભંગવાલી ઘટનાનો વિચાર કરીએ. પ્રબન્ધમાં આ તક્ષશિલાનો ભંગ તુરૂષ્કો (તરકો)ના હાથે થયાનું જણાવ્યું છે. આ બનાવ માનદેવના જીવિત સમયમાં અથવા તેના નજીકના સમયમાં બનેલ હોવાથી આનો સમય વિ. સં. ૨૬૪ પહેલાનું કોઈ વર્ષ હોવું જોઈએ.
ઉપર જણાવેલ સમયમાં કઈ વિદેશી જાતિએ હિંદુસ્તાન ઉપર ચઢાઈ કરીને તક્ષશિલાનો નાશ કર્યો હતો તે ઈતિહાસ ઉપરથી સ્પષ્ટ જણાતું નથી. ઉક્ત ઘટના કાલકુશાન વંશના રાજયનો અંતિમ અવસ્થાનો સમય હતો, અને લગભગ એ જ સમયની આસપાસ સસેનિયન રાજા અર્દશીરે હિન્દુસ્તાન ઉપર ચઢાઈ કરીને સિન્ધ સુધીના પ્રદેશોને કબજે કર્યા હતા. સંભવ છે કે આ સસેનિયન જાતિએ હિન્દુસ્તાન પર કરેલ ચઢાઈના પરિણામે તક્ષશિલાનો નાશ થયો હોય અથવા તેને વધારે નુકશાન થયું હોય; અને ત્યાંના જૈનો આ લડાઈની ધમાલ ચાલે તે પૂર્વે જ પંજાબ તરફ આવી ગયા હોય. મારા વિચાર પ્રમાણે ઓસવાલ જાતિ તક્ષશિલા વિગેરે પશ્ચિમના નગરોથી નિકળેલ જૈન સંઘમાંથી ઉતરી આવી છે. એ જાતિની કેટલીક ખાસિયતો અને શાકદ્વિપિ બ્રાહ્મણો (સેવકો)નો સંબન્ધ જોતાં પણ ઓસવાલોના પૂર્વ પુરૂષો હિન્દુસ્તાનની પશ્ચિમ દિશામાંથી આવ્યા હશે એમ ખુશીથી કહી શકાય.
તક્ષશિલામાં ૫૦૦ જૈનચૈત્યો હોવાનું અને હજી પણ પિત્તલ અને પાષાણની પ્રતિમાઓ હોવાનું પ્રબન્ધકાર લખે છે, અને એ કથન દન્તકથા માત્ર નહિ પણ વાસ્તવિક સત્ય હોય તેમ જણાય છે. હમણાં થોડા જ વર્ષો