________________
શ્રી મલવાદીસૂરિ
ઈ ૧૦. શ્રી મલ્લવાદીસૂરિ તે
મલ્લવાદીનું ગૃહસ્થાવસ્થાનું નામ “મલ્લ’ હતું, એમની માતાનું નામ દુર્લભદેવી અને મોટા બે ભાઈઓનાં નામ “જિનયશ” અને “યક્ષ' હતાં, એઓ સંભવ પ્રમાણે વલ્લભીપુરના રહેવાસી હતા.
મલ્લના મામા “જિનાનન્દ નામના જૈન આચાર્ય હતા, તેમને ભરૂચમાં બુદ્ધાનદ' નામક બૌદ્ધ આચાર્યો વાદમાં અપમાનિત કર્યા તેથી ત્યાંથી નિકળીને તેઓ વલ્લભી તરફ ગયા હતા જ્યાં તેમણે પોતાની બહેન દુર્લભદેવીને જિનયશ આદિ ત્રણે પુત્રોની સાથે જૈનધર્મની દીક્ષા આપી હતી. - જિનાનજે પોતાના આ ત્રણે શિષ્યોને ભણાવીને વિદ્વાન કર્યા, તેમાં પણ મલ્લ તો સર્વથી આગે નિકળે એવો બુદ્ધિશાળી નિવડ્યો.
એકવાર જિનાનન્દ તીર્થયાત્રામાં ગયા હતા તે વખતે નિષેધ કર્યા છતાં મલ્લે પૂર્વગત શ્રુતમય નયચક્ર ગ્રન્થનું પુસ્તક છોડીને વાંચ્યું, તેમાંની પહેલી કારિકા વાંચીને તે વિચારે છે તેવામાં તો તે પુસ્તક તેના હાથમાંથી શ્રુતદેવતાએ અદશ્યપણે ખેંચી લીધું, મલ્લ આથી ઘણું રોયો પણ કંઈ વળ્યું નહિ તેથી તે ગિરિખડલ નામના પર્વતની ગુફામાં જઈને શ્રુતદેવતાની આરાધનામાં બેઠો. બે બે ઉપવાસ અને પારણામાં લૂખા વાલનું ભોજન કરીને શ્રુતદેવીની આરાધના શરૂ કીધી. ચાર માસ સુધી આ પ્રમાણે કર્યા પછી તેને પારણામાં વૃતાદિ સ્નિગ્ધ પદાર્થ આપવા માંડ્યું, આખરે છ માસ પર્યન્ત પરીક્ષા કરીને શ્રુતદેવતાએ તેને કહ્યું કે “મૂળ પુસ્તક તો નહિ મળે, પણ તેની જે એક કારિકા તેં વાંચી છે તેનો વિસ્તાર કરીને તું આ નયચક્રના સારરૂપે નવું નયચક્ર બનાવી શકીશ’ એ પછી મલ્લે આરાધના સમાપ્ત કરી અને દશહજાર શ્લોકપ્રમાણ નવું નયચક્ર બનાવીને તેનો પ્રચાર કર્યો. જિનાનન્દસૂરિ કાલાન્તરે વલ્લભીમાં આવ્યા અને મલ્લની વિશેષ યોગ્યતા જોઈ તેમને પોતાની પાટે આચાર્યપદે સ્થાપ્યા. અલરાજાની સભાના વાદી શ્રીનન્દકના કહેવાથી મલ્લના મોટા ભાઈ જિનયરો પ્રમાણ ગ્રન્થની રચના કરી અને વિશ્રાન્તવિદ્યાધર નામના વ્યાકરણશાસ્ત્ર ઉપર ન્યાસ બનાવ્યો. તે જ પ્રમાણે જિનયશના નાના ભાઈ યક્ષ મુનિએ અષ્ટાંગનિમિત્તવિષયક “યાક્ષી સંહિતા” નામનો ગ્રન્થ બનાવ્યો.
અન્ય દિવસે શ્રી મલમુનિએ રવિરોના મુખે પોતાના ગુરુ જિનાનન્દનો ભરૂચમાં બૌદ્ધો દ્વારા તિરસ્કાર થયો તે સંબન્ધી વાત સાંભળી, આથી તેમણે વલ્લભીથી ભરૂચ તરફ વિહાર કર્યો અને ત્યાં જઈને તે જ બૌદ્ધાનન્દની સાથે તેમણે વાદ કર્યો. અને તેને હરાવ્યો, તે પછી તેમણે પોતાના ગુરુ આચાર્ય જિનાનન્દને માનપૂર્વક ભરૂચ બોલાવ્યા. જૈનસંઘ અને ગુરૂગચ્છ મલસૂરિના આ વિજયથી ઘણા આનન્દ્રિત થયા અને તે જ વખતથી મલસૂરિ “વાદી' તરીકે પ્રસિદ્ધ થયા.
મલ્લવાદીએ નયચક્ર ઉપરાન્ત ૨૪૦૦૦ શ્લોકપ્રમાણ ‘પદ્મચરિત' નામક રામાયણની રચના કરી, અને છેવટે પોતાના યોગ્ય શિષ્યને ગચ્છનાયક બનાવીને પોતે સ્વર્ગવાસી થયા.
કહે છે કે મલ્લવાદીથી હારેલો બુદ્ધાનન્દ મરીને કોઈ વ્યન્તર દેવ થયો અને પૂર્વના ઠેષથી મલવાદીકૃત ઉક્ત બંને ગ્રન્થો તેણે અધિષ્ઠિત કરી લીધાં છે, જેથી તે પુસ્તકો કોઈને વાંચવા દેતો નથી; આનો અર્થ એ જણાય છે કે મલવાદીના તે ગ્રન્થો બૌદ્ધોને હાથે નષ્ટ થઈ ગયા છે.