________________
શ્રી પ્રભાવકચરિત્ર
મલવાદિએ બૌદ્ધોને જીત્યાનું પ્રબન્ધકારે એક પદ્યમાં વર્ણન આપ્યું છે, પણ આધુનિક વિદ્વાનો મલ્લવાદીને વિક્રમ સંવત ૮૮૪માં થયા માને છે; કારણ કે મલ્લવાદિએ ધર્મોત્તરના ન્યાયબિન્દુ ઉપર ટિપ્પણ લખ્યું છે અને ધર્મોત્તરાચાર્યની સત્તા સમય વિક્રમ સંવતું ૯૦૪ ની આસપાસમાં ગણાય છે. પણ અત્રે જે સંવત મલવાદીની જીતનો આપ્યો છે તે તો વીર સંવત જ છે, કારણ કે આ પ્રસિદ્ધ મલ્લવાદીને વિક્રમની નવમી સદીમાં કોઈ રીતે મુકી શકાય તેમ નથી; કેમકે વિક્રમના આઠમા શતકના પ્રસિદ્ધ આચાર્ય હરિભદ્રસૂરિ પોતાની કૃતિ અનેકાન્ત જયપતાકામાં અનેક સ્થળે મલવાદીનો નામોલ્લેખ કરે છે, જો મલવાદીને નવમી સદીની વ્યક્તિ માની લેવામાં આવે તો હરિભદ્ર કરેલ તેમના નામનિર્દેશનો સમન્વય કોઈરીતે થઈ શકે નહિ. આથી મલવાદીનો સમય વીર સંવત્ ૮૮૪ની આસપાસ માનવો એ જ યુક્તિ સંગત છે.
ત્યારે હવે મલવાદીએ ધર્મોત્તરના ગ્રન્થ ઉપર ટિપ્પણ કેમ લખ્યું? એ પ્રશ્નનું નિરાકરણ કરવું રહ્યું.
વાદીદેવસૂરિના સ્યાદ્વાદ્રરત્નાકર ઉપરથી વૃદ્ધધર્મોત્તર અને લઘુધર્મોત્તર એમ ધર્મોત્તર નામના બે બૌદ્ધાચાર્યો થઈ ગયા લાગે છે. તેજ રીતે હું ધારું છું કે “મલવાદી' નામથી પણ ત્રણ જૈન આચાર્યો થઈ ગયા છે.
પ્રથમ મલવાદી કે જે બૌદ્ધવિજેતા તરીકે પ્રસિદ્ધ છે અને જેમનો હરિભદ્રસૂરિએ પોતાના ગ્રન્થમાં બહુમાનપૂર્વક નામોલ્લેખ કર્યો છે તે વીર સંવત ૮૮૪ની આસપાસમાં થયા.
બીજા મલવાદી વિક્રમની દશમી સદીના અન્તમાં થયા કે જેમણે લઘુધર્મોત્તરના ન્યાયબિન્દુઉપર ટિપ્પણ બનાવ્યું.
ત્રીજા મલ્યવાદી વિક્રમની તેરમી સદીમાં થયા કે જેમની કવિતાની મંત્રી વસ્તુપાલ જેવા વિદ્વાને પ્રશંસા કરી હતી.
શકુનિકાવિહાર તીર્થનો ઉદ્ધારક સાતવાહન પાદલિપ્તનો સમકાલીન યજ્ઞશ્રી શાતકર્ણિ અથવા ત્રીજો શાતકર્ણિ હશે, પાદલિપ્તના સમયનો વિચાર તેમના પ્રબન્ધના વિવેચનમાં કર્યો છે.
આ પ્રબન્ધના ચરિત્રનાયક વિજયસિંહસૂરિના અસ્તિત્વ સમય વિષે પ્રબન્ધમાં કંઈ પણ ઉલ્લેખ કે સૂચના નથી તેથી તેમના સમય વિષે વિચાર કરવો મુશ્કેલ છે, પણ એમણે જે ભરૂચમાં મુનિસુવ્રતનું કાષ્ઠમય ચૈત્ય કરાવ્યું હતું તેનો અતિ જીર્ણાવસ્થામાં સં. ૧૧૧૬માં અંબડે જીર્ણોદ્ધાર કરાવ્યાનો આમાં લેખ , આથી અનુમાન કરી શકાય કે અંબડથી આ આચાર્ય વધારેમાં વધારે ૨૫૦ થી ૩૦૦ વર્ષ પૂર્વેના હોઈ શકે અને જો આ કલ્પના માનવાયોગ્ય હોય તો વિજયસિંહસૂરિનો સમય-વિક્રમની દશમી સદીથી પહેલાંનો માની શકાય નહિ, છતાં એમના સમય વિષેની કોઈપણ કલ્પના અટકથી વધુ વજનદાર ગણાય નહિ. એ નામના બીજા પણ અનેક આચાર્યો થઈ ગયા છે, પણ આમાંથી કોઈપણ દશમી સદીની પૂર્વે-થયાનું પ્રમાણ મળતું નથી.
એ આચાર્ય નેમિસ્તવ' ઉપરાન્ત કોઈ ગ્રન્થની રચના કર્યાનો પ્રબન્ધમાં ઉલ્લેખ નથી, પ્રતિક્રમણચૂર્ણિ નામનો ગ્રન્થ વિજયસિંહસૂરિકૃત ગણાય છે અને એના કર્તાનો સમય દશમી સદી હોવાનું પણ યાદ છે; છતાં તે ગ્રન્થકાર અને પ્રસ્તુત આચાર્ય એક છે કે ભિન્ન તે કહેવું મુશ્કેલ છે; કેમકે આ વખતે તે ગ્રન્થ કે તે વિષે લખેલી કેફિયત અમારી પાસે નથી. ભરૂચ એ વિદ્યાધર કુલના આચાર્યોનું મુખ્ય મથક હોય તેમ આ પ્રબન્ધ ઉપરથી સ્પષ્ટ જણાઈ આવે છે. આર્યપટના સમયથી એ ક્ષેત્ર વિદ્યાધર કુલનું ચાલ્યું આવતું હતું અને પ્રબન્ધકાર કહે છે તેમ તેમના વખતમાં (સં. ૧૩૩૪માં) પણ એ પરમ્પરાના આચાર્યો આ ક્ષેત્રમાં વિદ્યમાન હતા.