________________
શ્રી પાદલિપ્તસૂરિ
અનુકરણ કરવા એણે બ્રાહ્મણોને પ્રણામ કરવાનો જૈન શ્રમણોને હુકમ કર્યો હોય. શુંગ દેવભૂતિ જે સમયે પાટલિપુત્રમાં રાજય કરતો હતો તે જ સમયે ભરૂચમાં બલમિત્રનું રાજય હતું અને આયખપટ અને તેમના શિષ્ય મહેન્દ્ર ત્યાં વિચરતા હતા. આ ઉપરથી જણાશે કે આયખપટ અને મહેન્દ્રની વિદ્યમાનતા વિક્રમના પહેલા સૈકામાં અને એનાથી પણ કંઈક પૂર્વના સમયમાં હતી. - પાદલિપ્તની પ્રાથમિક અવસ્થા, મથુરામાં અને પાટલિપુત્રમાં વ્યતીત થાય છે અને તેઓ પોતાની વિદ્યાશક્તિથી પાટલિપુત્રના મુરૂડુરાજનું ધ્યાન પોતાની તરફ આકર્ષે છે, તે પછી એ કૃષ્ણરાજના માનખેટમાં લાંબા સમય સુધી રહે છે અને છેવટે પ્રતિષ્ઠાનપુરમાં પોતાના ગુણોનો પ્રકાશ કરીને કાઠિયાવાડ તરફ જાય છે અને અત્તે ત્યાં જ આયુષ્ય પૂર્ણ કરે છે.
પાદલિપ્તના જીવનના આ ભિન્ન ભિન્ન સંબંધોને જરા તપાસીએ. * એ આચાર્યના ગુરૂ અયોધ્યા અને મથુરા તરફ અધિક રહેતા હતા. આથી જણાય છે કે ઉત્તર હિન્દમાં જૈનોની જાહોજલાલીના સમયમાં પાદલિપ્તનો જન્મ થયો હતો. આથી પાદલિપ્ત વિક્રમની પાંચમી સદીની પહેલાંના આચાર્ય હતા એ નિશ્ચિત છે, હવે પાંચમા સૈકાની પૂર્વે કયા સમયમાં થયા તે વિચાર કરવાનો રહ્યો. પ્રબન્ધમાં તેમજ અનેક ચૂર્ણિ આદિ પ્રાચીન ગ્રન્થોમાં લખ્યા પ્રમાણે પાદલિપ્તસૂરિ પાટલિપુત્રના મુરૂડ રાજાના માનીતા વિદ્વાન હતા. મુરુડ એ શકભાષાનો શબ્દ છે અને એનો અર્થ “સ્વામી’ એવો થાય છે. કુશનવંશી રાજા કનિષ્ક અને એના વંશવાલાઓને અત્રેના લોકો “મુરૂગ્ડ' ના નામથી ઓળખાતા હતા. ભારતવર્ષમાં કુશાનવંશનું રાજય વિક્રમ સંવત ૯૭ થી ૨૮૩ સુધી રહ્યું હતું, પણ પાટલિપુત્ર ઉપર એમની સત્તા કનિષ્કના સમયમાં થઈ હતી એ મતને સત્ય માનીએ તો પાટલિપુત્રમાં વિક્રમ સંવત ૧૭૭ પછી અને ૨૧૯ ની વચ્ચે મુરૂન્ડ રાજય થયું એમ માનવું જોઈએ જે યુરૂન્ડ પાટલિપુત્રમાં રાજ્ય કરતો હતો અને જેની સભામાં પાદલિપ્તસૂરિનું માન હતું તે મુરૂડ કનિષ્ક પોતે તો હોવાનો સંભવ નથી, કેમકે તે પોતાની રાજધાની પેશાવરમાં રહેતો હતો જયારે પાટલિપુત્રમાં તેની જ જાતનો તેનો સૂબો રહેતો હતો. પુરાણોમાં મગધના રાજા તરીકે વિશ્વસ્ફટિક, વિશ્વફરણિ, વિશ્વર્જિ ઇત્યાદિ નામોથી જે બલિષ્ઠ વ્યક્તિનું વર્ણન કર્યું છે તે મુરૂન્ડના નામથી ઓળખાતા કનિષ્કના આ સૂબાનું જ હોવું જોઈએ, એમ અમારું માનવું છે. વિદ્યાવારિધિ બાબૂ કાશી પ્રસાદજી જાયસવાલના મત પ્રમાણે આનું શુદ્ધનામ “વિનસ્ફર્ણિ’ હતું; પણ આ વિદેશી નામને બગાડીને પુરાણકારોએ વિચિત્ર બનાવી દીધું છે, આ વિનર્ણિ મુરૂગ્ડની જ રાજસભામાં પાદલિપ્તનો પ્રવેશ હશે એમ અનુમાન કરી શકાય, અને જો આ અનુમાન ખરૂં હોય તો પાદલિપ્તનું અસ્તિત્વ વિક્રમના બીજા સૈકાના અન્તમાં અને ત્રીજા સૈકાના પૂર્વાર્ધમાં હોવાનું સિદ્ધ થઈ શકે.
પાદલિપ્તના દીક્ષાગુરુ આર્યનાગહસ્તિ હતા, નન્દીની સ્થવિરાવલીમાં આર્યનાગહસ્તિ વાચકનું વર્ણન છે, તો સ્થવિરાવલીનાં ક્રમ પ્રમાણે આ આચાર્ય ૨૨ માં પુરુષ હતા, યુગપ્રધાન પટ્ટાવલિઓમાં પણ ૨૨માં યુગપ્રધાન તરીકે નાગહસ્તિને ગણાવ્યા છે અને તેમનો અસ્તિત્વ સમય વિક્રમ સંવત ૧૫૧ થી ૨૧૯ સુધીમાં બતાવ્યો છે, અને ઉપર જણાવ્યા પ્રમાણે પાદલિપ્તનો સમય પણ લગભગ એ જ અરસામાં આવે છે. કલ્પચૂર્ણિ વિગેરેમાં પાદલિપ્તને પણ “વાચક' એ પદવીની સાથે ઉલ્લેખ્યા છે. નન્દીવાળા વાચક અને યુગપ્રધાન નાગહસ્તિ એ બંને એક જ હતા અને એ જ નાગહસ્તિ વાચક પાદલિપ્તના ગુરૂ હતા એમ મારું માનવું છે.