________________
કાલકાચાર્ય
ઉલ્લેખ હોવાથી હું એમનું ખરું નામ ‘આર્ય આનન્દિલ' ગણું છું અને એ જ કારણથી શીર્ષકમાં ‘આર્યાનન્ટિલ લખ્યું છે.
આર્યાનન્ટિલ આર્યરક્ષિતના શિષ્ય અથવા તો શિષ્યના શિષ્ય હશે; કારણકે એમને ચરિત્રકારે સાડાનવપૂર્વધારક અને “આર્યરક્ષિતવંશ્ય' લખ્યા છે. જો કે છાપેલ નન્દી સ્થવિરાવલીમાં અને મેરતંગસૂરિ વ્યાખ્યાન સ્થવિરાવલીમાં એમનો ઉલ્લેખ આર્યમંગૂની પછી અને નાગહસ્તીની પહેલાં કર્યો છે; પણ મૂલનન્દી સ્થવિરાવલીમાં એમનું સ્થાન આર્યરક્ષિત પછી બતાવ્યું છે. જો આ મેરતંગની સ્થવિરાવલી અને નન્દીની મુદ્રિત સ્થવિરાવલીને યથાર્થ માનીને આર્યઆદિલને મંગૂના અનન્તર ભાવી સ્થવિર માનીએ તો એમનું આર્યરક્ષિત વંશ્યત્વ સાબિત થાય તેમ નથી. કેમકે આર્યમંગૂના યુગપ્રધાનત્વનો સમય નિ. સં. ૪૫૧ થી ૪૭૭ સુધીનો હતો, જ્યારે આરક્ષિતનો સમય નિ. સં. ૫૪૪ થી ૫૯૭ સુધીમાં હતો, આ દશામાં જો આર્યઆદિલને મંગૂના પટ્ટધર માનીએ તો તેમનો સમય આર્યરક્ષિતની પૂર્વે લગભગ ૧૦૦ વર્ષ ઉપર આવે છે અને આવી રીતે તેઓ આર્યરક્ષિતના વંશજ નહીં પણ પૂર્વજ ઠરે છે, પણ પ્રબન્ધમાં એમને આર્યરક્ષિતના વંશજ લખ્યા છે અને એ લખવું સંભવિત પણ છે. તેથી એ મંગૂના પટ્ટધર નહીં પણ માથુરી યુગપ્રધાન પટ્ટાવલીને અનુસાર તે આર્યરક્ષિત પછીના યુગપ્રધાન સ્થવિર હતા એમ માનવું વધારે સયુક્તિક છે અને આવી રીતે આર્યરક્ષિતના પૃષ્ઠભાવી ગણતાં એમનો સત્તાસમય નિ સં ૫૯૭ પછીનો ઠરે છે.
પ્રબન્ધમાં આર્યાદિલનો માત્ર એટલો જ ચરિત્ર સાથે સંબંધ છે કે તેમણે “વૈરૂટ્યા” નામની એક બાઈને ક્ષમા ધર્મનો ઉપદેશ આપીને સુખી બનાવી, તે બાઈ મરીને ધરણેન્દ્ર નાગરાજની તે જ નામની દેવી થઈ.
આર્યાનન્ટિલસૂરિની વૈરુટ્યાદેવી આજ્ઞાકારિણી થઈ એટલું જ નહિ પણ આઠ નાગકુળો પણ આ મહાત્માને આજ્ઞાધીન થયાં, અને આર્યાનંદિલે વૈરુસ્યાસ્તવની રચના કરી. વૈરુટ્યા કોણ હતી ? તેને શું દુ:ખ હતું અને ક્ષમાં રાખવાથી કેવી રીતે તે દુઃખમુક્ત થઈ ઇત્યાદિ હકીકત આ પ્રબન્ધમાં વિસ્તારથી જણાવી છે. વાસ્તવમાં આ પ્રબન્ધને આર્યાનન્ટિલ પ્રબન્ધ કહેવા કરતાં વૈરૂટ્યા-પ્રબન્ધ કહેવો વધારે ઉપયુક્ત ગણાય.
આ પ્રબન્યમાં એક સાથે આવતાં પદ્મિનીખંડપત્તન, પદ્મપ્રભરાજા, પદ્માવતી રાજ્ઞી, પદ્મદત્તશ્રેષ્ઠી, પદ્મયશા ભાર્યા, પદ્માભિધ પુત્ર આ બધા પકારાદિ નામ ઐતિહાસિક હશે કે કવિકલ્પિત તે જાણવું અશક્ય છે.
૪ શ્રી કાલકાચાર્ય
જૈન શાસ્ત્રો અને સ્થવિરાવલિઓ ઉપરથી ઓછામાં ઓછા ત્રણ કાલકાચાર્યોનું અસ્તિત્વ સિદ્ધ થયું છે અને એથી પણ વધારે સંખ્યામાં એ નામના આચાર્ય થયા હોય તો નવાઈ જેવું નથી. જેમ કાલકાચાર્યો અનેક થયા છે તેમ કાલકના નામની સાથે જોડાયેલી ઘટનાઓ પણ જૈનશાસ્ત્રોમાંથી અનેક મળી આવે છે. આજસુધીમાં કાલકાચાર્યના નામની સાથે સંકળાયેલી નીચે પ્રમાણે ૭ ઘટનાઓ જાણવામાં આવી છે.
૧ દત્તરાજાની આગળ યજ્ઞના ફળ કથન સંબન્ધી.