________________
શ્રીમદ્ રાજચંદ્ર હેન્ડબુક
જીવને માર્ગ મળ્યો નથી એનું શું કારણ ?
અમને લાગે છે કે માર્ગ સરળ છે, પણ પ્રાપ્તિનો યોગ મળવો દુર્લભ છે.
સત્સ્વરૂપને અભેદભાવે અને અનન્ય ભક્તિએ નમોનમઃ
૭૧
ભાવ અપ્રતિબદ્ધતાથી નિરંતર વિચરે છે એવા જ્ઞાનીપુરુષનાં ચરણારવિંદ, તે પ્રત્યે અચળ પ્રેમ થયા વિના અને સમ્યક્પ્રતીતિ આવ્યા વિના સત્સ્વરૂપની પ્રાપ્તિ થતી નથી, અને આવ્યેથી અવશ્ય તે મુમુક્ષુ જેનાં ચરણારવિંદ તેણે સેવ્યાં છે, તેની દશાને પામે છે. આ માર્ગ સર્વ જ્ઞાનીઓએ સેવ્યો છે, સેવે છે, અને સેવશે. જ્ઞાનપ્રાપ્તિ એથી અમને થઈ હતી, વર્તમાને એ જ માર્ગથી થાય છે અને અનાગત કાળે પણ જ્ઞાનપ્રાપ્તિનો એ જ માર્ગ છે. સર્વ શાસ્ત્રોનો બોધ લક્ષ જોવા જતાં એ જ છે. અને જે કોઈ પણ પ્રાણી છૂટવા ઇચ્છે છે તેણે અખંડ વૃત્તિથી એ જ માર્ગને આરાધવો. એ માર્ગ, આરાધ્યા વિના જીવે અનાદિકાળથી પરિભ્રમણ કર્યું છે. જ્યાં સુધી જીવને સ્વચ્છંદરૂપી અંધત્વ છે, ત્યાં સુધી એ માર્ગનું દર્શન થતું નથી. (અંધત્વ ટળવા માટે) જીવે એ માર્ગનો વિચાર કરવો; દૃઢ મોક્ષેચ્છા કરવી; એ વિચારમાં અપ્રમત્ત રહેવું, તો માર્ગની પ્રાપ્તિ થઈ અંધત્વ ટળે છે, એ નિઃશંક માનજો. અનાદિ કાળથી જીવ અવળે માર્ગે ચાલ્યો છે. જોકે તેણે જપ, તપ, શાસ્ત્રાધ્યયન વગેરે અનંત વાર કર્યું છે; તથાપિ જે કંઈ પણ અવશ્ય કરવા યોગ્ય હતું તે તેણે કર્યું નથી; જે કે અમે પ્રથમ જ જણાવ્યું છે.
સૂયગડાંગસૂત્રમાં ઋષભદેવજી ભગવાને જ્યાં અઠ્ઠાણું પુત્રોને ઉપદેશ્યા છે, મોક્ષમાર્ગે ચઢાવ્યા છે ત્યાં એ જ ઉપદેશ કર્યો છે :
હે આયુષ્યમનો ! આ જીવે સર્વે કર્યું છે. એક આ વિના, તે શું ? તો કે નિશ્ચય કહીએ છીએ કે સત્પુરુષનું કહેલું વચન, તેનો ઉપદેશ તે સાંભળ્યાં નથી, અથવા રૂડે પ્રકારે કરી તે ઉઠાવ્યાં નથી. અને એને જ અમે મુનિઓનું સામાયિક (આત્મસ્વરૂપની પ્રાપ્તિ) કહ્યું છે.
સુધર્માસ્વામી જંબુસ્વામીને ઉપદેશે છે કે જગત આખાનું જેણે દર્શન કર્યું છે, એવા મહાવીર ભગવાન, તેણે આમ અમને કહ્યું છેઃ- ગુરુને આધીન થઈ વર્તતા એવા અનંત પુરુષો માર્ગ પામીને મોક્ષપ્રાપ્ત થયા.
એક આ સ્થળે નહીં પણ સર્વ સ્થળે અને સર્વ શાસ્ત્રમાં એ જ વાત કહેવાનો લક્ષ છે.
आणा धम्म आणाए तवो ।
આજ્ઞાનું આરાધન એ જ ધર્મ અને આશાનું આરાધન એ જ તપ. (આચારાંગ સૂત્ર)
સર્વ સ્થળે એ જ મોટા પુરુષોનો કહેવાનો લક્ષ છે, એ લક્ષ જીવને સમજાયો નથી. તેના કારણમાં સર્વેથી પ્રધાન એવું કારણ સ્વચ્છંદ છે અને જેણે સ્વચ્છંદને મંદ કર્યો છે, એવા પુરુષને પ્રતિબદ્ધતા (લોકસંબંધી બંધન, સ્વજનકુટુંબ બંધન, દેહાભિમાનરૂપ બંધન, સંકલ્પવિકલ્પરૂપ બંધન) એ બંધન ટળવાનો સર્વોત્તમ ઉપાય જે કંઈ છે તે આ ઉપરથી તમે વિચારો. અને એ માર્ગે જો કંઈ યોગ્યતા લાવશો તો ઉપશમ ગમે ત્યાંથી પણ મળશે. ઉપશમ મળે અને જેની આજ્ઞાનું આરાધન કરીએ એવા પુરુષનો ખોજ રાખજો.
બાકી બીજાં બધાં સાધન પછી કરવા યોગ્ય છે. આ સિવાય બીજો કોઈ મોક્ષમાર્ગ વિચારતાં લાગશે નહીં.
૧૯૪