________________
અમૂલ્ય તત્ત્વવિચાર
(હરિગીત છંદ) બહુ પુણ્યકેરા પુંજથી શુભ દેહ માનવનો મળ્યો, તોયે અરે ! ભવચક્રનો આંટો નહિ એક્કે ટળ્યો; સુખ પ્રાપ્ત કરતાં સુખ ટળે છે લેશ એ લક્ષે કહો, ક્ષણ ક્ષણ ભયંકર ભાવમરણે કાં અહો રાચી રહો ? ૧
લક્ષ્મી અને અધિકાર વધતાં, શું વધ્યું તે તો કહો? શું કુટુંબ કે પરિવારથી વધવાપણું, એ નય ગ્રહો; વધવાપણું સંસારનું નર દેહને હારી જવો, એનો વિચાર નહીં અહોહો ! એક પળ તમને હવો !!! ૨
નિર્દોષ સુખ નિર્દોષ આનંદ, લ્યો ગમે ત્યાંથી ભલે, એ દિવ્ય શક્તિમાન, જેથી જંજીરેથી નીકળે; પરવસ્તુમાં નહિ મૂંઝવો, એની દયા મુજને રહી, એ ત્યાગવા સિદ્ધાંત કે પશ્ચાતદુઃખ તે સુખ નહીં. ૩
હું કોણ છું? ક્યાંથી થયો? શું સ્વરૂપ છે મારું ખરું ? કોના સંબંધે વળગણા છે ? રાખું કે એ પરહરું ? એના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જો કર્યા, તો સર્વ આત્મિક જ્ઞાનનાં સિદ્ધાંતતત્ત્વ અનુભવ્યાં. ૪
તે પ્રાપ્ત કરવા વચન કોનું સત્ય કેવળ માનવું ? નિર્દોષ નરનું કથન માનો “તેહ જેણે અનુભવ્યું; રે ! આત્મ તારો ! આત્મ તારો ! શીઘ એને ઓળખો, સર્વાત્મમાં સમદષ્ટિ ઘો આ વચનને હૃદયે લખો. ૫