________________
૩૨
દૃષ્ટાંત
સાંભળ, સાંભળીને પછી તારી શંકાનો સત્યાસત્ય નિર્ણય કરજે. મેં પોતે જે અનાથપણાથી મુનિત્વ અંગીકૃત કર્યું છે તે હું પ્રથમ તને કહું છું.
કૌશાંબી નામે અતિ જીર્ણ અને વિવિધ પ્રકારના ભેદની ઉપજાવનારી એક સુંદર નગરી છે. ત્યાં રિદ્ધિથી પરિપૂર્ણ ધનસંચય નામનો મારો પિતા રહેતો હતો. પ્રથમ યૌવનવયને વિષે કે મહારાજા ! અતુલ્ય અને ઉપમારહિત મારી આંખોને વિષે વેદના ઉત્પન્ન થઈ. દુઃખપ્રદ દાહજ્વર આખે શરીરે પ્રવર્તમાન થયો. શસ્ત્રથી પણ અતિશય તીક્ષ્ણ તે રોગ વેરીની પેઠે મારા પર કોપાયમાન થયો. મારું મસ્તક તે આંખની અસહ્ય વેદનાથી દુઃખવા લાગ્યું. ઇંદ્રના વજના પ્રહાર સરખી, બીજાને પણ રૌદ્ર ભય ઉપજાવનારી, એવી તે અત્યંત પરમ દારુણ વેદનાથી હું બહુ શોકાર્ત હતો. શારીરિક વિદ્યાના નિપુણ, અનન્ય મંત્રમૂળીના સુજ્ઞ વૈદરાજ મારી તે વેદનાનો નાશ કરવાને માટે આવ્યા; અનેક પ્રકારના ઔષધોપચાર કર્યા પણ તે વૃથા ગયા. એ મહાનિપુણ ગણાતા વૈદરાજો મને તે દરદથી મુક્ત કરી શક્યા નહીં. એ જ હે રાજા ! મારું અનાથપણું હતું. મારી આંખની વેદના ટાળવાને માટે મારા પિતાએ સર્વ ધન આપવા માંડ્યું, પરંતુ તેથી કરીને પણ મારી તે વેદના ટળી નહીં. હે રાજા ! એ જ મારું અનાથપણું હતું. મારી માતા પુત્રના શોકે કરીને અતિ દુઃખાર્ત થઈ; પરંતુ તે પણ મને તે દરદથી મુકાવી શકી નહીં, એ જ કે મહારાજા ! મારું અનાથપણું હતું. એક ઉદરથી ઉત્પન્ન થયેલા મારા જ્યેષ્ઠ અને કનિષ્ઠ ભાઈઓ પોતાથી બનતો પરિશ્રમ કરી ચૂક્યા પણ મારી વેદના ટળી નહીં, હે રાજા ! એ જ મારું અનાથપણું હતું. એક ઉદરથી ઉત્પન્ન થયેલી મારી જ્યેષ્ઠા અને કનિષ્ઠા ભગિનીઓથી મારું દુઃખ ટળ્યું નહીં. હે મહારાજા ! એ જ મારું અનાથપણું હતું. મારી સ્ત્રી જે પતિવ્રતા, મારા પર અનુરક્ત અને પ્રેમવંતી હતી, તે આંખે પરિપૂર્ણ આંસુ ભરી મારા હૃદયને સિંચતાં ભીંજાવતી હતી. અન્ન, પાણી, અને નાના પ્રકારનાં અંઘોલણ, ચૂવાદિક સુગંધી દ્રવ્ય, અનેક પ્રકારનાં ફૂલ ચંદનાદિકનાં વિલેપન મને જાણતાં અજાણતાં કર્યા છતાં પણ હું તે યૌવનવંતી સ્ત્રીને ભોગવી ન શક્યો. મારી સમીપથી ક્ષણ પણ અળગી નહોતી રહેતી, અન્ય સ્થળે જતી નહોતી, હે મહારાજા ! એવી તે સ્ત્રી પણ મારા રોગને ટાળી શકી નહીં, એ જ મારું અનાથપણું હતું. એમ કોઈના પ્રેમથી, કોઈના ઔષધથી, કોઈના વિલાપથી કે કોઈના પરિશ્રમથી એ રોગ ઉપશમ્યો નહીં. મેં એ વેળા પુનઃ પુનઃ અસહ્ય વેદના ભોગવી.
પછી હું અનંત સંસારથી ખેદ પામ્યો. એક વાર જો હું મહાવિંડબનામય વેદનાથી મુક્ત થાઉં તો ખંતી, દંતી અને નિરારંભી પ્રવ્રજ્યાને ધારણ કરું, એમ ચિંતવતો હું શયન કરી ગયો. જ્યારે રાત્રી અતિક્રમી ગઈ ત્યારે હે મહારાજા ! મારી તે વેદના ક્ષય થઈ ગઈ; અને હું નીરોગી થયો. માત, તાત અને સ્વજન, બંધવાદિકને પ્રભાતે પૂછીને મેં મહાક્ષમાવંત ઇંદ્રિયને નિગ્રહ કરવાવાળું, અને આરંભોપાધિથી રહિત એવું અણગારત્વ ધારણ કર્યું. ત્યાર પછી હું આત્મા પરાત્માનો નાથ થયો. સર્વ પ્રકારના જીવનો હું નાથ છું.” અનાથી મુનિએ આમ અશરણભાવના તે શ્રેણિકરાજાના મન પર દઢ કરી. હવે બીજો ઉપદેશ તેને અનુકૂળ કહે છે.
“હે રાજા ! આ આપણો આત્મા જ દુઃખની ભરેલી વૈતરણીનો કરનાર છે. આપણો આત્મા જ ક્રૂર શાલ્મલિ વૃક્ષનાં દુઃખનો ઉપજાવનાર છે. આપણો આત્મા જ મનવાંછિત વસ્તુરૂપી દૂધની દેવાવાળી કામધેનુ ગાયનાં સુખનો ઉપજાવનાર છે. આપણો આત્મા જ નંદનવનની પેઠે આનંદકારી છે. આપણો આત્મા જ કર્મનો કરનાર છે. આપણો આત્મા જ તે કર્મનો ટાળનાર છે. આપણો આત્મા જ દુઃખોપાર્જન કરનાર છે. આપણો આત્મા જ સુખોપાર્જન કરનાર છે. આપણો આત્મા જ મિત્ર ને આપણો આત્મા જ વૈરી છે. આપણો આત્મા જ કનિષ્ઠ આચારે સ્થિત અને આપણો