SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૮ વચનામૃત પત્ર-૬૦૧ થી ૯૫૫ અજ્ઞાનથી અને સ્વસ્વરૂપ પ્રત્યેના પ્રમાદથી આત્માને માત્ર મૃત્યુની ભ્રાંતિ છે. તે જ ભ્રાંતિ નિવૃત્ત કરી શુદ્ધ ચૈતન્ય નિજઅનુભવ પ્રમાણ સ્વરૂપમાં પરમ જાગૃત થઈ જ્ઞાની સદાય નિર્ભય છે. એ જ સ્વરૂપના લક્ષથી સર્વ જીવા પ્રત્યે સામ્યભાવ ઉત્પન્ન થાય છે. સર્વ પરદ્રવ્યથી વૃત્તિ વ્યાવૃત્ત કરી આત્મા અક્લેશ સમાધિને પામે છે. પરમસુખસ્વરૂપ, પરમોત્કૃષ્ટ શાંત, ચૈતન્યસ્વરૂપ સમાધિને સર્વ કાળને માટે પામ્યા તે ભગવંતને નમસ્કાર, તે પદમાં નિરંતર લક્ષરૂપ પ્રવાહ છે જેનો તે સસ્પષોને નમસ્કાર, - સર્વથી સર્વ પ્રકારે હું ભિન્ન છું, એક કેવળ શુદ્ધ ચૈતન્યસ્વરૂપ, પરમોત્કૃષ્ટ, અચિંત્ય સુખસ્વરૂપ માત્રા એકાંત શુદ્ધ અનુભવરૂપ હું છું, ત્યાં વિક્ષેપ શો? વિકલ્પ શો? ભય શો? ખેદ શો ? બીજી અવસ્થા શી ? હું માત્ર નિર્વિકલ્પ શુદ્ધ શુદ્ધ, પ્રકૃષ્ટ શુદ્ધ પરમશાંત ચૈતન્ય છું. હું માત્ર નિર્વિકલ્પ છું. હું નિજસ્વરૂપમય ઉપયોગ કરું છું. તન્મય થાઉં છું. શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૮૩૩ અપાર મહામોહજળને અનંત અંતરાય છતાં ધીર રહી જે પુરુષ તર્યા તે શ્રી પુરુષ ભગવાનને નમસ્કાર. અનંત કાળથી જે જ્ઞાન ભવહેતું થતું હતું તે જ્ઞાનને એક સમયમાત્રમાં જાત્યાંતર કરી જેણે ભવનિવૃત્તિરૂપ કર્યું તે કલ્યાણમૂર્તિ સમ્યગ્દર્શનને નમસ્કાર. ૮૩૯ તે શ્રીમતુ અનંત ચતુષ્ટયસ્થિત ભગવતનો અને તે જયવંત ધર્મનો આશ્રય સદેવ કર્તવ્ય છે. જેને બીજું કંઈ સામર્થ્ય નથી એવા અબુધ અને અશક્ત મનુષ્યો પણ તે આશ્રયના બળથી પરમ સુખહેતુ એવાં અદ્ભુત ફળને પામ્યા છે, પામે છે અને પામશે. માટે નિશ્ચય અને આશ્રય જ કર્તવ્ય છે. અધીરજથી ખેદ કર્તવ્ય નથી. ચિત્તમાં દેહાદિ ભયનો વિક્ષેપ પણ કરવો યોગ્ય નથી. દેહાદિ સંબંધી જે પુરુષો હર્ષવિષાદ કરતા નથી તે પુરુષો પૂર્ણ દ્વાદશાંગને સંક્ષેપમાં સમજ્યા છે, એમ સમજો. એ જ દષ્ટિ કર્તવ્ય છે. હું ધર્મ પામ્યો નથી, હું ધર્મ કેમ પામીશ? એ આદિ ખેદ નહીં કરતાં વીતરાગ પુરુષોનો ધર્મ જે દેહાદિ સંબંધીથી હર્ષવિષાદવૃત્તિ દૂર કરી આત્મા અસંગ-શુદ્ધ-ચૈતન્ય-સ્વરૂપ છે, એવી વૃત્તિનો નિશ્ચય અને આશ્રય ગ્રહણ કરી તે જ વૃત્તિનું બળ રાખવું, અને મંદ વૃત્તિ થાય ત્યાં વીતરાગ પુરુષોની દશાનું સ્મરણ કરવું, તે અદ્ભુત ચરિત્ર પર દષ્ટિ પ્રેરીને વૃત્તિને અપ્રમત્ત કરવી, એ સુગમ અને સર્વોત્કૃષ્ટ ઉપકારકારક તથા કલ્યાણ સ્વરૂપ છે. ૮૪૩. હે જીવ! આ ક્લેશરૂપ સંસારથી નિવૃત્ત થા, નિવૃત્ત થા. ૮૪૯ મારું ચિત્ત, મારી ચિત્તવૃત્તિઓ એટલી શાંત થઈ જાઓ કે કોઈ મૃગ પણ આ શરીરને જોઈ જ રહે, ભય પામી નાસી ન જાય ! મારી ચિત્તવૃત્તિ એટલી શાંત થઈ જાઓ કે કોઈ વૃદ્ધ મૃગ જેના માથામાં ખૂજલી આવતી હોય તે આ શરીરને જડપદાર્થ જાણી પોતાનું માથું ખૂજલી મટાડવા આ શરીરને ઘસે ! - ૮૫૦ આપ આપકું ભૂલી ગયા, ઇનમેં ક્યા અંધેર ? | સમર સમર અબ હસત છે, નહિ ભૂલેંગે ફેર.
SR No.006030
Book TitleShrimad Rajchandra Handbook
Original Sutra AuthorN/A
AuthorPayal J Shah
PublisherPayal J Shah
Publication Year2013
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy