________________
શ્રીમદ્ રાજચંદ્ર વિચારરત્નો
“માર્ગની ઇચ્છા જેને ઉત્પન્ન થઈ છે. તેણે બધા વિકલ્પો મૂકીને આ એક વિકલ્પ ફરી ફરી સ્મરણ કરવો અવશ્યનો છેઃ—
સાધના માર્ગ
“અનંતકાળથી જીવનું પરિભ્રમણ થયા છતાં તેની નિવૃત્તિ કાં થતી નથી ? અને તે શું કરવાથી થાય ?’ આ વાક્યમાં અનંત અર્થ સમાયેલો છે; અને એ વાક્યમાં કહેલી ચિંતના કર્યા વિના, તેને માટે દૃઢ થઈ ઝૂર્યા વિના માર્ગની દિશાનું પણ અલ્પ ભાન થતું નથી; પૂર્વે થયું નથી; અને ભવિષ્યકાળે પણ નહીં થશે. અમે તો એમ જાણ્યું છે. માટે તમારે સઘળાએ એ જ શોધવાનું છે. ત્યાર પછી બીજું જાણવું શું ? તે જણાય છે.’’ પત્રાંક ૧૯૫
“બીજું કાંઈ શોધ મા. માત્ર એક સત્પુરુષને શોધીને તેનાં ચરણકમળમાં સર્વભાવ અર્પણ કરી દઈ વર્ષો જા. પછી જો મોક્ષ ન મળે તો મારી પાસેથી લેજે.
સત્પુરુષ એ જ કે નિશદિન જેને આત્માનો ઉપયોગ છે; શાસ્ત્રમાં નથી અને સાંભળ્યામાં નથી, છતાં અનુભવમાં આવે તેવું જેનું કથન છે; અંતરંગ સ્પૃહા નથી એવી જેની ગુપ્ત આચરણા છે. બાકી તો કંઈ કહ્યું જાય તેમ નથી અને આમ કર્યા વિના તારો કોઈ કાળે છૂટકો થનાર નથી; આ અનુભવપ્રવચન પ્રમાણિક ગણ. એક સત્પુરુષને રાજી કરવામાં, તેની સર્વ ઇચ્છાને પ્રશંસવામાં, તે જ સત્ય માનવામાં આખી જિંદગી ગઈ તો ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ પંદર ભવે અવશ્ય મોક્ષે જઈશ.”
પત્રાંક ૭૬ “સર્વેએ એટલું જ હાલ તો કરવાનું છે કે જૂનું મૂક્યા વિના તો છૂટકો જ નથી; અને એ મૂકવા યોગ્ય જ છે એમ દઢ કરવું. માર્ગ સરળ છે, પ્રાપ્તિ દુર્લભ છે.”
*****
܀܀܀܀܀
પત્રાંક ૨૧૦
“પરમાર્થ ઉપર પ્રીતિ થવામાં સત્સંગ એ સર્વોત્કૃષ્ટ અને અનુપમ સાધન છે; પણ આ કાળમાં તેવો જોગ બનવો બહુ વિકટ છે; માટે જીવે એ વિકટતામાં રહી પાર પાડવામાં વિકટ પુરુષાર્થ કરવો યોગ્ય છે, અને તે એ કે અનાદિ કાળથી જેટલું જાણ્યું છે, તેટલું બધુંય અજ્ઞાન જ છે; તેનું વિસ્મરણ કરવું.
‘સત્ સત્ જ છે, સરળ છે, સુગમ છે; સર્વત્ર તેની પ્રાપ્તિ હોય છે; પણ ‘સત્'ને બતાવનાર ‘સત્’
જોઈએ.
પત્રાંક ૨૦૭
“જીવ સ્વભાવે (પોતાની સમજણની ભૂલે) દોષિત છે; ત્યાં પછી તેના દોષ ભણી જોવું, એ અનુકપાનો ત્યાગ કરવા જેવું થાય છે, અને મોટા પુરુષો તેમ આચરવા ઇચ્છતા નથી. કળિયુગમાં અસત્સંગથી અને અણસમજણથી ભૂલભરેલે રસ્તે ન દોરાય એમ બનવું બહુ મુશ્કેલ છે.”
܀܀܀܀܀
પત્રાંક ૨૫૭
“ઉદય આવેલાં કર્મોને ભોગવતાં નવાં કર્મ ન બંધાય તે માટે આત્માને સચેત રાખવો એ સત્પુરુષોનો મહાન બોધ છે.
(કોઈ વેળા) શુભાશુભ કર્મના ઉદય સમયે હર્ષશોકમાં નહીં પડતાં ભોગવ્યે છૂટકો છે, અને આ વસ્તુ તે મારી નથી એમ ગણી સમભાવની શ્રેણિ વધારતા રહેશો.’’
પત્રાંક ૫૧
܀܀