________________
શ્રીમદ્ રાજચંદ્ર હેન્ડબુક
૧૬૧ ત્રણે સમકિતમાંથી ગમે તે સમકિત પામ્યાથી જીવ વધારેમાં વધારે પંદર ભવે મોક્ષ પામે. જઘન્ય તે ભવે પણ મોક્ષ થાય; અને જો તે સમકિત વમે, તો વધારેમાં વધારે અર્ધ પુદ્ગલપરાવર્તનકાળ સુધી સંસારપરિભ્રમણ કરીને પણ મોક્ષ પામે. સમકિત પામ્યા પછી વધારેમાં વધારે અર્ધ પુગલપરાવર્તન સંસાર હોય.
ક્ષયોપશમ સમકિત અથવા ઉપશમ સમકિત હોય, તો તે જીવ વમી શકે; પણ ક્ષાયિક સમકિત હોય, તો તે વમાય નહીં; ક્ષાયિક સમકિતી જીવ તે જ ભવે મોક્ષ પામે, વધારે ભવ કરે તો ત્રણ ભવ કરે અને કોઈ એક જીવની અપેક્ષાએ કવચિત્ ચાર ભવ થાય.
ભગવત તીર્થંકરના નિર્ચથ, નિગ્રંથિનીઓ, શ્રાવક તથા શ્રાવિકાઓ કંઈ સર્વને જીવાજીવનું જ્ઞાન હતું તેથી તેને સમકિત કહ્યું છે એવો સિદ્ધાંતનો અભિપ્રાય નથી. તેમાંથી કંઈક જીવોને તીર્થકર સાચા પુરુષ છે, સાચા મોક્ષમાર્ગના ઉપદેણ છે, જેમ તે કહે છે તેમ જ મોક્ષમાર્ગ છે એવી પ્રતીતિથી, એવી રુચિથી, શ્રી તીર્થકરના આશ્રયથી અને નિશ્ચયથી સમકિત કહ્યું છે. એવી પ્રતીતિ, એવી રુચિ અને એવા આશ્રયનો તથા આજ્ઞાનો નિશ્ચય છે તે પણ એક પ્રકારે જીવાજીવના જ્ઞાનસ્વરૂપ છે. પુરુષ સાચા છે અને તેની પ્રતીતિ પણ સાચી આવી છે કે જેમ આ પરમકૃપાળુ કહે છે તેમ જ મોક્ષમાર્ગ છે, તેમ જ મોક્ષમાર્ગ હોય, તે પુરુષનાં લક્ષણાદિ પણ વીતરાગપણાની સિદ્ધિ કરે છે, જે વીતરાગ હોય તે પુરુષ યથાર્થવક્તા હોય, અને તે જ પુરુષની પ્રતીતિએ મોક્ષમાર્ગ સ્વીકારવા યોગ્ય હોય એવી સુવિચારણા તે પણ એક પ્રકારનું ગૌણતાએ જીવાજીવનું જ જ્ઞાન છે. તે પ્રતીતિથી, તે રુચિથી અને તે આશ્રયથી પછી સ્પષ્ટ વિસ્તારસહિત જીવાજીવનું જ્ઞાન અનુક્રમે થાય છે.
૭૭૧
તથારૂપ (યથાર્થ) આપ્ત (મોક્ષમાર્ગ માટે જેના વિશ્વાસે પ્રવર્તી શકાય એવા) પુરુષનો જીવને સમાગમ થવામાં કોઈ એક પુણ્ય હેતુ જોઈએ છે, તેનું ઓળખાણ થવામાં મહતું પુણ્ય જોઈએ છે, અને તેની આજ્ઞાભક્તિએ પ્રવર્તવામાં મહતું મહતું પુણ્ય જોઈએ છે; એવાં જ્ઞાનીનાં વચન છે, તે સાચાં છે, એમ પ્રત્યક્ષ અનુભવાય એવું છે.
૭૭૭
સર્વ અન્યભાવથી આત્મા રહિત છે, કેવળ એમ જેને અનુભવ વર્તે છે તે “મુક્ત છે.
બીજાં સર્વ દ્રવ્યથી અસંગપણું, ક્ષેત્રથી અસંગપણું, કાળથી અસંગપણું અને ભાવથી અસંગપણું સર્વથા જેને વર્તે છે તે “મુક્ત' છે.
અટળ અનુભવસ્વરૂપ આત્મા સર્વ દ્રવ્યથી પ્રત્યક્ષ જુદો ભાસવો ત્યાંથી મુક્તદશા વર્તે છે. તે પુરુષ મૌન થાય છે, તે પુરુષ અપ્રતિબદ્ધ થાય છે, તે પુરુષ અસંગ થાય છે, તે પુરુષ નિર્વિકલ્પ થાય છે અને તે પુરુષ મુક્ત થાય છે.
જેણે ત્રણે કાળને વિષે દેહાદિથી પોતાનો કંઈ પણ સંબંધ નહોતો એવી અસંગદશા ઉત્પન્ન કરી તે ભગવાનરૂપ સત્પરુષોને નમસ્કાર છે.
૭૭૯
પરમયોગી એવા શ્રી ઋષભદેવાદિ પુરુષો પણ જે દેહને રાખી શક્યા નથી, તે દેહમાં એક વિશેષપણું રહ્યું છે તે એ કે, તેનો સંબંધ વર્તે ત્યાં સુધીમાં જીવે અસંગપણું, નિર્મોહપણું કરી લઈ અબાધ્ય અનુભવસ્વરૂપ એવું નિજસ્વરૂપ જાણી, બીજા સર્વ ભાવ પ્રત્યેથી વ્યાવૃત્ત (છૂટા) થવું, કે જેથી ફરી જન્મમરણનો ફેરો ન રહે. તે દેહ છોડતી વખતે જેટલા અંશે અસંગપણું, નિર્મોહપણું, યથાર્થ સમરસપણું રહે છે તેટલું મોક્ષપદ નજીક છે એમ પરમ જ્ઞાની પુરુષનો નિશ્ચય છે.