________________
૧૫૭
શ્રીમદ્ રાજચંદ્ર હેન્ડબુક જો સફળતાનો માર્ગ સમજાય તો આ મનુષ્યદેહનો એક સમય પણ સર્વોત્કૃષ્ટ ચિંતામણિ છે, એમાં સંશય નથી.
૭૩૦
વૃત્તિનો લક્ષ તથારૂપ સર્વસંગપરિત્યાગ પ્રત્યે વર્તતો છતાં જે મુમુક્ષુને પ્રારબ્ધવિશેષથી તે યોગનો અનુદાય રહ્યા કરે, અને કુટુંબાદિનો પ્રસંગ તથા આજીવિકાદિ કારણે પ્રવૃત્તિ રહે, જે યથાન્યાયથી કરવી પડે, પણ તે ત્યાગના ઉદયને પ્રતિબંધક જાણી સખેદપણે કરે તે મુમુક્ષુએ પૂર્વોપાર્જિત શુભાશુભ કર્માનુસાર આજીવિકાદિ પ્રાપ્ત થશે એમ વિચારી માત્ર નિમિત્તરૂપ પ્રયત્ન કરવું ઘટે, પણ ભયાકુળ થઈ ચિંતા કે ન્યાયત્યાગ કરવાં ન ઘટે, કેમ કે તે તો માત્ર વ્યામોહ છે; એ શમાવવા યોગ્ય છે. પ્રાપ્તિ શુભાશુભ પ્રારબ્ધાનુસાર છે. પ્રયત્ન વ્યાવહારિક નિમિત્ત છે, એટલે કરવું ઘટે, પણ ચિંતા તો માત્ર આત્મગુણરોધક છે.
૭૩૧ "આરંભ તથા પરિગ્રહની પ્રવૃત્તિ આત્મહિતને ઘણા પ્રકારે રોધક છે, અથવા સત્સમાગમના યોગમાં એક વિશેષ અંતરાયનું કારણ જાણીને તેના ત્યાગરૂપે બાહ્યસંયમ જ્ઞાનીપુરૂષોએ ઉપદેશ્યો છે, જે પ્રાયે તમને પ્રાપ્ત છે. વળી યથાર્થ ભાવસંયમની જિજ્ઞાસાથી પ્રવર્તે છો, માટે અમૂલ્ય અવસર પ્રાપ્ત થયો જાણી સાસ્ત્ર, અપ્રતિબંધતા, ચિત્તની એકાગ્રતા, સપુરુષનાં વચનોની અનુપ્રેક્ષા દ્વારા તે સફળ કરવી યોગ્ય છે.
૭૩૨ વિષમભાવનાં નિમિત્તો બળવાનપણે પ્રાપ્ત થયાં છતાં જે જ્ઞાની પુરુષ અવિષમ ઉપયોગે વર્યા છે, વર્તે છે, અને ભવિષ્યકાળે વર્તે તે સર્વને વારંવાર નમસ્કાર.
ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ વ્રત, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ તપ, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ નિયમ, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ લબ્ધિ, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ એશ્વર્ય, એ જેમાં સહેજે સમાય છે એવા નિરપેક્ષ અવિષમ ઉપયોગને નમસ્કાર. એ જ ધ્યાન.
૭૩૫ રાગદ્વેષનાં પ્રત્યક્ષ બળવાન નિમિત્તા પ્રાપ્ત થયે પણ જેનો આત્મભાવ કિંચિત્માત્ર પણ ક્ષોભ પામતો નથી, તે જ્ઞાનીના જ્ઞાનનો વિચાર કરતાં પણ મહા નિર્જરા થાય, એમાં સંશય નથી.
૭૩૬ મોહનીયનું સ્વરૂપ આ જીવે વારંવાર અત્યંત વિચારવા જેવું છે. મોહિનીએ મહા મુનીશ્વરોને પણ પળમાં તેના પાશમાં ફસાવી અત્યંત રિદ્ધિસિદ્ધિથી વિમુક્ત કરી દીધા છે; શાશ્વત સુખ છીનવી ક્ષણભંગુરતામાં લલચાવી રખડાવ્યા છે.
નિર્વિકલ્પ સ્થિતિ લાવવી, આત્મસ્વભાવમાં રમણતા કરવી, માત્ર દ્રષ્ટાભાવે રહેવું, એવો શાનીનો ઠામ ઠામ બોધ છે; તે બોધ યથાર્થ પ્રાપ્ત થયે આ જીવનું કલ્યાણ થાય.
૭૪૬
જ્ઞાનનું ફળ વિરતિ છે.' વીતરાગનું આ વચન સર્વ મુમુક્ષુઓએ નિત્ય સ્મરણમાં રાખવા યોગ્ય છે. જે વાંચવાથી, સમજવાથી તથા વિચારવાથી આત્મા વિભાવથી, વિભાવનાં કાર્યોથી અને વિભાવનાં પરિણામથી ઉદાસ ન થયો, વિભાવનો ત્યાગી ન થયો, વિભાવનાં કાર્યોનો અને વિભાવનાં ફળનો ત્યાગી ન થયો, તે વાંચવું, તે વિચારવું અને તે સમજવું અજ્ઞાન છે. વિચારવૃત્તિ સાથે ત્યાગવૃત્તિ ઉત્પન્ન કરવી તે જ વિચાર સફળ છે, એમ કહેવાનો જ્ઞાનીનો પરમાર્થ છે.
૭૪૯
૧.સાધુ પ્રત્યે