________________
૧૫૩
શ્રીમદ્ રાજચંદ્ર હેન્ડબુક લૌકિક દષ્ટિ અને અલૌકિક (લોકોત્તર) દષ્ટિમાં મોટો ભેદ છે, અથવા એકબીજી દષ્ટિ પરસ્પર વિરુદ્ધ સ્વભાવવાળી છે. લૌકિક દષ્ટિમાં વ્યવહાર (સાંસારિક કારણો)નું મુખ્યપણું છે, અને અલૌકિક દષ્ટિમાં પરમાર્થનું મુખ્યપણું છે. માટે અલૌકિક દષ્ટિને લૌકિક દષ્ટિના ફળની સાથે પ્રાયે (ઘણું કરીને) મેળવવી યોગ્ય નહીં.
જૈન અને બીજા બધા માર્ગમાં ઘણું કરીને મનુષ્યદેહનું વિશેષ માહાભ્ય કહ્યું છે. એટલે મોક્ષસાધનના કારણરૂપ હોવાથી તેને ચિંતામણિ જેવો કહ્યો છે, તે સત્ય છે. પણ જો તેથી મોક્ષસાધન કર્યું તો જ તેનું એ માહાભ્ય છે, નહીં તો પશુના દેહ જેટલીયે વાસ્તવિક દષ્ટિથી તેની કિંમત દેખાતી નથી.
મનુષ્યાદિ વંશની વૃદ્ધિ કરવી એ વિચાર મુખ્યપણે લૌકિક દષ્ટિનો છે, પણ તે દેહ પામીને અવશ્ય મોક્ષસાધન કરવું, અથવા તે સાધનનો નિશ્ચય કરવો, એ વિચાર મુખ્યપણે અલૌકિક દષ્ટિનો છે.
ઉત્તમ સંસ્કારવાળા પુરુષો ગૃહસ્થાશ્રમ કર્યા સિવાય ત્યાગ કરે તેથી મનુષ્યની વૃદ્ધિ અટકે તેથી મોક્ષસાધનનાં કારણ અટકે એ વિચારવું અલ્પ દષ્ટિથી યોગ્ય દેખાય, પણ તથારૂપ ત્યાગ વૈરાગ્યનો યોગ પ્રાપ્ત થયે, મનુષ્યદેહનું સફળપણું થવા અર્થે, તે યોગનો અપ્રમત્તપણે વિલંબ વગર લાભ પ્રાપ્ત કરવો, તે વિચાર તો પૂર્વાપર અવિરુદ્ધ અને પરમાર્થદષ્ટિથી સિદ્ધ કહેવાય. આયુષ્ય સંપૂર્ણ છે તથા આપણે સંતતિ થાય તો તેઓ મોક્ષસાધન કરશે એવો નિશ્ચય કરી, સંતતિ થશે જ એવું માન્ય રાખી, પાછો આવો ને આવો ત્યાગ પ્રકાશિત થશે, એવું ભવિષ્ય કલ્પીને આશ્રમપૂર્વક પ્રવર્તવાનું કયો વિચારવાન એકાંતે યોગ્ય. ગણે ? પોતાના વૈરાગ્યમાં મંદપણું ન હોય, અને જ્ઞાનીપુરુષ જેને ત્યાગ કરવા યોગ્ય ગણતા હોય, તેણે બીજાં મનોરથમાત્ર કારણોનો અથવા અનિશ્ચિત કારણોનો વિચાર છોડી દઈ નિશ્ચિત અને પ્રાપ્ત ઉત્તમ કારણનો આશ્રય કરવો એ જ ઉત્તમ છે, અને એ જ મનુષ્યપણાનું સાર્થક છે; બાકી વૃદ્ધિ આદિની તો કલ્પના છે; ખરેખરો મોક્ષમાર્ગ નાશ કરી માત્ર મનુષ્યની વૃદ્ધિ કરવાની કલ્પના કર્યા જેવું કરીએ તો બને.
વૃત્તિઆદિ સંક્ષેપ અભિમાનપૂર્વક થતો હોય તોપણ કરવો ઘટે. વિશેષતા એટલી કે તે અભિમાન પર નિરંતર ખેદ રાખવો. તેમ બને તો ક્રમે કરીને વૃત્તિઆદિનો સંક્ષેપ થાય, અને તે સંબંધી અભિમાન પણ સંક્ષેપ થાય.
ઘણે સ્થળે વિચારવાન પુરુષોએ એમ કહ્યું છે કે જ્ઞાન થયે કામ, ક્રોધ, તૃષ્ણાદિ ભાવ નિર્મળ થાય. તે સત્ય છે, તથાપિ તે વચનોનો એવો પરમાર્થ નથી કે જ્ઞાન થયા પ્રથમ તે મોળાં ન પડે કે ઓછાં ન થાય. મૂળસહિત છેદ તો જ્ઞાન કરીને થાય, પણ કષાયાદિનું મોળાપણું કે ઓછાપણું ન થાય ત્યાં સુધી જ્ઞાન ઘણું કરીને ઉત્પન્ન જ ન થાય. જ્ઞાન પ્રાપ્ત થવામાં વિચાર મુખ્ય સાધન છે; અને તે વિચારને વૈરાગ્ય (ભોગ પ્રત્યે અનાસકિત) તથા ઉપશમ (કષાયાદિનું ઘણું જ મંદપણું, તે પ્રત્યે વિશેષ ખેદ) બે મુખ્ય આધાર છે, એમ જાણી તેનો નિરંતર લક્ષ રાખી તેવી પરિણતિ કરવી ઘટે.
સપુરુષના વચનના યથાર્થ ગ્રહણ વિના વિચાર ઘણું કરીને ઉદ્ભવ થતો નથી; અને પુરુષના વચનનું યથાર્થ ગ્રહણ, સપુરુષની પ્રતીતિ એ કલ્યાણ થવામાં સર્વોત્કૃષ્ટ નિમિત્ત હોવાથી તેમની “અનન્ય આશ્રયભક્તિ' પરિણામ પામેથી, થાય છે. ઘણું કરી એકબીજાં કારણોને અન્યોન્યાશ્રય જેવું છે. કયાંક કોઈનું મુખ્યપણું છે, ક્યાંક કોઈનું મુખ્યપણું છે, તથાપિ એમ તો અનુભવમાં આવે છે કે ખરેખરો મુમુક્ષુ હોય તેને પુરુષની આશ્રયભક્તિ' અહંભાવાદિ છેદવાને માટે અને અલ્પકાળમાં વિચારદશા પરિણામ પામવાને ઉત્કૃષ્ટ કારણરૂપ થાય છે.