________________
શ્રીમદ્ રાજચંદ્ર વિચારરત્નો
સ્વઅનુભૂતિ વચન
“જેને લાગી છે તેને જ લાગી છે અને તેણે જ જાણી છે; તે જ “પિયુ પિયુ” પોકારે છે. એ બ્રાહ્મી વેદના કહી કેમ જાય ? કે જ્યાં વાણીનો પ્રવેશ નથી. વધારે શું કહેવું ? લાગી છે તેને જ લાગી છે. તેના જ ચરણસંગથી લાગે છે; અને લાગે છે ત્યારે જ છૂટકો હોય છે. એ વિના બીજો સુગમ મોક્ષમાર્ગ છે જ નહીં. તથાપિ કોઈ પ્રયત્ન કરતું નથી ! મોહ બળવાન છે !'' પત્રાંક ૨૪૧
“જે જે પ્રકારે આત્મા આત્મભાવ પામે તે તે પ્રકાર ધર્મના છે. આત્મા જે પ્રકારે અન્યભાવ પામે, તે પ્રકાર અન્યરૂપ છે; ધર્મરૂપ નથી.
જીવે ધર્મ પોતાની કલ્પના વડે અથવા કલ્પનાપ્રાપ્ત અન્ય પુરુષ વડે શ્રવણ કરવા જોગ, મનન કરવા જોગ કે આરાધવા જોગ નથી. માત્ર આત્મસ્થિતિ છે જેની એવા સત્પુરુષથી જ આત્મા કે આત્મધર્મ શ્રવણ કરવા જોગ છે, યાવત્ આરાધવા જોગ છે.”
४
܀܀܀܀܀
*****
પત્રાંક ૪૦૩ “મારું ચિત્ત, મારી ચિત્તવૃત્તિઓ એટલી શાંત થઈ જાઓ કે કોઈ મૃગ પણ આ શરીરને જોઈ જ રહે, ભય પામી નાસી ન જાય !
મારી ચિત્તવૃત્તિ એટલી શાંત થઈ જાઓ કે કોઈ વૃદ્ધ મૃગ જેના માથામાં ખૂજલી આવતી હોય તે આ શરીરને જડપદાર્થ જાણી પોતાનું માથું ખૂજલી મટાડવા આ શરીરને ઘસે !”
પત્રાંક ૮૫૦ “પ્રદેશે પ્રદેશથી જીવના ઉપયોગને આકર્ષક એવા આ સંસારને વિષે એક સમયમાત્ર પણ અવકાશ લેવાની જ્ઞાનીપુરુષોએ હા કહી નથી; કેવળ તે વિષે નકાર કહ્યો છે. તે આકર્ષણથી ઉપયોગ જો અવકાશ પામે તો તે જ સયમે તે આત્માપણે થાય છે. તે જ સમયે આત્માને વિષે તે ઉપયોગ અનન્ય થાય છે.”
܀܀܀܀܀
પત્રાંક ૪૪૬ “લોકસંજ્ઞા જેની જિંદગીનો ધ્રુવકાંટો છે તે જિંદગી ગમે તેવી શ્રીમંતતા, સત્તા કે કુટુંબપરિવારાદિ યોગવાળી હોય તોપણ તે દુ:ખનો જ હેતુ છે. આત્મશાંતિ જે જિંદગીનો ધ્રુવકાંટો છે તે જિંદગી ગમે તો એકાકી અને નિર્ધન, નિર્વસ્ત્ર હોય તોપણ પરમ સમાધિનું સ્થાન છે.”
*****
܀܀܀܀܀
પત્રાંક ૯૪૯
“વીતરાગનો કહેલો પરમ શાંત રસમય ધર્મ પૂર્ણ સત્ય છે, એવો નિશ્ચય રાખવો. જીવના અનધિકારીપણાને લીધે તથા સત્પુરુષના યોગ વિના સમજાતું નથી. તો પણ તેના જેવું જીવને સંસાર રોગ મટાડવાને બીજું કોઈ પૂર્ણ હિતકારી ઔષધ નથી, એવું વારંવાર ચિંતવન કરવું.
આ પરમ તત્ત્વ છે, તેનો મને સદાય નિશ્ચય રહો; એ યથાર્થ સ્વરૂપ મારા હૃદયને વિષે પ્રકાશ કરો, અને જન્મમરણાદિ બંધનથી અત્યંત નિવૃત્તિ થાઓ ! નિવૃત્તિ થાઓ ! !
હે જીવ ! આ ક્લેશરૂપ સંસાર થકી, વિરામ પામ, વિરામ પામ; કાંઈક વિચાર, પ્રમાદ છોડી જાગૃત થા ! જાગૃત થા ! ! નહીં તો રત્નચિંતામણિ જેવો આ મનુષ્યદેહ નિષ્ફળ જશે. હે જીવ ! હવે તારે સત્પુરુષની આજ્ઞા નિશ્ચય ઉપાસવા યોગ્ય છે.”
*****
ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
પત્રાંક ૫૦૫