________________
૧૧૮
વચનામૃત પત્ર-૧ થી પ૦૦ જો કોઈ પણ પ્રકારે બને તો આ ત્રાસરૂપ સંસારમાં વધતો વ્યવસાય ન કરવો; સત્સંગ કરવો યોગ્ય છે.
મને એમ લાગે છે કે જીવને મૂળપણે જોતાં જો મુમુક્ષતા આવી હોય તો નિત્ય પ્રત્યે તેનું સંસારબળ ઘટ્યા કરે. સંસારમાં ધનાદિ સંપત્તિ ઘટે કે નહીં તે અનિયત છે, પણ સંસાર પ્રત્યે જે જીવની ભાવના, તે મોળી પડ્યા કરે; અનુક્રમે નાશ પામવા યોગ્ય થાય; આ કાળમાં એ વાત ઘણું કરી જોવામાં આવતી નથી. કોઈ જુદા સ્વરૂપમાં મુમુક્ષુ અને જુદા સ્વરૂપમાં મુનિ વગેરે જોઈ વિચાર થાય છે કે આવા સંગે કરી જીવની ઊર્ધ્વદશા થવી ઘટે નહીં, પણ અધોદશા થવી ઘટે, વળી સત્સંગનો કંઈ પ્રસંગ થયો છે એવા જીવની વ્યવસ્થા પણ કાળદોષથી પલટતાં વાર નથી લાગતી. એવું પ્રગટ જોઈને ચિત્તમાં ખેદ થાય છે; અને મારા ચિત્તની વ્યવસ્થા જોતાં મને પણ એમ થાય છે કે મને કોઈ પણ પ્રકારે આ વ્યવસાય ઘટતો નથી, અવશ્ય ઘટતો નથી.
જરૂર – અત્યંત જરૂર – આ જીવનો કોઈ પ્રમાદ છે; નહીં તો પ્રગટ જાણ્યું છે એવું જે ઝેર તે પીવાને વિષે જીવની પ્રવૃત્તિ કેમ હોય ? અથવા એમ નહીં તો ઉદાસીન પ્રવૃત્તિ હોય, તોપણ તે પ્રવૃત્તિયે હવે તો કોઈ પ્રકારે પણ પરિસમાપ્તપણું ભજે એમ થવા યોગ્ય છે, નહીં તો જરૂર જીવનો કોઈ પણ પ્રકારે દોષ છે.
કલ્પ
જેમ જેમ જીવમાં ત્યાગ વૈરાગ્ય અને આશ્રયભક્તિનું બળ વધે છે, તેમ તેમ સપુરુષનાં વચનનું અપૂર્વ અને અદ્ભુત સ્વરૂપ ભાસે છે; અને બંધનિવૃત્તિના ઉપાયો સહજમાં સિદ્ધ થાય છે.
૪૯૭
આત્માને વારંવાર સંસારનું સ્વરૂપ કારાગૃહ જેવું ક્ષણે ક્ષણે ભાસ્યા કરે એ મુમુક્ષુતાનું મુખ્ય લક્ષણ છે. મૂળ વાત તો એ છે કે જીવને વૈરાગ્ય આવતાં છતાં પણ જે તેનું અત્યંત શિથિલપણું છે – ઢીલાપણું છે - તે ટાળતાં તેને અત્યંત વસમું લાગે છે, અને ગમે તે પ્રકારે પણ એ જ પ્રથમ ટાળવા યોગ્ય છે.
- ૪૯૮ વિચારની ઉત્પત્તિ થયા પછી વર્તમાન સ્વામી જેવા મહાત્મા પુરુષે ફરી ફરી વિચાર્યું કે આ જીવનું અનાદિકાળથી ચારે ગતિ વિષે અનંતથી અનંત વાર જન્મવું, મરવું થયાં છતાં, હજુ તે જન્મ મરણાદિ સ્થિતિ ક્ષીણ થતી નથી, તે હવે કેવા પ્રકારે ક્ષીણ કરવાં ? અને એવી કઈ ભૂલ આ જીવની રહ્યા કરી છે, કે જે ભૂલનું આટલા સુધી પરિણમવું થયું છે ? આ પ્રકારે ફરી ફરી અત્યંત એકાગ્રપણે સદ્ધોધનાં વર્ધમાન પરિણામે વિચારતાં વિચારતાં જે ભૂલ ભગવાને દીઠી છે તે જિનાગમમાં ઠામ ઠામ કહી છે; કે જે ભૂલ જાણીને તેથી રહિત મુમુક્ષુ જીવ થાય. જીવની ભૂલ જોતાં તો અનંતવિશેષ લાગે છે; પણ સર્વ ભૂલની બીજભૂત ભૂલ તે જીવે પ્રથમમાં પ્રથમ વિચારવી ઘટે છે, કે જે ભૂલનો વિચાર કર્યાથી સર્વે ભૂલનો વિચાર થાય છે; અને જે ભૂલના મટવાથી સર્વે ભૂલ મટે છે. કોઈ જીવ કદાપિ નાના પ્રકારની ભૂલનો વિચાર કરી તે ભૂલથી છૂટવા ઇચ્છે, તો પણ તે કર્તવ્ય છે, અને તેવી અનેક ભૂલથી છૂટવાની ઇચ્છા મૂળ ભૂલથી છૂટવાનું સહેજે કારણ થાય છે.
વિષમ અને ભયંકર આ સંસારનું સ્વરૂપ જોઈ તેની નિવૃત્તિ વિષે અમને બોધ થયો. જે બોધ વડે જીવમાં શાંતિ આવી, સમાધિદશા થઈ, તે બોધ આ જગતમાં કોઈ અનંત પુણ્યોગે જીવને પ્રાપ્ત થાય છે, એમ મહાત્માપુરુષો ફરી ફરી કહી ગયા છે. આ દુષમકાળને વિષે અંધકાર પ્રગટી બોધના માર્ગને આવરણ પ્રાપ્ત થયા જેવું થયું છે, તે કાળમાં અમને દેહજોગ બન્યો, તે કોઈ રીતે ખેદ થાય છે, તથાપિ પરમાર્થથી તે ખેદ પણ સમાધાન રાખ્યા કર્યો છે.
પ૦૦