________________
૧૦૫
શ્રીમદ્ રાજચંદ્ર હેન્ડબુક જીવ જો અજ્ઞાનપરિણામી હોય તો તે અજ્ઞાન નિયમિતપણે આરાધવાથી જેમ કલ્યાણ નથી, તેમ મોહરૂપ એવો એ માર્ગ અથવા એવા એ લોક સંબંધી માર્ગ તે માત્ર સંસાર છે; તે પછી ગમે તે આકારમાં મૂકો તોપણ સંસાર છે, તે સંસારપરિણામથી રહિત કરવા અસંસારગત વાણીનો અસ્વચ્છેદપરિણામે જ્યારે આધાર પ્રાપ્ત થાય છે, ત્યારે તે સંસારનો આકાર નિરાકારતાને પ્રાપ્ત થતો જાય છે. બીજા પ્રતિબંધ તેમની દષ્ટિ પ્રમાણે કર્યા કરે છે, તેમ જ જ્ઞાનીનાં વચન પણ તેની તે દષ્ટિએ આરાધે તો કલ્યાણ થવા યોગ્ય લાગતું નથી.
તમે એમ ત્યાં જણાવો કે તમે કોઈ કલ્યાણના કારણ નજીક થવાના ઉપાયની ઇચ્છા કરતા હો તો તેના પ્રતિબંધ ઓછા થવાના ઉપાય કરો; અને નહીં તો કલ્યાણની તૃષ્ણાનો ત્યાગ કરો. તમે એમ જાણતા હો કે અમે જેમ વર્તીએ છીએ તેમ કલ્યાણ છે, માત્ર અવ્યવસ્થા થઈ ગઈ છે, તે જ માત્ર અકલ્યાણ છે, એમ જાણતા હો તો તે યથાર્થ નથી. વાસ્તવ્યપણે તમારું જે વર્તવું છે, તેથી કલ્યાણ ન્યારું છે, અને તે તો જ્યારે જ્યારે જે જે જીવને તેવો તેવો ભવસ્થિત્યાદિ સમીપ જોગ હોય ત્યારે ત્યારે તેને તે પ્રાપ્ત થવા યોગ્ય છે. આખા સમૂહને વિષે કલ્યાણ માની લેવા યોગ્ય નથી, અને એમ જ કલ્યાણ થતું હોય તો તેનું ફળ સંસારાર્થ છે; કારણ કે પૂર્વે એમ કરી જીવ, સંસારી રહ્યા કર્યો છે.
૪૩૦ આત્માપણે કેવળ ઉજાગર અવસ્થા વર્તે, અર્થાત્ આત્મા પોતાના સ્વરૂપને વિષે કેવળ જાગ્રત હોય ત્યારે તેને કેવળજ્ઞાન વર્તે છે એમ કહેવું યોગ્ય છે, એવો શ્રી તીર્થંકરનો આશય છે.
“આત્મા” જે પદાર્થને તીર્થકરે કહ્યો છે, તે જ પદાર્થની તે જ સ્વરૂપે પ્રતીતિ થાય, તે જ પરિણામે આત્મા સાક્ષાત ભાસે ત્યારે તેને પરમાર્થસમ્યકત્વ છે, એવો શ્રી તીર્થંકરનો અભિપ્રાય છે. એવું સ્વરૂપ જેનું ભાસ્યું છે તેવા પુરુષને વિષે નિષ્કામ શ્રદ્ધા છે જેને, તે પુરુષને બીજરુચિસમ્યકત્વ છે. તેવા પુરુષની નિષ્કામ ભક્તિ અબાધાએ પ્રાપ્ત થાય, એવા ગુણો જે જીવમાં હોય તે જીવ માર્ગાનુસારી હોય; એમ જિન કહે છે.
અમારો અભિપ્રાય કંઈ પણ દેહ પ્રત્યે હોય તો તે માત્ર એક આત્માર્થે જ છે. અન્ય અર્થે નહીં, બીજા કોઈ પણ પદાર્થ પ્રત્યે અભિપ્રાય હોય તો તે પદાર્થ અર્થે નહીં, પણ આત્માર્થે છે. તે આત્માર્થ તે પદાર્થની પ્રાપ્તિ-અપ્રાપ્તિને વિષે હોય એમ અમને લાગતું નથી. “આત્માપણું એ ધ્વનિ સિવાય બીજો કોઈ ધ્વનિ કોઈ પણ પદાર્થના ગ્રહણત્યાગમાં સ્મરણજોગ નથી. અનવકાશ આત્માપણું જાણ્યા વિના, તે સ્થિતિ વિના અન્ય સર્વ ક્લેશરૂપ છે.
૪૩૧ આત્માને વિભાવથી અવકાશિત કરવાને અર્થે અને સ્વભાવમાં અનવકાશપણે રહેવાને અર્થે કોઈ પણ મુખ્ય ઉપાય હોય તો આત્મારામ એવા જ્ઞાની પુરુષનો નિષ્કામ બુદ્ધિથી ભક્તિયોગરૂપ સંગ છે.
આ આત્મા પૂર્વે અનંત કાળ વ્યતીત કર્યું જાણ્યો નથી, તે ઉપરથી એમ લાગે છે કે તે જાણવાનું કાર્ય સર્વથી વિકટ છે; અથવા તો જાણવાના તથારૂપ યોગો પરમ દુર્લભ છે. જીવ અનંતકાળથી એમ જાણ્યા કરે છે કે હું અમુકને જાણું છું, અમુકને નથી જાણતો એમ નથી, એમ છતાં જે રૂપે પોતે છે તે રૂપનું નિરંતર વિસ્મરણ ચાલ્યું આવે છે, એ વાત બહુ બહુ પ્રકારે વિચારવા યોગ્ય છે, અને તેનો ઉપાય પણ બહુ પ્રકારે વિચારવા યોગ્ય છે.
૪૩૨