________________
૧૨૪
આનંદઘન પદ - ૧૮
હવે સમતારૂપ ચેતનાને મનાવવા - શું કરવું તેનું સુમતિ ચેતનને દિગ્દર્શન કરે છે. તમારા મનમાં પડેલી આંટીઓ - ગાંઠોં - ગ્રંથિ; પૂર્વગ્રહ - કદાગ્રહ - મતાગ્રહરૂપી અંટશને દૂર કરો અર્થાત્ મનની ગાંઠ મિટાવી મનથી મનનો મનમેળ કરો. તમે જ તમારા મનને તમારા મનથી મનાવીને, એ મનને દબાવો નહિ પણ એને વાળો અને એને સુમન બનાવો. મનના મોહનું પાત્ર વિનાશી એવા દેહ અને પર વસ્તુ વ્યક્તિ હતાં, તેના મોહના પાત્રને બદલી અવિનાશી એવાં પરમાત્મા દેવ અને પરમાત્માના ચાહક અને વાહક એવાં ગુરૂદેવને બનાવો એટલે એ મોહ, પ્રેમ ભકિતરૂપે પરિણમશે અને રાગ, અનુરાગ બનશે. અવિનાશી વીતરાગ સાથે જોડાયેલો એ અનુરાગ તમને પણ અવિનાશી વીતરાગી બનાવી દેશે.
અંતરને ઠારે એવી અંતરની બે મીઠી મીઠી વાતો અંતર સાથે કરશે. મનનું અંટશ - આંતરું મીટાવી અંતરનું અંતરથી - આત્માનું આત્માથી - ચેતનાનું ચેતનથી વૈત-હૈયું-હુંફ અને લાગણી આપીને મિલન કરો. એ જીવની જ છે એને જીવતી કરી દો. જીતી લ્યો ! તમારી સમતા તમારામાં સુસુપ્ત - ગુપ્ત - લુપ્ત છે એને સ્પંદિત કરી સ્કુરાયમાન કરો • જાગૃત કરો. એની રીસને - એના ગુસ્સાને ઠારો ! એના તનમનના તાપને તમારી આત્મીયતાથી એને વહાલા કરી પ્રેમથી શાતા પહોંચે એવી અમૃતવાણીથી એ રીસાયેલીને રીઝવો - ખોવાયેલીને ખોળીને ખોલો - ઉજાગર કરો.
પદના આ ચરણ દ્વારા યોગીરાજજી આધ્યાત્મિક દિગ્દર્શન કરતાં ધર્મની રીતિનીતિ શીખવે છે કે....
પ્રેમની પરખ કરવા માટે તીર્થંકર ભગવંતો, ઋષિમુનિઓએ પ્રબોધેલાં હેય (ત્યાજ્ય) અને ઉપાદેય (ગ્રાહ્ય) તત્ત્વો માર્ગની દિશા ચિંધે છે. જીવને જીવનદાયી પ્રાણ તત્વ એ તો પ્રગટ પરમાત્મ તત્વના પ્રેમલક્ષણા ભકિતભાવમાં આત્મામાંથી વહેતું અને આત્માનુભતિમાં ભાવવિભોર કરનારું પ્રેમઝરણું છે. એ દેવગુરુના અહોભાવ, આદર, બહુમાન, સત્કાર સન્માનના ભક્તિપ્રેમને જીવંત બનાવો.
મોક્ષ દુર્લભ નથી પણ મોક્ષદાતા દુર્લભ છે.