________________
અમૃતવેલની સજ્ઝાય
૮૯
આંચ આવતી નથી. સમુદ્રનો ધીર ગંભીર સ્વભાવ છે. નદી સ્ત્રીજાતિ છે અને સમુદ્ર પુરુષજાતિ છે તેથી એક તુચ્છસ્વભાવ યુક્ત અને એક ગંભીર સ્વભાવ યુક્ત છે. છતાં પણ જો સમુદ્રમાં પવન તોફાને ચઢે અને વાયુનુ જોર વધે તો સમુદ્રના પાણીમાં પણ વેલ અને મોજાં ઘણાં ઉછળે, પાંચ-દશ ફુટ કે તેથી પણ અધિક મોજાં ઉછળે. તે તોફાન, પવનના તોફાનથી થાય છે. સમુદ્રનું પોતાનું સ્વયં તોફાન નથી.
ઉપર આપેલા સમુદ્રના ઉદાહરણની જેમ આ જીવ પણ પોતાના સ્વભાવે શાન્ત, ધીર અને ગંભીર છે. જે કંઈ મોહ-માયાનું તોફાન ઉપજે છે તે સઘળું ય કર્મનું તોફાન છે. આ રાજા, આ શંક, આ રોગી, આ નિરોગી, આ સ્ત્રી, આ પુરુષ, આ પતિ, આ પત્ની, આ સુખી, આ દુઃખી, આ ઉચ્ચ, આ નીચ ઈત્યાદિ જે કંઈ કલ્પનાઓ આ સંસારમાં કરવામાં આવે છે તે સઘળી પણ કલ્પનાઓ કર્મથી ઉપજેલી છે. જેમ વાયુથી સમુદ્રમાં તોફાન થાય છે તેમ કર્મથી આત્મામાં કલ્પનાઓનું તોફાન ઉપજે છે. બાકી મૂલ સ્વરૂપે જેમ સમુદ્ર શાન્ત છે તેમ આત્મા શુદ્ધ-બુદ્ધ-નિરંજન-નિરાકાર છે. તેથી · હે જીવ ! તું કોઈની માતા, તું કોઈનો પિતા, તું કોઈનો પુત્ર, તું કોઈની પુત્રી, તું કોઈનો પતિ, તું કોઈની પત્ની આ બધી કર્મોના ઉદયથી કરાયેલી કલ્પના છે. તારું મૂલ સ્વરૂપ આ નથી. તેથી આ સ્વરૂપમાં તું મોહાન્ધ ન બન.