________________
અમૃતવેલની સઝાય આ રોગી છે, આ નિરોગી છે, આ રાજા છે અને આ રંક છે આ બધાં ટાઈટલો તો કર્મોના ઉદયથી લાગ્યાં છે. ઔદયિક ભાવ છે. કાલાન્તરે નાશ પામનાર છે. હે જીવઆ બધું તારું સ્વરૂપ નથી. ઉપરોક્ત સર્વે કલંકો કર્મજન્ય છે. કર્મનો નાશ થતાં જ સર્વે પણ કલંકો ભુંસાઈ જતાં તું અકલંકિત સ્વરૂપવાળો જે છે તે પ્રગટ થઈશ. માટે કંઈક શુદ્ધ નયના વિચારો કર અને તારા પોતાના શુદ્ધ સ્વરૂપનો વિચાર કર.
- તથા વળી તું જ્ઞાનાનંદરવભાવી છો. જ્ઞાન એ આત્માનો ગુણ છે. તેમાં રમણતા કરવી એ જ આત્માનું સ્વરૂપ છે. બાકીનું બધું ઔપાધિકસ્વરૂપ છે. મોક્ષમાં ગયેલા અનંતા જીવો અનંતજ્ઞાનગુણમાં જ રમણતા કરનારા છે. જ્ઞાનગુણનો જે આનંદ છે તે તો જે માણે તે જ જાણે. કેટલાક ભાવો એવા હોય છે કે જે અનુભવ કરીએ ત્યારે જ સમજાય. જેમ પ્રસુતિ ક્રિયાની પીડા કેવી હોય? કેટલી માત્રામાં હોય ! તે શબ્દથી ન વર્ણવી શકાય. ઘીનો સ્વાદ કેવો હોય? તે શબ્દથી ન કહી શકાય. તેમ કેટલાક ભાવો અનુભવગમ્ય હોય છે. શબ્દોથી સમજી શકાતા નથી કે સમજાવી શકાતા નથી. માટે હે જીવ! તું તારું પોતાનું શુદ્ધ સ્વરૂપ કંઈક વિચાર અને સાંસારિક ભાવોથી અલિપ્ત થા, વૈરાગી બન. આ જ તારા કલ્યાણનું કારણ છે. ર૪ો.