________________
૮૧
અમૃતવેલની સઝાય વ્યવહારમાં આ જીવ વર્તે તો પાંચ ઈન્દ્રિયોના વિષયોની પ્રાપ્તિ કે અપ્રાપ્તિ આ જીવને સંસારમાં ગબડાવી શકતી નથી. ઉપરોક્ત અનુષ્ઠાનોના આલંબનથી આ જીવ સતત વિષયોને જિતને સ્થિર પરિણામવાળો થઈ જાય છે. રાગાદિને બદલે વૈરાગાદિ ભાવો જન્મ, કષાયને બદલે ક્ષમાદિ ગુણો પ્રગટે, ઉચિત વ્યવહારનું આલંબન આવા પ્રભાવવાળું છે. તેથી તે જીવ ! સદગુરુનો યોગ, વ્યાખ્યાનશ્રવણ, ધાર્મિક અભ્યાસ, સારા પુસ્તકોનું વાંચન, સામાયિકાદિ અનુષ્ઠાનોનું સેવન, તપત્યાગાદિમય આચરણ આવા પ્રકારના શક્ય બની શકે તેટલા ઉચિત વ્યવહારનું સુંદર આલંબન તું ગ્રહણ કર, કે જેના પ્રતાપે આત્માના પરિણામ સ્થિર થઈ જાય, ગબડવાપણું ન રહે. આ જીવનું ક્યારેય પતન ન રહે.
તથા વળી “શુદ્ધ નયોની ભાવના ભાવ” નિશ્ચયનયને મનમાં વિચાર. આ સંસારમાં આપણો આ જીવ એકલો જ આવ્યો છે અને એકલો જ જવાનો છે. ધન-ધાન્યાદિ પરિગ્રહ કે પત્ની અને પુત્રાદિ પરિવાર કોઈ સાથે આવ્યું નથી અને આવવાનું નથી. એટલું જ નહીં પણ જે શરીઆં આ આત્મા વ્યાપ્ત થઈ રહ્યો છે તે શરીર પણ આ ભવમાં આવ્યા પછી જ બનાવ્યું છે અને પરભવમાં જતી વેળાએ મુકીને જ જવાનું છે. શરીર પણ તારું નથી તું સ્વયં શુદ્ધ એક ભિન્ન દ્રવ્ય છો. આવા વિચારો કર.