________________
પોતે યુદ્ધાદિ કરવાનું ન હોવા છતાં ય બીજા માટે હિંસક શસ્ત્રો બનાવવા, તેના સ્પેરપાર્ટ્સ બનાવ્યા, તેને જોઈન્ટ કરી આપવા તે અનર્થદંડ છે.
વારંવાર બોલબોલ કરવું, પુષ્કળ પ્રમાણમાં બોલ બોલ કરવું, કોઈ પૂછે નહિ તો પણ બોલવું, જાણે કે બધી જવાબદારી પોતાની જ છે તેમ સમજીને તેને તેને સલાહ આપવા બેસવું કે જેની તેની સાથે ગમે તે વાત કર્યા કરવી તે અનર્થદંડ છે. આવી વાચાળતા રાખવા જેવી નથી. “ચાર મળે ચોટલા, ભાંગે કોઈના ઓટલા’ કહેવતને આપણે સામે ચાલીને પોતાના માટે સાચી ઠેરવવાની કોઈ જરૂર નથી.
હાલ અનેક રામાયણો મળે છે. જેમાં રામ, રાવણ, સીતાજી વગેરેની મૃત્યુ સુધીની વાતો મળે છે. પણ કૈકેયીના કાન ભંભેરનાર પેલી મંથરાનું પછી શું થયું? તેની માહિતી કોઈ રામાયણમાં મળતી નથી. શું કારણ હશે? કોઈ આજની વાસ્તવિકતા ઉપર કટાક્ષ ફેંકતા કહે છે કે, “તે મંથરા હજુ મરી જ નથી. તે તો હજુ જીવે છે. મારામાં! તમારામાં! સૌમાં! જે બીજાની ચાડી - ચુગલી ભરતા હોય, કાન ભંભેરણી કરતા હોય તે બધામાં! પછી રામાયણમાં તેના મરણની વાત શી રીતે આવે ?” ના, આજથી મંથરા બનવાનું છોડી દેવાનું નક્કી કરવું જોઈએ. જિનશાસનને પામ્યા પછી સર્વ જીવોને સુખી કરવાની ભાવના ધરાવનારા વીતરાગ પરમાત્મા મેળવ્યા પછી હવે આવી મંથરા બનવાનું આપણને જરા ય શોભતું નથી.
અતિ બોલવાથી વિચારવાની તક મળતી નથી. પરિણામે અસંબદ્ધ બોલાય છે. અહિતકારી બોલાય છે. ક્યારેક સામેવાળાને ઘા લાગે તેવું પણ બોલાય છે. પાછળથી પસ્તાવું ન હોય તો બહુ બોલવાની ટેવ દૂર કરી દેવી જોઈએ.
સ્નાન, ભોજન, વસ્ત્ર, મકાન વગેરે જે જે ભોગ કે ઉપભોગ કરવાની વસ્તુઓ છે, તે જરુરિયાત કરતાં વધારે રાખવી તે અનર્થદંડ છે તેનાથી અનેક પ્રકારનો પ્રમાદ સેવાય છે. અનેક જીવોની નાહકની હિંસાનું તે કારણ બને છે. તેથી સમજુ શ્રાવકો જરૂરિયાતથી આગળ વધતા નથી. કદાચ સગવડ માટે કોઈક ચીજો વિશેષ પ્રમાણમાં કે સારી રાખવી પડે તે જુદી વાત. પણ મોજ શોખ ખાતર કે દુનિયાને દેખાડવા માટે બિનજરૂરી વસ્તુઓના ખડકલા કરવા જરા ય ઉચિત નથી.
કચેષ્ટાઓ કરવી તે પણ અનર્થદંડ છે. હાથ - પગ, મોં - આંખ – કાન – નાક - હોઠ - જીભ વગેરે દ્વારા કુચેષ્ટાઓ કરીને બીજાને હસાવવા કે પોતે હાંસીને પાત્ર બનવું તે ઉચિત નથી. તે જ રીતે મશ્કરી કરવી, પટ્ટી પાડવી, ઠઠ્ઠા કરવા, કામયુક્ત વચનો કહેવા, બીજાને વાસના જાગે તેવી ચેષ્ટાઓ કરવી કટુ વચનો બોલવા, કટાક્ષ કરવા વગેરે પણ અનર્થદંડ હોવાથી તે બધું કરવું ઉચિત નથી.
વ્રત ધરીયે ગુરુ સાખ ભાગ - ૨