________________
(૭) પળમાં પાપને પેલે પાર
દુનિયામાં લાખો કરોડો વસ્તુઓ છે. આ બધી ચીજોનો બધા લોકો રોજ ઉપયોગ કરતા નથી. તેમાંની કેટલીક વસ્તુઓ ઉપયોગમાં આવે છે તો કેટલીક વસ્તુઓ બિલકુલ ઉપયોગમાં આવતી નથી. અરે ! કેટલીક વસ્તુઓના તો નામની પણ ખબર હોતી નથી. છતાં તે બધી વસ્તુઓનો ઉપયોગ કરવાની મનમાં ઊંડે ઊંડે પણ જે ઈચ્છા પડેલી છે, તે પાપ બંધાવ્યા કરે છે.
આ ઈચ્છા પોતે જ મોટું પાપ છે. તે ઈચ્છાને હવે કંટ્રોલમાં લેવી જોઈએ. તે માટે ચૌદ નિયમો રોજ ધારવા જોઈએ. ૧૪ નિયમો ધારવાથી ઈચ્છાઓનો કંટ્રોલ થાય છે. ધાર્યા સિવાયની વસ્તુઓની ઈચ્છાને તિલાંજલી અપાય છે. તેથી તેના કારણે બંધાતું પાપ અટકી જાય છે.
માત્ર જેટલી ચીજો ધારેલી હોય તેટલાની ઈચ્છા ઊભી રહે છે. તેથી તેટલી ચીજોનું પાપ તો હજુ ય ચાલુ રહે છે. સત્ત્વ કેળવીને, ધીમે ધીમે ધારેલી તે તે ચીજોની સંખ્યાનું પ્રમાણ ઘટાડતા જવું જોઈએ. તેથી પાપ ઓછું – ઓછું થતું જાય.
રોજ સવારે નિયમો ધાર્યાં પછી સાંજે તેનું ચેકીંગ કરવું જોઈએ. જેથી કોઈ નિયમનો ભંગ નથી થયો ને ? તેનો ખ્યાલ આવે. વળી જો રોજ ધાર્યા કરતાં વપરાશ ઓછો જ થતો હોય તો ધારવાનું પ્રમાણ ઘટાડવાની ઈચ્છા થાય, સત્ત્વ ફોરવાય. જે રોજ ચેકીંગ જ ન કરે તેને આવું સત્ત્વ શી રીતે સ્ફુરે ?
વળી રાત્રી માટે ફરીથી તે ચૌદ નિયમો ધારવા જોઈએ. દિવસ તથા રાત્રીની જરૂરિયાતો જુદી જુદી હોય છે. તે જરૂરિયાત પ્રમાણે ધારવામાં ફરક પડે છે, તેથી રાત્રીની જરૂરિયાતો તથા ઈચ્છાઓને અનુસાર રાત્રી માટે ફરી ૧૪ નિયમો ધારવા. સવારે તે ૧૪ નિયમોનું ફરી ચેકીંગ કરી લેવું. પછી દિવસ માટેના ૧૪ નિયમો ધારવા. આમ, રોજ સવારે તથા સાંજે ૧૪ – ૧૪ નિયમો ધારવા જોઈએ તથા તેનું ચેકીંગ પણ કરવું જોઈએ.
ચૌદ નિયમો
(૧) સચિત્ત : સચિત્ત = જીવવાળી વસ્તુઓ. તે તો શી રીતે ખવાય ? જીવોનો સંહાર શી રીતે કરાય ? તેથી શ્રાવક સચિત્ત વસ્તુઓનો ત્યાગ કરે.
પરંતુ બધાનું તેવું સત્ત્વ ન હોય. તેથી બધા શ્રાવકો તમામ સચિત્ત વસ્તુઓ ત્યાગ ન પણ કરી શકે. જો સચિત્તનો ત્યાગ ન જ થઈ શકે તો છેવટે પોતાની શક્તિ અનુસાર
૫૯ - વ્રત ધરીયે ગુરુ સાખ - ભાગ - ૨