________________
“ચિયરીબલ બ્રધર્સ”
૨૦૯ થોભો, થોભો, ભલા ભાઈ નેડ! મારી પાસે એક સરસ યોજના છે. ટિમ હવે ઘરડો થતો જાય છે; અને ભાઈ નેડ, ટિમે વફાદારીથી સેવા બજાવી છે, અને આપણે તેનાં મા-બહેનને પેન્શન બાંધી આપ્યું, તથા તેનો બિચારો ભાઈ મરી ગયો ત્યારે થોડી ઘણી મદદ કરી, એ કંઈ તેની વફાદાર સેવાઓનો પૂરતો બદલો આપ્યો ન કહેવાય.”
નહિ જ, નહિ જ વળી; અર્ધો બદલો પણ આપ્યો ન કહેવાય; અર્ધા પણ નહિ.”
તો આપણે તેના ઉપરનો કામનો બોજો જરા હળવો કરીએ, અને અવારનવાર તેને ગામડા તરફ તાજી હવામાં સૂઈ આવવા મોકલીએ,– અઠયાડિયામાં બેત્રણ વખત,– (અને સવારમાં તે એકાદ કલાક કામે મોડો ચડે તો જરૂર એ બની શકે.)- તો ટિમ લિકિનવૉટર ફરી જુવાન બનતો જાય. આપણાથી એ ત્રણ વર્ષ મોટો છે, પણ એ ફરી જુવાન બને, તો કેવી મજા આવે? અરે, એ પહેલાં નાના છોકરા જેવો હતો ત્યારે કેવો દેખાતો હતો, તે તમને યાદ આવે છે, ભાઈ?”
એ વાત યાદ લાવતાં તો બંને ભાઈઓ એવા ખડખડાટ હસી પડ્યા કે, બંનેની આંખોમાં આંસુ નીકળી આવ્યાં.
પછી ઉતાવળે નિકોલસની બંને બાજુ એક એક ખુરસી ગોઠવી દઈ, ડોસાએ એડને નિકોલસની કહાણી કહી સંભળાવી. ત્યાર પછી તે બે જણ વચ્ચે લાંબી વાતચીત ચાલી. પછી ભાઈ નેડ અને ટિમ લિંકિનવૉટર વચ્ચે પણ બાજુના કમરામાં એટલી જ લાંબી વાતચીત ચાલી. પછી ભાઈ નેડ ટિમ લિંકિનવૉટરને લઈને અંદર આવ્યા. ટિમ તરત જ નિકોલસ પાસે જઈ, તેના કાનમાં એક જ ટૂંકું વાક્ય કહી આવ્યો કે, તેણે તેનું સરનામું ઉતારી લીધું છે અને આજે સાંજે આઠ વાગ્યે તે તેને ઘેર મળવા આવશે.
પણ આટલું કહ્યા પછી, ટિમ પોતાનાં ચશમાં લૂછી, આંખો ઉપર ચડાવી, બંને ભાઈઓ તેની પોતાની બાબતમાં જે કહેવા માગતા હતા, તે સાંભળવા તૈયાર થઈને ઊભો.
નિ.-૧૪