________________
૧૩૮
નિકોલસ નિકલ્ટી “હાય, હાય, મારે આ બધું શું જોવાનું – સાંભળવાનું આવ્યું?” મિસિસ નિકલ્વીએ પાછું કલ્પાંત આદર્યું.
“જઓ મૅડમ, મેં તમારે માટે કે તમારી દીકરી માટે જે કંઈ કર્યું છે કે જે કંઈ કરવા માગું છું, તેની કશી વાત હું એ નથી લાવતો. પણ આ ઘમંડી સ્વછંદી ભામટાને તો હું મારા પૈસામાંથી એક પૈસો પણ પરખાવવાનો નથી, કે મારી રોટીમાંથી એક ટુકડો પણ તેને આપવાનો નથી, કે તેને ફાંસીને માંચડેથી બચાવવા મારી ટચલી આંગળી પણ હલાવવાનો નથી, એ સમજી રાખો. એ આળસુનો પીર બદમાશ હવે પડયો પડયો ખાવા માટે અહીં આવ્યો છે, જેથી તેની બહેનની ટૂંકી આવકમાંથી ગાબડું પાડી શકે. એટલે મારે નાછૂટકે હવે તમારી અને તમારી દીકરીની રજા લેવી પડે છે; કારણ, હું તમારી મારફતે આ ગુંડાની બદમાશીને ઉત્તેજન આપી શકું નહિ.”
“હું જાણું છું કે, તમે તો મારે માટે અને મારી દીકરી માટે કેટલું કેટલું કર્યું છે;” મિસિસ નિકલ્દી બોલી ઊઠયાં; “તમે તો આ ઘર પણ અમને રહેવા મફત કાઢી આપ્યું. પણ હવે શું થાય? મારો દીકરો એવો નીકળ્યો, એટલે તમને પણ શું કહીએ? ભલે હું અને મારી દીકરી હવે ગમે ત્યાં ગરીબ-ઘરમાં કે અનાથાશ્રમમાં જઈને પડીશું અને ભીખનો રોટલો ખાઈશું, બીજું શું?”
ઊભા રહો, ઊભા રહો,” નિકોલસ જવા માટે તત્પર થયેલા રાફ તરફ જોઈને બોલી ઊઠયો; “તમારે ચાલ્યા જવાની જરૂર નથી; હું જ અહીંથી ચાલ્યો જાઉં છું અને જ્યાં સુધી મારી કમાણી ઉપર મારી બહેનને અને માને બોલાવી નહિ જઈ શકું, ત્યાં સુધી કદી તેમને ઊમરે પણ નહિ ચડું.”
“મા, મા, તું આ શું કરવા બેઠી છે? તું ખરેખર ભાઈને ચાલ્યા જવા દેશે?” કેટ નિકોલસને વળગી પડી અને માને સંબોધીને બોલી.