________________
નિકોલસ નિકલ્ટી ' “માર ગોળી! હવે મને યાદ આવ્યું, તમે શા કામે આવ્યા છો, તે!” આમ કહી કેટ સામે સીધા જોઈ રહીને જ તેણે મૅડમને બોલાવવા ઘંટ વગાડ્યો.
મૅડમ ઑન્ટેલિની પુષ્ટ દેખાવની અને સુંદર કપડાં પહેરેલી બાઈ હતી. છ મહિના પહેલાં જ તેણે આ વાંકડિયા મૂછોવાળા સદ્ગૃહસ્થ સાથે લગ્ન કર્યા હતાં. તે ગૃહસ્થનું મૂળ નામ મેંટલ હતું.. પણ કપડાંના ધંધાને અંગ્રેજી નામ ન છાજે એમ માની, તે નામનું મેન્ટેલિની એવું વિદેશીકરણ કરી નાખવામાં આવ્યું હતું.
તે ભાઈસાહેબ અત્યાર સુધી પોતાના સુંદર થોભિયાની મૂડી ઉપર જ જેમ તેમ નભતા હતા, પણ હવે તેમાં મૂછોનો ઉમેરો કરી, તેમણે પોતાની સ્થિતિ સુધારી લીધી હતી. મૅડમ ઍન્ટેલિનીના ધંધામાં તેમનો હિસ્સો તો પૈસા ખર્ચ કરવા પૂરતો જ હતો; અને તે જ્યારે ઓછા પડે, ત્યારે દુકાનનાં બિલો લઈ જઈ તે રાફને ઓછે પૈસે વેચી આવતો.
મારા જીવન! તમે આવવામાં કેટલું બધું મોડું કર્યું? માર ગોળી! મિ. નિકલ્બીને તે આમ રાહ જોતા બેસાડી રખાય?” મિ. મૅન્ટેલિનીએ કહ્યું.
“મારા પ્રાણ ! હું જાણતી પણ નહોતી કે, મિ. નિકલ્બી અહીં પધાર્યા છે. પણ એ બધો તમારો જ વાંક છે; તમે ઘરના માણસોને અવારનવાર તતડાવતા રહો, તો તેઓ કંઈક વધુ સમજણ દાખવે.”
બસ, ત્યારે મારા પ્રેમનગર! હવે દરવાનને તો હું ચાબુકે ને ચાબુકે ફટકારીને સીધો ન કરું તો વાત! એ એવી તો ચીસો પાડશે કે જેવી શિયાળ પણ ટાઢ વાગતાં નહિ પાડતું હોય.” આટલું કહી તેમણે એક મોટો સોદો પાર પાડ્યો હોય તેમ રાજી થઈ મેડમને ચુંબન કર્યું; મૅડમે પણ લાડથી તેનો કાન આમળ્યો.