________________
વિશ્વયાત્રા ત્યાંથી એપ્રિલ ૧૯૬૯ બાદ અમેરિકા અને કેનેડામાં ઑકટોબર સુધી રહ્યા. ત્યાંથી દક્ષિણ અમેરિકાની ઘણી જગાઓએ ફર્યા જ્યાં યોગવર્ગોમાં તેમણે સમજાવ્યું કે યોગનાં આસનો કરનાર માણસ આધ્યાત્મિક ન હોય તેવું પણ બને. યોગ કંઈ ફકત માનસિક-શારીરિક વિજ્ઞાન નથી. આધ્યાત્મિકતા કેળવ્યા સિવાય યોગ ન થાય.
સ્વામીજી ત્યાંથી વેસ્ટ ઇન્ડીઝ ગયા અને સ્વામી સચ્ચિદાનંદજીને મળ્યા.
તેમના ચોપનમા જન્મદિન સુધી સ્વામીજી નવી દુનિયામાં વસ્યા. ત્યાંથી ફીજી થઈ, ન્યૂઝીલેન્ડ અને ઑસ્ટ્રેલિયા ગયા. પર્થ, એડલેઈડ, સિડની, બ્રિસબેઈન અને અન્ય સ્થળોમાં આધ્યાત્મિક સ્પંદનો પ્રસારી ત્રણ અઠવાડિયાં રહ્યા.
એડલેઈડ નજીકના સ્વામી કરુણાનંદજીના અરણ્ય નિવાસમાંનો તેમનો વસવાટ ખૂબ પ્રેરણાદાયી રહ્યો. જ્યારે ઈશ્વરાનુભૂતિવાળા મહાન આત્માઓ મળે છે ત્યારે તેમના શબ્દો અને હાવભાવ પણ ઘણું ઘણું કહી જાય છે.
નવેમ્બર માસ ફિલિપિન્સ અને હોંગ કોંગમાં ગાળી, ૨૪ નવેમ્બરે મલેશિયા આવ્યા અને ત્યાંથી ૨૨ ડિસેમ્બર, ૧૯૭૦ના રોજ પાછા હેડ કવાર્ટર્સ હૃષીકેશ આવી ગયા.
આટલા લાંબા ગાળે પાછા આવતાં બાળક જેમ માને મળવા દોડે તેમ સમાધિમંદિરમાં જઈ ગુરુદેવ પાસે શાંતિમાં થોડો સમય ગાળી પાછા જાણે એક કે બે દિવસ જ બહાર ગયા હોય તેમ કામે લાગી ગયા. લોકો તેમને સ્થિતપ્રજ્ઞ કહે તેમાં શું નવાઈ ! વિશ્વની આ બીજી યાત્રા તેમની છેલ્લી નથી રહી.