________________
સત્યની શોધમાં અમર થવાય છે'' શ્રીધરના કાનમાં ગુંજતા હતા. ૬ઠ્ઠી માર્ચ, ૧૯૪૭ના દિવસે અવર્ણનીય આનંદિત હૃદયે અને શાંત મનથી તેણે કોઈમ્બતૂરના ઘરમાંથી પગ બહાર મૂક્યા.
સ્વામી વેંકટેશાનંદ કહે છે તેમ “શ્રીધરે ન મેળવ્યું હોય એવું કંઈ મેળવવાનું બાકી ન હતું. કોઈ ત્યાગ કરવા લાયક વસ્તુનો તેને મોહ ન હતો. સંન્યાસ લેવાની તેને જરૂરત જ ક્યાં હતી ? તે કદી ગૃહસ્થી થયો જ ન હતો ! સંસારત્યાગની જરૂરત પડે તેવો તે કદી સંસારી હતો જ નહીં! તે મોહ વગરનો યોગી, ઉત્કૃષ્ટ સંન્યાસી, મહાન સંત અને તે પણ જન્મથી જ હતો.''
આ એક જન્મસિદ્ધ પુરુષ લોકસંગ્રહ માટે ઘર છોડી ચાલી નીકળ્યો.
કોઈમ્બતૂરથી તે તિરુપતિ આવ્યો. અને નામશેષ કરવા ત્યાં રોજદારીમાં કામ કર્યું. બ્રાહ્મણકુટુંબનો ગ્રેજ્યુએટ એક મજૂર બન્યો ! યાદ રહે કે સંન્યાસ દીક્ષા પહેલાં સ્વામી શિવાનંદજીએ પણ ધાલજના પોસ્ટમાસ્તરને ત્યાં રસોઈયા તરીકે કામ કરી અહંનાશની પ્રક્રિયા કરેલી. તિરુપતિથી શીરડી એક માસ રહ્યા. લાઈબ્રેરી હૉલની સફાઈ અને એવાં કામો કરવામાં કશી નાનપ ન અનુભવી ! ત્યાંથી વૃંદાવનમાં રામકૃષ્ણ મિશનમાં રહી શિવાનંદજીને ઘર અને ગૃહસ્થી જીવનના ત્યાગની વાત લખી. અગાઉ સંન્યસ્ત માટે પ્રોત્સાહિત કરનાર શિવાનંદજીએ ના કહેતાં લખ્યું કે તેણે હજુ સંસારત્યાગ કરવામાં સમય જવા દેવો. ખરેખર તો ગુરુદેવ શ્રીધરનો વૈરાગ્યભાવ ચકાસી રહ્યા હતા. શ્રીધરે ગુરુદેવના ચરણમાં સેવાનો તેનો અફર નિશ્ચય જણાવ્યો. ગુરુદેવે સ્વીકૃતિ આપી.