________________
સેવા-યાત્રા પ્રવચનની શક્તિ, હાવભાવની લાક્ષણિકતા, સત્તાસભર જ્ઞાન, વિદ્વત્તા - આ બધું તો હતું જ પણ તે સિવાય કંઈ એવું અનોખું હતું જેને લઈને શ્રોતાઓના મનમાં તેમના શબ્દો ઊંડી અસર પાડતા. સ્વામીજીએ જ એક વખત આ બાબત ચોખવટ કરેલી. તેમણે કહ્યું કે જ્યારે તે બોલવા ઊભા થાય છે ત્યારે શ્રોતાઓ સાથે ઐક્યભાવ અનુભવે છે. સભામાં બેઠેલા બધા પ્રત્યે હું પ્રેમનાં સ્પંદનો મોકલું છું. મને થાય છે કે હું તેમને મારી બધી જ શક્તિ ખર્ચીને અપાય તેટલું ન આપી દઉં ત્યાં સુધી સંતોષ નહીં થાય.
સમય, સ્થળ અને સંજોગોને અનુકૂળ તે બોલતા. ખરા સમયે ખરી વાત જ કરતા. મદ્રાસમાં બહેનોને તેમણે કહ્યું: “ધીરજને તમારા ગળાનો હાર બનાવો. પ્રેમની સાડી પહેરો. સુંદરતાની પરાકાષ્ઠા આત્મા છે. બહારથી સુંદર સજાવટની કશી જરૂરત નથી. સુંદરતાને તમે સુંદર કઈ રીતે બનાવી શકો ? બધા દિવ્ય ગુણોને તમારાં ઘરેણાં ગણો. સ્વનિયંત્રણ, ધીરજ, ઉદારતા - આવાં તમારાં સાચાં ઘરેણાં બની રહો.''
બેંગલોરમાં મિલિટરીના એન્જિનિયરો પાસે બોલતાં તેઓએ કહ્યું. ““જેટલો દુશ્મન વધુ શક્તિમાન તેટલાં વિવિધ શસ્ત્રો તમે કામે લગાડશો. આંતરિક શત્રુ સૌથી વધુ શક્તિશાળી છે. તેને વશ કરવાની રીત શોધો. વિશ્વયુદ્ધ પણ વધુમાં વધુ થોડાં વરસો ચાલે. પણ આ અજ્ઞાનરૂપી આંતરિક દુશમન, ઇચ્છા-તૃષ્ણાનો દુશ્મન ભગાડવા અનેક જન્મ લેવા પડે. સતત, જાગ્રત, ધીરજપૂર્વકની લડાઈ મનને આપવી પડે.' શ્રોતાને અનુરૂપ દષ્ટાંતો જ તે આપતા.