________________
૩. મલાયામાં અને. . . પછી. . .
મલાયામાં કુપુસ્વામી મરદાનગીભરી, જોશીલી, તેજદાર જિંદગી જીવતા. એક સેકન્ડ પણ નકામી ન ગાળતા.
રમતગમતના તેઓ શોખીન હતા. સાઈક્લિંગ તેમની સારામાં સારી કસરત હતી. તેઓ મલાયા ટ્રિબ્યુન'ના રમતગમતના ખબરપત્રી પણ હતા.
બહાર જાય ત્યારે ખિસ્સામાં પરચૂરણ રાખી રસ્તે મળતા ગરીબોને આપતા જતા. તેથી તેમને આનંદ અને શાંતિ મળતાં.
પોતાના ઘર પાસેથી કોઈ સાધુ પસાર થાય તે તેને ઘરમાં લાવી જમાડતા, કપડાં આપતા અને જ્યાં જવું હોય ત્યાંની પહેલા દરજજાની ટિકિટ લઈ આપી, બાદશાહી સત્કાર કરતા.
જ્યારે કોઈને મદદ કરે ત્યારે જાતને પૂછતા : “ “તેને માટે જેટલું કરી શકું તેટલું બધું કરી ચૂક્યો ?'' જીવનના અંત સુધી તેમની આ જ વૃત્તિ રહી.
બાળપણથી જ આધ્યાત્મિક વૃત્તિ તેમનામાં આગળ પડતી દેખાતી. તે ખૂબ વાંચન રાખતા. રામતીર્થ અને યોગી રામચરકનાં લખાણો પર વિચાર કરતા. મલાયામાં હઠયોગી કૃષ્ણાજીના સંપર્કમાં આવ્યા. હિંદ આવતા ત્યારે પણ ઘણા સંતોને મળતા.
જીવન વિશેની તેમની દષ્ટિમાં ધરમૂળનો ફેરફાર તેમની માનવજાતની સેવાની વૃત્તિ, આધ્યાત્મિક સાહિત્યનો અભ્યાસ અને ઘેર પૂજાપાઠની આદતને કારણે થયેલો. તેમનું હૃદય આમ પરિશુદ્ધ થયું અને તે અંતર્મુખી થયા.