________________
બીમારની સેવામાં એક રબર જાગીરના મિ. રૉબીન્સ પાસે ડૉ. પાર્સન્સ મોકલ્યા. ત્યાં માસિક ૧૫૦ ડૉલરથી હૉસ્પિટલ સંભાળવાની નોકરી મળી ગઈ. - ડૉ. કુપુસ્વામી પદ્ધતિસરના, મહેનતુ અને દિલ દઈને કામ કરનાર હતા. ઈસ્પિતાલ સાફ રાખવા પર તે ભાર મૂકી કહેતા કે ઇસ્પિતાલમાં સારામાં સારી દવા ચોખાઈ છે.
કુપુસ્વામીને ખાનગી કામકાજની પણ છૂટ હતી. બીજા અનેક ડૉક્ટરો હતા પણ દરદીઓ માટે સહાનુભૂતિ દાખવતા નહીં. પૈસાદાર દરદીઓ શોધતા ફરતા. કુપુસ્વામી ગરીબ દરદીઓની સેવા કરવા લાગ્યા. સલાહની પણ અન્ય ડૉકટરો ફી લેતા. કુપુસ્વામી દરદીઓને ખિસ્સાખર્ચી આપતા.
તેમના ઘરઆંગણે તુલસીક્યારો હતો. દરરોજ ત્યાં પૂજા થતી. દવા સાથે તે તુલસીપત્ર અને ચરણામૃત આપતા. દવા સાથે દુઆ ભળતી અને અસર આશ્ચર્યકારક થતી.
સેંકડો ગરીબોની સેવાની તક તેમને સાંપડી, તેમણે “મલય' ભાષા શીખી લીધી.
પહેલું વિશ્વયુદ્ધ આવ્યું. પાર્સન્સ લડાઈમાં જોડાયા. ૧૯૨૦માં પાછા આવી તે કુપુસ્વામીને જાહોરબાહરુ લઈ ગયા. શાંત કાર્યદક્ષતા, ભલી પ્રકૃતિ અને સેવાભાવને કારણે કુપુસ્વામી પંકાઈ ગયા. દવાદારૂનાં કામ સાથે લખવાનો વ્યવસાય ચાલુ જ હતો. તે M.R.I.PH, M.R.A.s. અને A.R.San. I. થયા. તેમને જલદી બઢતી મળી. સાથે સાથે ખાનગી કામકાજ પણ પુરજોશમાં ચાલતું.