________________
સમજણ (ચાલુ)
૧૯૮
કદાગ્રહ કરવો નહીં, ને કદાગ્રહ કરતા હોય તેને ધીરજથી સમજાવીને મુકાવવા ત્યારે સમજ્યાનું ફળ છે. (પૃ. ૬૯૫)
T આપને, અંતર્ગત સમજાયું છે, તે જણાવું છું, કે જે કંઇ થાય છે તે થવા દેવું, ન ઉદાસીન, ન અનુઘમી થવું; ન પરમાત્મા પ્રત્યે પણ ઇચ્છા કરવી અને ન મૂંઝાવું. કદાપિ આપ જણાવો છો તેમ અહંપણું આડું આવતું હોય તો તેનો જેટલો બને તેટલો રોધ કરવો; અને તેમ છતાં પણ તે ન ટળતું હોય તો તેને ઇશ્વરાર્પણ કરી દેવું; તથાપિ દીનપણું ન આવવા દેવું. શું થશે ? એવો વિચાર કરવો નહીં, અને જે થાય તે કર્યા રહેવું. અધિક ઝાવાં નાખવા પ્રયત્ન કરવું નહીં. અલ્પ પણ ભય રાખવો નહીં. ઉપાધિ માટે ભવિષ્યની એક પળની પણ ચિંતા કરવી નહીં; કર્યાનો જે અભ્યાસ થઇ ગયો છે, તે વિસ્મરણ કર્યા રહેવું; તો જ ઇશ્વર પ્રસન્ન થશે, અને તો જ પરમભકિત પામ્યાનું ફળ છે; તો જ અમારો તમારો સંયોગ થયો યોગ્ય છે, અને ઉપાધિ વિષે શું થાય છે તે આપણે આગળ ઉપર જોઇ લઇશું. ‘જોઇ લઇશું’ એનો અર્થ બહુ ગંભીર છે. (પૃ. ૨૭૨)
D કાયાનું નિયમિતપણું. વચનનું સ્યાદ્વાદપણું. મનનું ઔદાસીન્યપણું. આત્માનું મુક્તપણું. (આ છેલ્લી સમજણ.) (પૃ. ૭૯૪)
સમતા
– ‘ઉદાસીન’ શબ્દનો અર્થ સમપણું છે. (પૃ. ૩૪૮)
D પ્ર૦ શું વિચાર કર્યે સમભાવ આવે ?
ઉ∞ વિચારવાનને પુદ્ગલમાં તન્મયપણું, તાદાત્મ્યપણું થતું નથી. અજ્ઞાની પૌદ્ગલિક સંયોગના હર્ષનો પત્ર વાંચે તો તેનું મોઢું ખુશીમાં દેખાય, અને ભયનો કાગળ આવે તો ઉદાસ થઇ જાય. સર્પ દેખી આત્મવૃત્તિમાં ભયનો હેતુ થાય ત્યારે તાદાત્મ્યપણું કહેવાય. તન્મયપણું થાય તેને જ હર્ષ, શોક થાય છે. નિમિત્ત છે તે તેનું કાર્ય કર્યા વગર રહે નહીં. (પૃ. ૬૮૮)
અજ્ઞાનથી અને સ્વસ્વરૂપ પ્રત્યેના પ્રમાદથી આત્માને માત્ર મૃત્યુની ભ્રાંતિ છે. તે જ ભ્રાંતિ નિવૃત્ત કરી શુદ્ધ ચૈતન્ય નિજઅનુભવપ્રમાણસ્વરૂપમાં પરમ જાગૃત થઇ જ્ઞાની સદાય નિર્ભય છે. એ જ સ્વરૂપના લક્ષથી સર્વ જીવ પ્રત્યે સામ્યભાવ ઉત્પન્ન થાય છે. (પૃ. ૬૨૧)
મન, વચન અને કાયા વ્યવહારસમતામાં સ્થિર રહે તે સમકિત નહીં. જેમ ઊંધમાં સ્થિર યોગ માલૂમ પડે છે છતાં તે વસ્તુતઃ સ્થિર નથી; અને તેટલા માટે તે સમતા પણ નથી. (પૃ. ૭૧૮)
સારો સમાગમ, સારી રીતભાત હોય ત્યાં સમતા આવે. સમતાની વિચારણા અર્થે બે ઘડીનું સામાયિક કરવું કહ્યું છે. (પૃ. ૭૦૩)
સસરા વહુના દૃષ્ટાંતે (સસરા ક્યાં ગયા છે ? ઢેઢવાડે.) સામાયિક સમતાને કહેવાય. (પૃ. ૭૨૯) અમુક પરિગ્રહ મર્યાદા કરી હોય, જેમ કે દશ હજાર રૂપિયાની તો સમતા આવે. (પૃ. ૭૨૭)
7 કંટાળાનું કારણ આપણું ઉપાર્જન કરેલું પ્રારબ્ધ છે, જે ભોગવ્યા વિના નિવૃત્ત થાય નહીં, અને તે સમતાએ કરી ભોગવવું યોગ્ય છે. માટે મનનો કંટાળો જેમ બને તેમ શમાવવો અને ઉપાર્જન કર્યાં ન હોય એવાં કર્મ ભોગવવામાં આવે નહીં, એમ જાણી બીજા કોઇના પ્રત્યે દોષવૃષ્ટિ કર્યાની વૃત્તિ જેમ બને તેમ શમાવી સમતાએ વર્તવું એ યોગ્ય લાગે છે, અને એ જ જીવને કર્તવ્ય છે. (પૃ. ૩૨૪)