________________
૫૩
સત્ (ચાલુ)
રાખવું કલ્યાણકારક છે. (પૃ. ૨૮૨)
I_ સત્સંગ(સમવયી પુરુષોનો, સમગુણી પુરુષોનો યોગ)માં, સત્નો જેને સાક્ષાત્કાર છે એવા પુરુષનાં વચનોનું પરિચર્યન કરવું કે જેમાંથી કાળે કરીને સત્ની પ્રાપ્તિ થાય છે. (પૃ. ૨૬૧)
D ‘સત્' એ કંઇ દૂર નથી, પણ દૂર લાગે છે, અને એ જ જીવનો મોહ છે.
‘સત્' જે કંઇ છે, તે ‘સત્' જ છે; સરળ છે; સુગમ છે; અને સર્વત્ર તેની પ્રાપ્તિ હોય છે; પણ જેને ભ્રાંતિરૂપ આવરણતમ વર્તે છે તે પ્રાણીને તેની પ્રાપ્તિ કેમ હોય ? અંધકારના ગમે તેટલા પ્રકાર કરીએ, પણ તેમાં કોઇ એવો પ્રકાર નહીં આવે કે જે અજવાળારૂપ હોય; તેમ જ આવરણ-તિમિર જેને છે એવાં પ્રાણીની કલ્પનામાંની કોઇ પણ કલ્પના ‘સત્’ જણાતી નથી, અને ‘સત્’ની નજીક સંભવતી નથી. ‘સત્' છે, તે ભ્રાંતિ નથી, ભ્રાંતિથી કેવળ વ્યતિરિક્ત (જુદું) છે; કલ્પનાથી ‘૫૨’ (આધે) છે; માટે જેની પ્રાપ્ત કરવાની દૃઢ મતિ થઇ છે, તેણે પોતે કંઇ જ જાણતો નથી એવો દૃઢ નિશ્ચયવાળો પ્રથમ વિચાર કરવો, અને પછી ‘સત્'ની પ્રાપ્તિ માટે જ્ઞાનીને શરણે જવું; તો જરૂર માર્ગની પ્રાપ્તિ
થાય.
આ જે વચનો લખ્યાં છે, તે સર્વ મુમુક્ષુને ૫૨મ બંધવરૂપ છે, પરમ રક્ષકરૂપ છે; અને એને સમ્યક્ પ્રકારે વિચાર્યેથી પરમપદને આપે એવાં છે; એમાં નિગ્રંથ પ્રવચનની સમસ્ત દ્વાદશાંગી, ષર્શનનું સર્વોત્તમ તત્ત્વ અને જ્ઞાનીના બોધનું બીજ સંક્ષેપે કહ્યું છે; માટે ફરી ફરીને તેને સંભારજો; વિચારજો; સમજ્જો; સમજવા પ્રયત્ન કરજો; એને બાધ કરે એવા બીજા પ્રકારોમાં ઉદાસીન રહેજો; એમાં જ વૃત્તિનો લય કરજો. એ તમને અને કોઇ પણ મુમુક્ષુને ગુપ્ત રીતે કહેવાનો અમારો મંત્ર છે; એમાં ‘સત્' જ કહ્યું છે; એ સમજવા માટે ઘણો જ વખત ગાળજો. (પૃ. ૨૬૭-૮)
D અનાદિકાળના પરિભ્રમણમાં અનંતવાર શાસ્ત્રશ્રવણ, અનંતવાર વિદ્યાભ્યાસ, અનંતવાર જિનદીક્ષા, અનંતવાર આચાર્યપણું પ્રાપ્ત થયું છે. માત્ર, ‘સત્' મળ્યા નથી, ‘સત્' સુણ્યું નથી, અને ‘સત્' શ્રધ્યું નથી, અને એ મળ્યે, એ સુણ્યે, અને એ ધ્યે જ છૂટવાની વાર્તાનો આત્માથી ભણકાર થશે. (પૃ. ૨૪૬)
ગમે તે ક્રિયા, જપ, તપ કે શાસ્ત્રવાંચન કરીને પણ એક જ કાર્ય સિદ્ધ કરવાનું છે; તે એ કે જગતની વિસ્મૃતિ કરવી અને સત્તા ચરણમાં રહેવું. અને એ એક જ લક્ષ ઉપર પ્રવૃત્તિ કરવાથી જીવને પોતાને શું કરવું યોગ્ય છે, અને શું કરવું અયોગ્ય છે તે સમજાય છે, સમજાતું જાય છે.
એ લક્ષ આગળ થયા વિના જપ, તપ, ધ્યાન કે દાન કોઇની યથાયોગ્ય સિદ્ધિ નથી, અને ત્યાં સુધી ધ્યાનાદિક નહીં જેવાં કામનાં છે. માટે એમાંથી જે જે સાધનો થઇ શકતાં હોય તે બધાં એક લક્ષ થવાને અર્થે કરવાં કે જે લક્ષ અમે ઉપર જણાવ્યો છે. જપતપાદિક કંઇ નિષેધવા યોગ્ય નથી; તથાપિ તે બધાં એક લક્ષને અર્થે છે, અને એ લક્ષ વિના જીવને સમ્યક્ત્વસિદ્ધિ થતી નથી.
વધારે શું કહીએ ? ઉપર જણાવ્યું છે તેટલું જ સમજવાને માટે સઘળાં શાસ્ત્રો પ્રતિપાદિત થયાં છે. (પૃ. ૩૦૬)
D મહાત્માઓએ ગમે તે નામે અને ગમે તે આકારે એક ‘સત્'ને જ પ્રકાશ્યું છે. તેનું જ જ્ઞાન કરવા યોગ્ય છે. તે જ પ્રતીત કરવા યોગ્ય છે, તે જ અનુભવરૂપ છે. અને તે જ પરમ પ્રેમે ભજવા યોગ્ય છે. તે ‘પરમસત્’ની જ અમો અનન્ય પ્રેમે અવિચ્છિન્ન ભક્તિ ઇચ્છીએ છીએ.