SearchBrowseAboutContactDonate
Page Preview
Page 434
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૭ ભાવના, અનિત્ય (ચાલુ) સમસ્ત પરિગ્રહનો સંબંધ તમારાથી જરૂર વિખૂટો પડશે. અલ્પ જીવવાના નિમિત્તે, નરક, તિર્યંચ ગતિના અનંતકાળ પર્યંત અનંત દુ:ખના સંતાન ન ગ્રહણ કરો. એના સ્વામીપણાનું અભિમાન કરી અનેક ચાલ્યાં ગયાં, અને અનેક પ્રત્યક્ષ ચાલ્યાં જતાં જુઓ છો, માટે હવે તો મમતા છોડી, અન્યાયનો પરિહાર કરી, પોતાના આત્માના કલ્યાણ થવાના કાર્યમાં પ્રવર્તન કરો. ભાઇ, મિત્ર, પુત્ર, કુટુંબાદિક સાથે વસવું, તે જેમ ગ્રીષ્મૠતુમાં ચાર માર્ગની વચમાં એક વૃક્ષની છાયા નીચે અનેક દેશના વટેમાર્ગુ વિશ્રામ લઇ પોતપોતાને ઠેકાણે જાય છે, તેમ કુળરૂપ વૃક્ષની છાયામાં રોકાયેલ, કર્મને અનુકૂળ અનેક ગતિમાં ચાલ્યા જાય છે. જેનાથી પોતાની પ્રીતિ માનો છો તે પણ દરેક મતલબના છે. આંખના રાગ જેમ, ક્ષણ માત્રમાં પ્રીતનો રાગ નાશ પામે છે. જેમ એક વૃક્ષ વિષે પક્ષી પૂર્વે સંકેત કર્યા વિના જ આવી વસે છે, તેમ કુટુંબના માણસો સંકેત કર્યા વિના કર્મને વશ ભેળા થઇ વીખરે છે. એ સમસ્ત ધન, સંપદા, આજ્ઞા, ઐશ્વર્ય, રાજ્ય, ઇન્દ્રિયોના વિષયોની સામગ્રી જોતજોતામાં અવશ્ય વિયોગને પ્રાપ્ત થશે. જુવાની મધ્યાહ્નની છાયાની પેઠે ઢળી જશે, સ્થિર નહીં રહેશે. ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્રાદિક તો અસ્ત થઇ પાછા ઊગે છે, અને હેમંત વસંતાદિક ઋતુઓ પણ જઇ જઇ પાછી આવે છે, પરંતુ ગયેલ ઇન્દ્રિયો, યૌવન, આયુ, કાયાદિક પાછાં નથી આવતાં, જેમ પર્વતથી પડતી નદીના તરંગ રોકાયા વિના ચાલ્યા જાય છે, તેમ આયુષ્ય ક્ષણક્ષણમાં રોકાયા વિના વ્યતીત થાય છે. જે દેહને આધીન જીવવું છે, તે દેહને જર્જરિત કરનારું ઘડપણ સમય સમય આવે છે. ઘડપણ કેવું છે કે જુવાનીરૂપ વૃક્ષને દગ્ધ કરવાને દાવાગ્નિ સમાન છે. તે ભાગ્યરૂપ પુષ્પો(મોર)ને નાશ કરનાર ધૂમસની વૃષ્ટિ છે. સ્ત્રીની પ્રીતિરૂપ હરણને વ્યાઘ્ર સમાન છે. જ્ઞાનનેત્રને અંધ કરવા માટે ધૂળની વૃષ્ટિ સમાન છે. તપરૂપ કમળના વનને હિમ સમાન છે. દીનતા ઉત્પન્ન કરવાની માતા છે. તિરસ્કાર વધા૨વા માટે ધાઇ સમાન છે. ઉત્સાહ ઘટાડવાને તિરસ્કાર જેવી છે. રૂપધનને ચોરવાવાળી છે. બળને નાશ કરવાવાળી છે. જંઘાબળ બગાડનારી છે. આળસને વધારનારી છે. સ્મૃતિનો નાશ કરનારી આ વૃદ્ધાવસ્થા છે. મોતનો મેળાપ કરાવનારી દૂતી એવી વૃદ્ધાવસ્થાને પ્રાપ્ત થવાથી પોતાના આત્મહિતનું વિસ્મરણ કરી, સ્થિર થઇ રહ્યા છો તે મોટો અનર્થ છે. વારંવાર મનુષ્યજન્માદિક સામગ્રી નહીં મળે. જે જે નેત્રાદિક ઇન્દ્રિયોનું તેજ છે તે ક્ષણક્ષણમાં નાશ થાય છે. સમસ્ત સંયોગ વિયોગરૂપ જાણો. એ ઇન્દ્રિયોના વિષયમાં રાગ કરી, કોણ કોણ નાશ નથી થયા ? આ બધા વિષયો પણ નાશ પામી જશે, અને ઇન્દ્રિયો પણ નાશ થઇ જવાની. કોને અર્થે આત્મહિત છોડી ઘોર પાપરૂપ માઠું ધ્યાન કરો છો ? વિષયોમાં રાગ કરી વધારે વધારે લીન થઇ રહ્યા છો ? બધા વિષયો તમારા હૃદયમાં તીવ્ર બળતરા ઉપજાવી વિનાશ પામશે. આ શરીરને રોગે કરીને હમેશાં વ્યાપ્ત જાણ. જીવને મરણથી ઘેરાયેલો જાણ. ઐશ્વર્ય વિનાશની સન્મુખ જાણ. આ સંયોગ છે તેનો નિયમથી વિયોગ થશે. આ સમસ્ત વિષયો છે તે આત્માના સ્વરૂપને ભુલાવવાવાળા છે. એમાં રાચી ત્રણલોક નાશ થઇ ગયું છે. જે વિષયોના સેવવાથી સુખ ઇચ્છવું છે, તે જીવવાને અર્થે વિષ પીવું છે. શીતળ થવાને માટે અગ્નિમાં પ્રવેશ કરવા બરાબર છે. મીઠાં ભોજનને માટે ઝેરના વૃક્ષને પાણી પાવું છે. વિષય મહામોહ મદને ઉપજાવનાર છે, એનો રાગ છોડી આત્માનું કલ્યાણ ક૨વા યત્ન કરો. અચાનક મરણ આવશે, પછી મનુષ્યજન્મ તેમ જ જિનેન્દ્રનો ધર્મ ગયા પછી મળવો અનંતકાળમાં દુર્લભ છે. જેમ નદીનો પ્રવાહ નિરંતર ચાલ્યો જાય છે, ફરી નહીં આવે, તેમ આયુષ્ય, કાયા, રૂપ, બળ, લાવણ્ય અને ઈન્દ્રિયશક્તિ ગયા પછી પાછાં નહીં આવે.
SR No.005966
Book TitleShrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Original Sutra AuthorN/A
AuthorSaroj Jaysinh
PublisherShrimad Rajchandra Swadhyay Mandir
Publication Year2000
Total Pages882
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy