SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૧ ત્યાગ (ચાલુ) તેમજ તે ગુણની હાનિવૃદ્ધિરૂપ ફેરફાર તે પણ પર્યાય છે. તેના વિચારથી પ્રતીતિ અને પ્રતીતિથી ત્યાગ અને ત્યાગથી જ્ઞાન થાય છે. (પૃ. ૭૫૫) E ‘માથે રાજા વર્તે છે' એટલા વાકયના ઇહાપોહ(વિચાર)થી ગર્ભશ્રીમંત એવા શ્રી શાળિભદ્ર તે કાળથી સ્ત્રી આદિ પરિચયને ત્યાગવારૂપ પ્રારંભ ભજતા હવા. ‘નિત્ય પ્રત્યે એકેક સ્ત્રીને ત્યાગી અનુક્રમે બત્રીશ સ્ત્રીઓને ત્યાગવા ઇચ્છે છે, એવો બત્રીશ દિવસ સુધીનો કાળપારધીનો ભરૂસો શ્રી શાળિભદ્ર કરે છે, એ મોટું આશ્ચર્ય છે' એમ શ્રી ધનાભદ્રથી સ્વાભાવિક વૈરાગ્યવચન ઉદ્ભવ થતાં હવાં. ‘તમે એમ કહો છો તે જોકે મને માન્ય છે, તથાપિ તે પ્રકારે આપ પણ ત્યાગવાને દુર્લભ છો' એવાં સહજ વચન તે ધનાભદ્ર પ્રત્યે શાળિભદ્રની બહેન અને તે ધનાભદ્રની પત્ની કહેતી હવી. જે સાંભળી કોઇ પ્રકારના ચિત્તકલેશ પરિણમવ્યા વગર તે શ્રી ધનાભદ્ર તે જ સમયે ત્યાગને ભજતા હવા, અને શ્રી શાળિભદ્ર પ્રત્યે કહેતા હવા કે તમે શા વિચારે કાળના વિશ્વાસને ભજો છો ? તે શ્રવણ કરી, જેનું ચિત્ત આત્મારૂપ છે એવા તે શ્રી શાળિભદ્ર અને ધનાભદ્ર ‘જાણે કોઇ દિવસે કંઇ પોતાનું કર્યું નથી' એવા પ્રકારથી ગૃહાદિ ત્યાગ કરી ચાલ્યા જતા હવા. આવા સત્પુરુષના વૈરાગ્યને સાંભળ્યા છતાં આ જીવ ઘણા વર્ષના આગ્રહે કાળનો વિશ્વાસ કરે છે, તે કિયા બળે કરતો હશે ? તે વિચારી જોવા યોગ્ય છે. (પૃ. ૩૮૮) કોઇ પણ પૂર્વે પરમાર્થમાર્ગને આરાધીને અત્રે મનુષ્યપણું પામ્યા હોય, તેને નાની વયથી જ ત્યાગવૈરાગ્ય તીવ્રપણે ઉદયમાં આવે છે, તેવા મનુષ્યને સંતાનની ઉત્પત્તિ થયા પછી ત્યાગ કરવાનો ઉપદેશ કરવો, અથવા આશ્રમના અનુક્રમમાં મૂકવા તે યથાર્થ દેખાતું નથી, કેમકે મનુષ્યદેહ તો બાહ્ય દૃષ્ટિથી અથવા અપેક્ષાપણે મોક્ષસાધનરૂપ છે, અને યથાર્થ ત્યાગવૈરાગ્ય તો મૂળપણે મોક્ષસાધનરૂપ છે, અને તેવાં કારણો પ્રાપ્ત કરવાથી મનુષ્યદેહનું મોક્ષસાધનપણું ઠરતું હતું, તે કારણો પ્રાપ્ત થયે તે દેહથી ભોગાદિમાં પડવાનું કહેવું, એ મનુષ્યદેહને મોક્ષસાધનરૂપ ક૨વા બરાબર કહેવાય કે સંસારસાધનરૂપ કરવા બરાબર કહેવાય, તે વિચારવા યોગ્ય છે. વેદોકત માર્ગમાં ચાર આશ્રમ બાંધ્યા છે તે એકાંતે નથી. વામદેવ, શુકદેવ, જડભરતજી એ આદિ આશ્રમના ક્રમ વગર ત્યાગપણે વિચર્યા છે. જેઓથી તેમ થવું અશકય હોય, તેઓ પરિણામે યથાર્થ ત્યાગ કરવાનો લક્ષ રાખી આશ્રમપૂર્વક પ્રવર્તે તો તે સામાન્ય રીતે ઠીક છે, એમ કહી શકાય. આયુષ્યનું એવું ક્ષણભંગુરપણું છે કે, તેવો ક્રમ પણ વિરલાને જ પ્રાપ્ત થવાનો વખત આવે. કદાપિ તેવું આયુષ્ય પ્રાપ્ત થયું હોય તોપણ તેવી વૃત્તિએ એટલે પરિણામે યથાર્થ ત્યાગ થાય એવો લક્ષ રાખીને પ્રવર્તવાનું કોઇકથી જ બને તેવું છે. જિનોક્ત માર્ગનો પણ એવો એકાંત સિદ્ધાંત નથી કે ગમે તે વયમાં ગમે તેવે માણસે ત્યાગ કરવો. તથારૂપ સત્સંગ, સદ્ગુરુનો યોગ થયે, તે આશ્રયે કોઇ પૂર્વના સંસ્કારવાળો એટલે વિશેષ વૈરાગ્યવાન પુરુષ ગૃહસ્થાશ્રમ પામ્યા પહેલાં ત્યાગ કરે તો તેણે યોગ્ય કર્યું છે, એમ જિનસિદ્ધાંત પ્રાયે કહે છે; કેમકે અપૂર્વ એવાં સાધનો પ્રાપ્ત થયે ભોગાદિ ભોગવવાના વિચારમાં પડવું, અને તેની પ્રાપ્તિ અર્થે પ્રયત્ન કરી પોતાનું પ્રાપ્ત આત્મસાધન ગુમાવવા જેવું કરવું, અને પોતાથી સંતતિ થશે તે મનુષ્યદેહ પામશે તે મોક્ષ સાધનરૂપ થશે, એવી મનોરથમાત્ર કલ્પનામાં પડવું તે મનુષ્યપણાનું ઉત્તમપણું ટાળીને પશુવત્ કરવા જેવું થાય.
SR No.005966
Book TitleShrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Original Sutra AuthorN/A
AuthorSaroj Jaysinh
PublisherShrimad Rajchandra Swadhyay Mandir
Publication Year2000
Total Pages882
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy