________________
જ્ઞાનીનું સ્વરૂપ
૨૪૫
અનુભવસહિતપણું હોવાથી આત્માને સતત જાગૃત કરનાર હોય છે. શુષ્કજ્ઞાનીની વાણીમાં તથારૂપ ગુણો હોતા નથી; સર્વથી ઉત્કૃષ્ટ ગુણ જે પૂર્વાપર અવિરોધપણું તે શુષ્કજ્ઞાનીની વાણીને વિષે વર્તવા જે યોગ્ય નથી, કેમકે યથાસ્થિત પદાર્થદર્શન તેને હોતું નથી; અને તેથી ઠામઠામ કલ્પનાથી યુકત તેની વાણી હોય છે.
એ આદિ નાના પ્રકારના ભેદથી જ્ઞાની અને શુષ્કજ્ઞાનીની વાણીનું ઓળખાણ ઉત્કૃષ્ટ મુમુક્ષુને થવા યોગ્ય છે. જ્ઞાનીપુરુષને તો સહજસ્વભાવે તેનું ઓળખાણ છે, કેમકે પોતે ભાનસહિત છે, અને ભાનસહિત પુરુષ વિના આ પ્રકારનો આશય ઉપદેશી શકાય નહીં, એમ સહેજે તે જાણે છે.
અજ્ઞાન અને જ્ઞાનનો ભેદ જેને સમજાયો છે, તેને અજ્ઞાની અને જ્ઞાનીનો ભેદ સહેજે સમજાવા યોગ્ય છે. અજ્ઞાન પ્રત્યેનો જેનો મોહ વિરામ પામ્યો છે, એવા જ્ઞાનીપુરુષને શુષ્કજ્ઞાનીનાં વચન ભ્રાંતિ કેમ કરી શકે ? બાકી સામાન્ય જીવોને અથવા મંદદશા અને મધ્યમદશાના મુમુક્ષુને શુષ્કજ્ઞાનીનાં વચનો સાદૃશ્યપણે જોવામાં આવ્યાથી બન્ને જ્ઞાનીનાં વચનો છે એમ ભ્રાંતિ થવાનો સંભવ છે. ઉત્કૃષ્ટ મુમુક્ષુને ઘણું કરીને તેવી ભ્રાંતિનો સંભવ નથી, કેમકે જ્ઞાનીનાં વચનોની પરીક્ષાનું બળ તેને વિશેષપણે સ્થિર થયું છે.
પૂર્વકાળે જ્ઞાની થઇ ગયા હોય, અને માત્ર તેની મુખવાણી રહી હોય તોપણ વર્તમાનકાળે જ્ઞાનીપુરુષ એમ જાણી શકે કે આ વાણી જ્ઞાનીપુરુષની છે; કેમકે રાત્રિદિવસના ભેદની પેઠે અજ્ઞાની જ્ઞાનીની વાણીને વિષે આશય ભેદ હોય છે, અને આત્મદશાના તારતમ્ય પ્રમાણે આશયવાળી વાણી નીકળે છે. તે
આશય, વાણી પરથી ‘વર્તમાન જ્ઞાનીપુરુષ'ને સ્વાભાવિક દૃષ્ટિગત થાય છે. અને કહેનાર પુરુષની દશાનું તારતમ્ય લક્ષગત થાય છે. અત્રે જે ‘વર્તમાન જ્ઞાની' શબ્દ લખ્યો છે, તે કોઇ વિશેષ પ્રજ્ઞાવંત, પ્રગટ બોધબીજસહિત પુરુષ શબ્દના અર્થમાં લખ્યો છે. જ્ઞાનીનાં વચનોની પરીક્ષા સર્વ જીવને સુલભ હોત તો નિર્વાણ પણ સુલભ જ હોત. (પૃ. ૪૯૬)
E સંબંધિત શિર્ષકો : જ્ઞાનીનાં વચન, વચન, વીતરાગવચન, સત્પુરુષનાં વચન
જ્ઞાનીનું સ્વરૂપ
પ્રમાદને તીર્થંકરદેવ કર્મ કહે છે, અને અપ્રમાદને તેથી બીજું એટલે અકર્મરૂપ એવું આત્મસ્વરૂપ કહે છે. તેવા ભેદના પ્રકારથી અજ્ઞાની અને જ્ઞાનીનું સ્વરૂપ છે ; (કહ્યું છે). (પૃ. ૩૯૧)
સ્પષ્ટ પ્રીતિથી સંસાર કરવાની ઇચ્છા થતી હોય તો સમજવું કે જ્ઞાનીપુરુષને જોયા નથી. જે પ્રકારે પ્રથમ સંસારમાં રસસહિત વર્તતો હોય તે પ્રકારે, જ્ઞાનીનો યોગ થયા પછી વર્તે નહીં એ જ જ્ઞાનીનું સ્વરૂપ.
જ્ઞાનીને જ્ઞાનવૃષ્ટિથી, અંતર્દ્રષ્ટિથી જોયા પછી સ્ત્રી જોઇને રાગ ઉત્પન્ન થાય નહીં; કારણ કે જ્ઞાનીનું સ્વરૂપ વિષયસુખકલ્પનાથી જુદું છે. અનંત સુખ જાણ્યું હોય તેને રાગ થાય નહીં; અને જેને રાગ થાય નહીં તેણે જ જ્ઞાનીને જોયા, અને તેણે જ જ્ઞાનીપુરુષનાં દર્શન કર્યા. (પૃ. ૬૯૧)
કોઇ પણ પ્રકારે પોતે કંઇ મનમાં સંકલ્પ્ય હોય કે આવી દશામાં આવીએ અથવા આવા પ્રકારનું ધ્યાન કરીએ, તો સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય, તો તે સંકલ્પેલું પ્રાયે (જ્ઞાનીનું સ્વરૂપ સમજાયે) ખોટું છે, એમ જણાય છે. (પૃ. ૩૧૭)
E સંબંધિત શિર્ષક : સ્વરૂપ