________________
જ્ઞાની (ચાલુ)
૨૩૪
જ્ઞાનીને વચમાં સાક્ષી છે. જ્ઞાનજાગૃતિ હોય તો જ્ઞાનના વેગે કરી, જે જે નિમિત્ત મળે તેને પાછું વાળી શકે. (પૃ. ૬૮૮)
તે (દેહાત્મબુદ્ધિ) ન મટે તો સાધુપણું, શ્રાવકપણું, શાસ્ત્રશ્રવણ કે ઉપદેશ તે વગડામાં પોક મૂક્યા જેવું છે. જેને એ ભ્રમ ગયો છે,તે જ સાધુ, તે જ આચાર્ય, તે જ જ્ઞાની. જેમ અમૃતભોજન જમે તે કાંઇ છાનું રહે નહીં, તેમ ભ્રાંતિ, ભ્રમબુદ્ધિ મટે તે કાંઇ છાનું રહે નહીં. (પૃ. ૭૩૨)
જ્ઞાનીઓએ માનેલું છે કે આ દેહ પોતાનો નથી; તે રહેવાનો પણ નથી; જ્યારે ત્યારે પણ તેનો વિયોગ થવાનો છે. એ ભેદવિજ્ઞાનને લઇને હમેશાં નગારાં વાગતાં હોય તેવી રીતે તેના કાને પડે છે, અને અજ્ઞાનીના કાન બહેરા હોય છે એટલે તે જાણતો નથી.
જ્ઞાની દેહ જવાનો છે એમ સમજી તેનો વિયોગ થાય તેમાં ખેદ કરતા નથી. પણ જેવી રીતે કોઇની વસ્તુ લીધી હોય ને તેને પાછી આપવી પડે તેમ દેહને ઉલ્લાસથી પાછો સોંપે છે; અર્થાત્ દેહમાં પરિણમતા નથી.
દેહ અને આત્માનો ભેદ પાડવો તે ‘ભેદજ્ઞાન'; જ્ઞાનીનો તે જાપ છે. તે જાપથી દેહ અને આત્મા જુદા પાડી શકે છે. તે ભેદવજ્ઞાન થવા માટે મહાત્માઓએ સકળ શાસ્ત્રો રચ્યાં છે. જેમ તેજાબથી સોનું તથા કથીર જુદાં પડે છે, તેમ જ્ઞાનીના ભેદવજ્ઞાનના જાપરૂપ તેજાબથી સ્વાભાવિક આત્મદ્રવ્ય અગુરુલઘુ સ્વભાવવાળું હોઇને પ્રયોગી દ્રવ્યથી જુદું પડી સ્વધર્મમાં આવે છે.
આવા પ્રસંગે (વેદનીય કર્મના ઉદયમાં) જેમને ભેદજ્ઞાન સંપૂર્ણ થયું છે એવા જ્ઞાનીઓને અશાતાવેદની વેદતાં નિર્જરા થાય છે, ને ત્યાં જ્ઞાનીની કસોટી થાય છે. એટલે બીજાં દર્શનોવાળા ત્યાં તે પ્રમાણે ટકી શકતા નથી, ને જ્ઞાની એવી રીતે માનીને ટકી શકે છે. (પૃ. ૭૭૩)
જ્ઞાનીપુરુષને પણ શ્રી જિને નિજજ્ઞાનના પરિચય–પુરુષાર્થને વખાણ્યો છે; તેને પણ પ્રમાદ કર્તવ્ય નથી, અથવા પરભાવનો પરિચય કરવા યોગ્ય નથી, કેમકે કોઇ અંશે પણ આત્મધારાને તે પ્રતિબંધરૂપ કહેવા યોગ્ય છે.
જ્ઞાનીને પ્રમાદબુદ્ધિ સંભવતી નથી, એમ જોકે સામાન્ય પદે શ્રી જિનાદિ મહાત્માઓએ કહ્યું છે, તોપણ તે પદ ચોથે ગુણઠાણેથી સંભવિત ગણ્યું નથી; આગળ જતાં સંભવિત ગણ્યું છે. (પૃ. ૪૨૧)
પ્રમાદથી યોગ ઉત્પન્ન થાય છે. અજ્ઞાનીને પ્રમાદ છે. યોગથી અજ્ઞાન ઉત્પન્ન થતું હોય તો જ્ઞાનીને વિષે પણ સંભવે, માટે જ્ઞાનીને યોગ હોય પણ પ્રમાદ હોય નહીં. (પૃ. ૬૯૫)
D ખરા જ્ઞાની છે તે સિવાયને તો અબ્રહ્મચર્ય વશ ન થવાય એમ કહેવામાત્ર છે. (પૃ. ૬૮૫)
જ્ઞાનીપુરુષને નવ વાડ વિશુદ્ધ બ્રહ્મચર્યદશા વર્તે ત્યારથી જે સંયમસુખ પ્રગટે છે તે અવર્ણનીય છે. ઉપદેશમાર્ગ પણ તે સુખ પ્રગટયે પ્રરૂપવા યોગ્ય છે. (પૃ. ૪૬૬)
જ્ઞાનીપુરુષોને સમયે સમયે અનંતા સંયમપરિણામ વર્ધમાન થાય છે, એમ સર્વજ્ઞે કહ્યું છે, તે સત્ય છે. તે સંયમ, વિચારની તીક્ષ્ણ પરિણતિથી, બ્રહ્મરસ પ્રત્યે સ્થિ૨૫ણાથી ઉત્પન્ન થાય છે. (પૃ. ૪૩૮, ૭૯૯)
જે પુરુષની જ્ઞાનદશા સ્થિર રહેવા યોગ્ય છે, એવા જ્ઞાનીપુરુષને પણ સંસારપ્રસંગનો ઉદય હોય તો જાગૃતપણે પ્રવર્તવું ઘટે છે, એમ વીતરાગે કહ્યું છે, તે અન્યથા નથી. (પૃ. ૪૭૨)