________________
જ્ઞાની (ચાલુ)
૨૩૦
બીજા પદાર્થમાં જીવ જો નિજબુદ્ધિ કરે તો પરિભ્રમણદશા પામે છે; અને નિજને વિષે નિજબુદ્ધિ થાય તો પરિભ્રમણદશા ટળે છે. જેના ચિત્તમાં એવો માર્ગ વિચા૨વો અવશ્યનો છે, તેણે તે જ્ઞાન જેના આત્મામાં પ્રકાશ પામ્યું છે, તેની દાસાનુદાસપણે અનન્ય ભક્તિ કરવી, એ પરમ શ્રેય છે; અને તે દાસાનુદાસ ભક્તિમાનની ભક્તિ પ્રાપ્ત થયું જેમાં કંઇ વિષમતા આવતી નથી, તે જ્ઞાનીને ધન્ય છે. તેટલી સર્વાંશદશા જ્યાં સુધી પ્રગટી ન હોય ત્યાં સુધી આત્માને કોઇ ગુરુપણે આરાધે ત્યાં પ્રથમ તે ગુરુપણું છોડી તે શિષ્ય વિષે પોતાનું દાસાનુદાસપણું ક૨વું ઘટે છે. (પૃ. ૪૩૬)
જ્ઞાનીના સર્વ વ્યવહાર ૫૨માર્થમૂળ હોય છે, તોપણ જે દિવસે ઉદય પણ આત્માકાર વર્તશે તે દિવસને ધન્ય છે. (પૃ. ૪૯૨)
જ્ઞાનીઓ અંતરંગ ખેદ અને હર્ષથી રહિત હોય છે. (પૃ. ૧૫૭)
જ્ઞાનીપુરુષો ત્રિકાળની વાત જાણતાં છતાં પ્રગટ કરતા નથી, એમ આપે પૂછ્યું; તે સંબંધમાં એમ જણાય છે કે ઇશ્વરી ઇચ્છા જ એવી છે કે અમુક પારમાર્થિક વાત સિવાય જ્ઞાની બીજી ત્રિકાળિક વાત પ્રસિદ્ધ ન કરે; અને જ્ઞાનીની પણ અંતઇચ્છા તેવી જ જણાય છે. જેની કોઇ પણ પ્રકારની આકાંક્ષા નથી, એવા જ્ઞાનીપુરુષને કંઇ કર્તવ્યરૂપ નહીં હોવાથી જે કંઇ ઉદયમાં આવે તેટલું જ કરે છે. (પૃ. ૨૭૦)
D જે વાસ્તવ્ય જ્ઞાનીને ઓળખે છે, તે ધ્યાનાદિને ઇચ્છે નહીં, એવો અમારો અંતરંગ અભિપ્રાય વર્તે છે. માત્ર જ્ઞાનીને ઇચ્છે છે, ઓળખે છે અને ભજે છે, તે જ તેવો થાય છે. (પૃ. ૩૨૦)
જ્ઞાનીને વિષે જો કોઇ પણ પ્રકારે ધનાદિની વાંછા રાખવામાં આવે છે, તો જીવને દર્શનાવરણીય કર્મનો પ્રતિબંધ વિશેષ ઉત્પન્ન થાય છે. ઘણું કરીને જ્ઞાની તેવો પ્રતિબંધ કોઇને પોતા થકી ઉત્પન્ન ન થાય એમ વર્તે છે.
જ્ઞાની પોતાનું ઉપજીવન, આજીવિકા પણ પૂર્વકર્માનુસાર કરે છે; જ્ઞાનને વિષે પ્રતિબદ્ધતા થાય એમ કરી આજીવિકા કરતા નથી, અથવા કરાવવાનો પ્રસંગ ઇચ્છતા નથી, એમ જાણીએ છીએ.
જ્ઞાની પ્રત્યે જેને કેવળ નિઃસ્પૃહ ભકિત છે, પોતાની ઇચ્છા તે થકી પૂર્ણ થતી ન દેખીને પણ જેને દોષ આવતો નથી, એવા જે જીવ છે, તેને જ્ઞાનીને આશ્રયે ધીરજથી વર્તતાં આપત્તિનો નાશ હોય છે; અથવા ઘણું મંદપણું થઇ જાય છે, એમ જાણીએ છીએ; તથાપિ તેવી ધીરજ રહેવી આ કાળને વિષે બહુ વિકટ છે, અને તેથી ઉપર જણાવ્યું છે, એવું પરિણામ ધણી વાર આવતું અટકી જાય છે. (પૃ. ૩૨૮)
જ્ઞાનીપુરુષ કે જેને એકાંતે વિચરતાં પણ પ્રતિબંધ સંભવતો નથી, તે પણ સત્સંગની નિરંતર ઇચ્છા રાખે છે, કેમકે જીવને જો અવ્યાબાધ સમાધિની ઇચ્છા હોય તો સત્સંગ જેવો કોઇ સરળ ઉપાય નથી. (પૃ. ૪૨૨)
જ્યાં સુધી સંસાર છે ત્યાં સુધી કોઇ જાતની ઉપાધિ હોવી તો સંભવે છે; તથાપિ અવિકલ્પ સમાધિમાં સ્થિત એવા જ્ઞાનીને તો તે ઉપાધિ પણ અબાધ છે, અર્થાત્ સમાધિ જ છે. (પૃ. ૩૧૬)
T ઉપાધિપ્રસંગને લીધે આત્મા સંબંધી જે વિચાર તે અખંડપણે થઇ શકતો નથી, અથવા ગૌણપણે થયા કરે છે, તેમ થવાથી ઘણો કાળ પ્રપંચ વિષે રહેવું પડે છે; અને તેમાં તો અત્યંત ઉદાસ પરિણામ થઇ ગયેલ હોવાથી ક્ષણવાર પણ ચિત્ત ટકી શકતું નથી, જેથી જ્ઞાનીઓ સર્વસંગપરિત્યાગ કરી અપ્રતિબદ્ધપણે વિચરે છે. (પૃ. ૩૧૯)