________________
૧૧૩
કર્તાપણું (ચાલુ) ઠરે, અને જ્યારે એમ જ હોય તો પછી તેનાં કોઇ પણ પ્રકારનાં દુઃખોનો સંભવ પણ ન જ થાય. જ્યારે કોઇ પણ પ્રકારનાં દુઃખોનો સંભવ આત્માને ન જ થતો હોય તો પછી વેદાંતાદિ શાસ્ત્રો સર્વ દુઃખથી ક્ષય થવાનો જે માર્ગ ઉપદેશે છે તે શા માટે ઉપદેશે છે ? ‘જ્યાં સુધી આત્મજ્ઞાન થાય નહીં, ત્યાં સુધી દુઃખની આત્યંતિક નિવૃત્તિ થાય નહીં,' એમ વેદાંતાદિ કહે છે; તે જો દુઃખ ન જ હોય તો તેની નિવૃત્તિનો ઉપાય શા માટે કહેવો જોઇએ ? અને કર્તૃત્વપણું ન હોય, તો દુ:ખનું ભોકતૃત્વપણું ક્યાંથી હોય ? એમ વિચાર કરવાથી કર્મનું કર્તૃત્વ ઠરે છે.
હવે અત્રે એક પ્રશ્ન થવા યોગ્ય છે અને તમે પણ તે પ્રશ્ન કર્યું છે કે ‘જો કર્મનું કર્તાપણું આત્માને માનીએ, તો તો આત્માનો તે ધર્મ ઠરે, અને જે જેનો ધર્મ હોય તે ક્યારે પણ ઉચ્છેદ થવા યોગ્ય નથી; અર્થાત્ તેનાથી કેવળ ભિન્ન પડી શકવા યોગ્ય નથી, જેમ અગ્નિની ઉષ્ણતા અથવા પ્રકાશ તેમ.’ એમ જ જો કર્મનું કર્તાપણું આત્માનો ધર્મ ઠરે, તો તે નાશ પામે નહીં.
ઉત્તર સર્વ પ્રમાણાંશના સ્વીકાર્યા વિના એમ ઠરે; પણ વિચારવાન હોય તે કોઇ એક પ્રમાણાંશ સ્વીકારીને બીજા પ્રમાણાંશનો નાશ ન કરે. ‘તે જીવને કર્મનું કર્તાપણું ન હોય’ અથવા ‘હોય તો તે પ્રતીત થવા યોગ્ય નથી,' એ આદિ પ્રશ્ન કર્યાના ઉત્તરમાં જીવનું કર્મનું કર્તૃત્વ જણાવ્યું છે. કર્મનું કર્તૃત્વ હોય તો તે ટળે જ નહીં, એમ કાંઇ સિદ્ધાંત સમજવો યોગ્ય નથી, કેમકે જે જે કોઇ પણ વસ્તુ ગ્રહણ કરી હોય તે છોડી શકાય એટલે ત્યાગી શકાય; કેમકે ગ્રહણ કરેલી વસ્તુથી ગ્રહણ કરનારી વસ્તુનું કેવળ એકત્વ કેમ થાય ? તેથી જીવે ગ્રહણ કરેલાં એવાં જે દ્રવ્યકર્મ તેનો જીવ ત્યાગ કરે તો થઇ શકવા યોગ્ય છે, કેમકે તે તેને સહકારી સ્વભાવે છે, સહજ સ્વભાવે નથી; અને તે કર્મને મેં તમને અનાદિ ભ્રમ કહ્યો છે, અર્થાત્ તે કર્મનું કર્તાપણું અજ્ઞાનથી પ્રતિપાદન કર્યું છે, તેથી પણ તે નિવૃત્ત થવા યોગ્ય છે, એમ સાથે સમજવું ઘટે છે. જે જે ભ્રમ હોય છે, તે તે વસ્તુની ઊલટી સ્થિતિની માન્યતારૂપ હોય છે, અને તેથી તે ટળવા યોગ્ય છે, જેમ મૃગજળમાંથી જળબુદ્ધિ. કહેવાનો હેતુ એ છે કે, અજ્ઞાને કરીને પણ જો આત્માને કર્તાપણું ન હોય તો તો કશું ઉપદેશાદિ શ્રવણ, વિચાર, જ્ઞાન આદિ સમજવાનો હેતુ રહેતો નથી.
હવે અહીં આગળ જીવનું ૫૨માર્થે જે કર્તાપણું છે તે કહીએ છીએ : પોતાના સ્વરૂપના ભાનમાં આત્મા પોતાના સ્વભાવનો એટલે ચૈતન્યાદિ સ્વભાવનો જ કર્તા છે, અન્ય કોઇ કર્માદિનો કર્તા નથી; અને આત્મા જ્યારે પોતાના સ્વરૂપના ભાનમાં વર્તે નહીં ત્યારે કર્મના પ્રભાવનો કર્તા કહ્યો છે.
૫૨માર્થે તો જીવ અક્રિય છે, એમ વેદાંતાદિનું નિરૂપણ છે; અને જિનપ્રવચનમાં પણ સિદ્ધ એટલે શુદ્ધાત્માનું અક્રિયપણું છે, એમ નિરૂપણ કર્યું છે; છતાં અમે આત્માને શુદ્ધાવસ્થામાં કર્તા હોવાથી સક્રિય કહ્યો એવો સંદેહ અત્રે થવા યોગ્ય છે. તે સંદેહ આ પ્રકારે શમાવવા યોગ્ય છે ઃ–
શુદ્ધાત્મા પરયોગનો, પરભાવનો અને વિભાવનો ત્યાં કર્તા નથી, માટે અક્રિય કહેવા યોગ્ય છે; પણ ચૈતન્યાદિ સ્વભાવનો પણ આત્મા કર્તા નથી એમ જો કહીએ તો તો પછી તેનું કંઇ પણ સ્વરૂપ ન રહે. શુદ્ધાત્માને યોગક્રિયા નહીં હોવાથી તે અક્રિય છે, પણ સ્વાભાવિક ચૈતન્યાદિ સ્વભાવરૂપ ક્રિયા હોવાથી તે સક્રિય છે. ચૈતન્યાત્મપણું આત્માને સ્વાભાવિક હોવાથી તેમાં આત્માનું પરિણમવું તે એકાત્મપણે જ છે, અને તેથી ૫૨માર્થનયથી સક્રિય એવું વિશેષણ ત્યાં પણ આત્માને આપી શકાય નહીં. નિજ સ્વભાવમાં પરિણમવારૂપ સક્રિયતાથી નિજ સ્વભાવનું કર્તાપણું શુદ્ધાત્માને છે, તેથી કેવળ શુદ્ધ સ્વધર્મ હોવાથી એકાત્મપણે પરિણમે છે; તેથી અક્રિય કહેતાં પણ દોષ નથી. જે વિચારે સક્રિયતા, અક્રિયતા નિરૂપણ કરી છે, તે વિચારના પરમાર્થને ગ્રહીને સક્રિયતા, અક્રિયતા કહેતાં કશો દોષ નથી. (પૃ. ૫૪૪-૭)