________________
પ્રકાશકીય
ધર્મબીજ પુસ્તક પ્રકાશિત કરતા અમે અત્યંત આનંદ અને હર્ષની લાગણી અનુભવીએ છીએ. આ પુસ્તકમાં મૈત્રી, પ્રમોદ, કરૂણા અને માધ્યસ્થ આ ચાર ભાવનાઓનું વિશંદ વર્ણન કરવામાં આવ્યું છે. આ ચાર ભાવનાઓ ધર્મના પાયામાં છે. અહીં લેખકે ચારેય ભાવનાને ધર્મના બીજની ઉપમા આપી છે. જેમ બીજ વગર વૃક્ષ સંભવે નહીં તેમ આ ચાર ભાવનાઓ વગર ધર્મવૃક્ષ સંભવે જ નહીં. વળી બીજ વાવવામાં આવે ત્યારથી માંડીને વૃક્ષ સ્વરૂપે પરિણમે ત્યાં સુધી તેની રક્ષા કરવી આવશ્યક હોય છે, પરંતુ વૃક્ષરૂપે પરિણમી જાય .પછી તો તે વૃક્ષ ઉપર ફળ આવવા લાગે. ફળોથી અનેક જીવો આનંદિત બને અને વૃક્ષની છાયામાં અનેક જીવો શાતા અનુભવે. આથી વૃક્ષ એ જીવોનું આશ્રયસ્થાન ગણાય છે. તેવી જ રીતે ધર્મરૂપી વૃક્ષના બીજ સ્વરૂપે આ ચાર ભાવના છે. આ ચાર ભાવનાઓ પ્રારંભિક અવસ્થામાં જીવનમાં આરોપિત કરવી પડે છે અને તે ભાવનાઓ જીવનમાં બીજરૂપે વાવવી પડે છે અને તેનું જતન અને સીંચન કરવામાં આવે તો આ ભાવનાઓ જીવનમાં અંકુરિત થવા લાગે છે. તેનાથી જીવન વધુ ને વધુ સમૃદ્ધ બનવા લાગે છે અને ભાવનાઓ પુષ્ટ બનતી જાય છે ત્યારબાદ તે સ્વ-પરના કલ્યાણમાં ઉપયોગી નીવડે છે. આમ કરવાથી જીવન ધન્ય બની જાય છે.
આ ચારેય ભાવનાઓનું જીવનમાં ઘણું જ મહત્ત્વ છે. મૈત્રી ભાવનાથી જગતના જીવો પ્રત્યેનો અભિગમ બદલાય જાય છે. ક્રોધને નાથી શકાય છે અને શાંતિ તથા શાતાનો અનુભવ થવા લાગે છે. અહિંસાનો આધાર પણ મૈત્રી છે. જીવો પ્રત્યે મૈત્રી ન કેળવાય તો