________________
શ્રી રાજ સૌભાગ સત્સંગ મંડળ
પ્રસ્તાવના
મુમુક્ષુ સાધકોને અધ્યાત્મ પોષણ મળે અને તેમનો પુરૂષાર્થ આત્મલક્ષી થાય તે માટે પ.પૂ. ભાઈશ્રી નલીનભાઈ કોઠારીની નિશ્રામાં શ્રી રાજ સૌભાગ આશ્રમ મધ્યે આખા વર્ષ દરમ્યાન દસ જેટલી આરાધના તેમજ એકાંત મૌન શિબિરોનું આયોજન કરવામાં આવે છે.
આ શિબિરોમાં પ. પૂ. ભાઈશ્રી કોઈપણ એક ઉત્તમ વિષયને લઈને પોતાની સહજ અને સરળ શૈલીમાં સુક્ષ્મ સમજણ આપતા હોય છે કે જે મુમુક્ષુઓને અત્યંત ઉપકારી નીવડે છે. તારીખ ૨૫/૧૨/૨૦૦૯ થી ૩૧/૧૨૨૦૦૯ની સાત દિવસની આરાધના શિબિરમાં "ધર્મબીજ” ગ્રંથનું પ્રશિક્ષણ પૂ. ભાઈશ્રી એ આપ્યું હતું. પરદેશમાં વસેલા મુમુક્ષુઓને પણ તે વિષયનો લાભ મળે માટે જયારે પરદેશ જવાનું થાય ત્યારે ત્યાં પણ તે વિષયને કેન્દ્રમાં રાખીને પૂ ભાઈશ્રીબોધ આપે છે.
આ ધર્મબીજ ગ્રંથના લેખક મુનિશ્રી તત્વાનંદવિજયજી મહારાજ સાહેબ છે. આ ગ્રંથમાં મૈત્રી, પ્રમોદ કરુણા અને માધ્યસ્થ એ ચાર ભાવનાઓને સરળતાથી સહદ્રષ્ટાંત સમજાવી છે. આચાર ભાવના અધ્યાત્મપ્રસાદના મુખ્ય ચાર સ્થંભ સમાન છે.
પરમકૃપાળુદેવ શ્રીમદ્રાજચંદ્રજી એ પત્રાંક-૬ર અને પત્રાંક-૮૬ માંચાર ભાવનાઓને વર્ણવી છે, અને લખ્યું છે કે ધર્મધ્યાનમાં આચાર ભાવનાઓથી ભુષિત થવું સંભવે છે.
સદ્ગગમે જો ધર્મરૂપી બીજ આત્મભૂમિમાં વવાય તો અનુક્રમે જીવ આત્મ વિકાસ સાધી શકે છે, વીતરાગ દશા સુધી પહોંચી શકે છે. આ રહસ્યને પ્રત્યેક સાધક પોતાની દશા પ્રમાણે પામી શકે છે.
સર્વે આરાધકો સગુરુની કરુણામય, મૈત્રી પૂર્ણ પ્રેમધારામાં ઉલ્લાસમય પુરુષાર્થ સેવી, ધર્મબીજ રૂપ સુધારસ પામી, સામ્યભાવને સાધી શાશ્વત, નિરામય સુખને પ્રાપ્ત કરે તેવી મંગલમય ભાવના સહ
પ્રકાશન સમિતિ શ્રી રાજ સૌભાગ સત્સંગ મંડળ, સાયલા.
તા. ૧૮/૬/૨૦૧૩