________________
માધ્યસ્થભાવના
૧૦૫
નિશ્ચયનય આવા ભેદને માનતો નથી. “એકેન્દ્રિયાદિ ભેદો કર્મે કરેલા છે. તે કાંઈ આત્માનો સ્વભાવ નથી. અવિકારી એવા આત્મામાં કર્મકૃત ભેદ હોઈ શકે નહીં. કર્મ તો પર દ્રવ્ય છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યને વિષે કશું જ કરી શકતું નથી. સર્વ દ્રવ્યો સ્વભાવમાં સ્થિત છે. પરસ્વરૂપને તેઓ કદી પણ પામતા નથી. કર્મે કરેલ વિકૃતિઓનો આત્મામાં આરોપ કરીને અજ્ઞાનીઓ સંસારમાં ભટકે છે.” એમ શુદ્ધ નિશ્ચયનય કહે છે.
“બે સ્ફટિક મણિ છે, તેમાંના એક પર રક્ત વસ્ત્રનું પ્રતિબિંબ પડે છે અને બીજા પર નીલ વસ્ત્રનું. અહીં અજ્ઞાની માણસ ઉપાધિભેદે (પ્રતિબિંબભેદે) એક સ્ફટિકને લાલ અને બીજાને કાળો કહે છે, જ્ઞાની તો બંને સ્ફટિકને સરખા જ માને છે. એ ન્યાયે અજ્ઞાની કર્મે કરેલા ભેદને કારણે જીવોને ભિન્ન માને છે. જ્યારે જ્ઞાની તો સર્વ આત્માઓને સમાન જુએ છે.”
“ભલે આત્મા અને કાશ્મણ વર્ગણાઓ એક જ આકાશ પ્રદેશોમાં રહેતા હોય, તેટલા માત્રથી કાંઈ આત્મામાં કર્મ પુદ્ગલના ગુણો આવી જતા નથી. આત્મા તો પોતાના તથાભવ્યત્વ સ્વભાવથી સર્વદા શુદ્ધ જ છે. તે બીજાના સંપર્કથી અશુદ્ધ બનતો નથી. જેમ ધર્માસ્તિકાયાદિ દ્રવ્યો અને કાર્પણ વર્ગણાઓ સમાન આકાશ પ્રદેશોમાં હોવા છતાં કાર્મણ વર્ગણાઓ ધર્માસ્તિકાયાદિના સ્વરૂપને ફેરવી શકતી નથી, તેમ આત્મસ્વરૂપને વિકૃત કરવા માટે કર્મ પણ કદાપિ સમર્થ થતું નથી.'
“આત્મદ્રવ્ય પરિણામી નિત્ય છે. મનુષ્ય, દેવ વગેરે પર્યાયો તેમાં ભલે ઉત્પન્ન થાય અને નાશ પામે, છતાં, આત્મદ્રવ્ય તો સર્વકાળમાં એકરૂપ છે, હતું અને રહેવાનું. સોનાની હારની બંગડી બનાવવામાં આવે ત્યારે હારનો નાશ થાય છે અને બંગડીની ઉત્પત્તિ થાય છે, કિન્તુ બને અવસ્થાઓમાં સુવર્ણ તો સ્વરૂપમાં જ રહે છે. એવી જ રીતે મનુષ્યાદિ પર્યાયોને ધારણ કરવા છતાં આત્મતત્ત્વ સદા સ્વરૂપમાં અવસ્થિત છે.”
‘નરદેહમાં રહેલ પોતાના આત્માને વ્યવહારથી માણસ નર માને છે અને તિર્યંચના શરીરમાં રહેલ પોતાના આત્માને તે તિર્યંચ માને છે. તથાપિ શું તત્ત્વતઃ તે માણસ કે તિર્યંચ છે? ના, ના, તે તો નિર્વિકાર, નિરંજન અને ચિદાનંદમય આત્મા છે.”