________________
अहंकारादिरहितं निःछद्मसमतास्पदम् । आद्यमप्युत्तमं किंचित् पुरुषं प्रणिदध्महे ॥१॥
: અર્થ :
અહંકાર આદિ દોષોથી રહિત, સ્વાભાવિક સમતાના સ્થાનરૂપ, અને સર્વપ્રથમ થયેલા ઉત્તમ એવા કોઈ અનિર્વચનીય પુરુષનું અમે ધ્યાન કરીએ છીએ. : વિવેચન :
આચાર્યશ્રી વિજયસિંહસૂરિ, એક શ્રેષ્ઠ પૂર્ણપુરુષનું ધ્યાન કરીને ‘શામ્યશતક’ ગ્રંથનો મંગલ પ્રારંભ કરે છે ! પોતાના હૃદયકમળમાં તેઓ એવા આદ્ય અને ઉત્તમ પુરુષને પધરાવીને એમનું ધ્યાન કરે છે.
‘સ્વયંબુદ્ધ’ એવા સમતાસાગર પૂર્ણ પુરુષને ધ્યેય બનાવે છે. તેઓ સ્વાભાવિક સમતાભાવથી પરિપૂર્ણ હોય છે. કૃત્રિમ સમતા તેમનામાં નથી હોતી. કારણ કે તેમનામાં અહંકાર, અભિમાન, દંભ, માયા-કપટરાગ-દ્વેષ આદિ દોષો નથી હોતા. તેઓ સર્વ દોષોથી મુક્ત હોય છે. સર્વ ગુણોથી યુક્ત હોય છે.
ગ્રંથકાર આચાર્યદેવ આવા વીતરાગ અરિહંત પરમાત્માનું ધ્યાન કરે છે. એમને શામ્ય-સમતાના વિષય પર લખવું છે, એટલે તેમણે એવી શ્રેષ્ઠ વિભૂતિમાં ‘નિઃછદ્મસમતા’નું દર્શન કરી, એના પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. વીતરાગમાં અનંત ગુણો હોય છે, તેમાંથી એમણે ‘સ્વાભાવિક સમતા ગુણનો ખાસ નિર્દેશ કર્યો છે, તે ઘણો સૂચક છે ! કારણ કે એમને ‘સહુ જીવો સમતા પામો...' આ ભાવના અભિપ્રેત છે. માટે જ તેઓ આ ગ્રંથ લખવા તત્પર બન્યા છે.
સમતાસાગર વીતરાગ પરમાત્માનું ધ્યાન કરીને, ગ્રંથકાર પોતાના · ‘વ્યક્તિત્વને સમતા-ભાવથી રસી દે છે ! સમતા-ભાવથી ઓતપ્રોત કરી દે છે... અને આ રીતે તેઓ સ્વયં ‘યોગી’ કક્ષામાં મુકાઈ જાય છે ! કારણ કે શામ્ય=સમતા-ગુણ યોગીપુરુષોનો જ વિશિષ્ટ ગુણ હોય છે. સમતાયોગી બનીને તેઓ ‘સમતા-શતક’ની, ‘શામ્યશતક’ની રચના કરે છે !
શામ્યશતક
૧