________________
પંચસૂત્ર ભીમકા
નથી, અને પદાર્થને સમજવાની દરકાર સરખીય એને નથી. એની કિંમત જ ન હોય પછી એની ગરજ કે દકાર શેની જાગે ? એટલે ગુણબીજ જ નથી તો ફળ ક્યાં ? બીજ વિનાની ગમે તેટલી કષ્ટમય ક્રિયા પણ કરવામાં આવે તેથી ફળ ન જ બેસે. એ તો ભવાભિનંદીપણાના પાયા પર ઊભેલા અને એને પોષનારા ક્ષુદ્રતા આદિ આઠ દુર્ગુણોથી આત્માનો જે પ્રાથમિક શુદ્ધ ભાવ હણાઈ ગયો છે, તેને તે દુર્ગુણો ટાળી શુદ્ધ કરવામાં આવે, અને શ્રદ્ધાપૂર્વક શ્રાવકના અણુવ્રત, ગુણવ્રત, અને શિક્ષાવ્રત સ્વીકારી એનો ખૂબ ખૂબ અભ્યાસ થાય, સાથે જરૂરી બીજા ગુણો અને સાવધાનીઓમાં સતત પ્રયત રહે, ત્યારે સાધુધર્મને યોગ્ય તથા ઉત્સુકતાવાળું મન ઊભું થાય છે. આ બધો અભ્યાસ અને પ્રયત એ પરિભાવના છે.
ભવાભિનંદીના ૮ દુર્ગુણ
: ૧૫ :
અહીં ભવાભિનંદીના આઠ દુર્ગુણો સમજી લેવાની જરૂર છે. જેથી જીવનમાંથી હંમેશ માટે એને દૂર કરી લેવાય, અને સબીજ ધર્મક્રિયાને ધર્મઆચારને અવકાશ મળી શકે. આઠ દુર્ગુણો આ પ્રમાણે છે –
क्षुद्रो लाभरतिर्दीनो मत्सरी भयवान् शठः । अज्ञो भवाभिनंदी स्याद् निष्फलारंभसंगतः ||
(૧) ક્ષુદ્રતા, (૨) લાભરિત, (૩) દીનતા (૪) માત્સર્ય, (૫) ભય, (૬) શઠતા, (૭) અજ્ઞતા, અને (૮) નિલૢારંભ પ્રયત. આનો ટૂંકો વિચાર આ મુજબ છે :
(૧) ક્ષુદ્રતા :- હૃદય ક્ષુદ્ર એટલે તુચ્છ, છીછરું, ઉત્તાન, ઉછાછળું, હલકટ, વગેરે હોય. એમાં વસ્તુને ઊંડાણથી જોવાની વાત નહીં. માત્ર પોતાનો અધમ સ્વાર્થજ પ્રિય હોવાથી એ સ્વાર્થ સિદ્ધ કરવાની તાલાવેલીમાં કોઈ પણ વસ્તુ કે પ્રસંગને દીર્ઘદ્રષ્ટિથી કે નિપુણદષ્ટિથી જોવાની વાત જ ન હોય. આ સ્થિતિમાં તાત્ત્વિક શ્રદ્ધા આવે જ ક્યાંથી ? તત્ત્વ ગળે ઊતરે નહિ, સમજાય નહિ, તો પછી ટકવાની વાત શી ? તત્ત્વોની વાતો ગળે ઊતરે અને ટકે તો જ સતત વિચાર તાત્વિક કોટિના રહી શકે. એ માટે તુચ્છ સ્વાર્થની અંધતા ટાળી વસ્તુ કે પ્રસંગને સાચા રૂપમાં જોઈ તપાસવી, અને એ માટે સૂક્ષ્મ બુદ્ધિથી વિચાર કરવો. એમ કરવાથી અનુચિત વર્તન, દુષ્કૃત્ય કે દિલના દુષ્ટ ભાવથી બચી જવાય, આના માટે ધર્મરત પ્રકરણ’ ગ્રંથમાંનો પ્રસંગ જોવા જેવો છે.